- ક્રિકેટ સટ્ટાની આઈડી દુબઇના કરણ પાસેથી મેળવ્યાનો તેજસનો એકરાર
Rajkot News : રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ચકચાર મચાવનાર સટ્ટાકાંડમાં ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર તેજસ રાજદેવની ધરપકડ કરી લીધી છે. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ અલગ અલગ સ્થળો પર રેઇડ કરીને ત્રણ જેટલાં બુકની ધરપકડ કર્યા બાદ વધુ ત્રણ બુકીઓના નામ ખુલ્યા હતા. જે પૈકી પોપટબંધુઓની માધાપર ચોકડી પાસેથી ધરપકડ બાદ હવે તેજસ રાજદેવની ગુંદાવાડીમાંથી ધરપકડ કરી લેવાઈ છે. તેજસે પ્રાથમિક પૂછપરછમાં ક્રિકેટ સટ્ટાની આઇડી દુબઇના કરણ પાસેથી મેળવ્યાનો ખુલાસો થયો છે.
એકાદ માસ પહેલા ક્રાઈમ બ્રાન્ચે ક્રિકેટનો કરોડો રૂપિયાનો સટ્ટો પકડી પાડ્યો હતો. જુદા જુદા ત્રણ સ્થળે ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડીને ભાવેશ ઠક્કર, સુકેતુ ભુતા અને નિશાંત ચગને ઝડપી લીધા હતા. આ ત્રણેય બુકીઓ પાસેથી ચેરી બેટ અને મેજિક એક્સચેન્જ સહિત ત્રણ માસ્ટર આઇડી મળી આવી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર તરીકે તેજસ રાજદેવ ઉપરાંત નિરવ પોપટ અને તેના ભાઈ અમિત ઉર્ફે મોન્ટુનું નામ સામે આવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય માસ્ટર આઇડીની તપાસ કરતા કરોડોનું બેલેન્સ હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત 28 જેટલા બુકી અને પંટરોના નામ પણ ખોલવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ તમામ પંટરો અને બુકીઓને સાઈડમાં મૂકી તેજસ રાજદેવ, નીરવ અને અમિતની શોધ ખોળ શરૂ કરી હતી પરંતુ આ ત્રણેય બુકીઓ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં આવતા ન હતા. દરમિયાન થોડા સમય પૂર્વે નિરવ અને તેના ભાઈની શહેરના માધાપર ચોકડી પાસેથી ખાનગી ટેક્સીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
જે બાદ ગત રાત્રે તેજસ રાજદેવ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગુંદાવાડીમાં રેઈડ કરી તેજસ રાજદેવને ઝડપી લીધો છે. તેજસ વિરુદ્ધ ક્રિકેટ સટ્ટા અંગે કુલ બે ગુના નોંધાયા હતા. આ બંને ગુનામાં તેની ધરપકડ કરાયાનું ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તેજસની પૂછપરછમાં દુબઈના કરણ નામના શખ્સનું નામ ખુલ્યું છે. તેજશે એવો એકરાર કર્યો છે કે ક્રિકેટ સટ્ટાની આઈડી તેને દુબઈના કરણ પાસેથી મેળવી હતી.
જ્યારે આ અગાઉ પોપટબંધુઓની પૂછપરછમાં મૂળ ગોવાના અને સંભવત: દુબઈ ભાગી ગયેલા ચંદ્રેશનું નામ પણ ખુલ્યું હતું. આ રીતે રાજકોટના ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાકાંડમાં દુબઈનું કનેક્શન હવે સામે આવી રહ્યું છે.
આ કૌભાંડમાં અત્યાર સુધી અડધો ડઝનથી વધુ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હજુ પણ 20થી વધુ બુકીઓ અને પંટરોની ધરપકડ બાકી છે.
વધુ બે બુકીઓની ધરપકડ કરી છે. ગત23મી જાન્યુઆરીના રોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિવિધ ત્રણ સ્થળો પર દરોડા પાડીને ત્રણ જેટલા બુકીઓની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ત્રણ મુખ્ય બુકી અને 28 જેટલા પેટા બુકી અને પંટરોના નામ ખોલ્યા હતા. મામલામાં ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરીને વધુ બે મુખ્ય બુકીઓની ધરપકડ માધાપર ચોકડી ખાતેથી કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત 23મી જાન્યુઆરીના રોજ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમોએ કુલ અલગ અલગ ત્રણ સ્થળો પર દરોડા પાડીને ત્રણ જેટલા બુકીઓની ધરપકડ કરી હતી. જે બુકીઓની પૂછપરછમાં અન્ય ત્રણ મુખ્ય બુકીઓ તેમજ 28 જેટલા પેટા બુકીઓના નામ સામે આવ્યા હતા. મામલામાં મુખ્ય ત્રણ બુકી વિદેશ ભાગી ગયા હોય તેવી શંકાના આધારે પોલીસે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવા સહિતની કાર્યવાહી આરંભી હતી. દરમિયાન નીરવ પોપટ અને અમિત પોપટ ઉર્ફે મોટું ખમણ એરપોર્ટથી શહેરમાં ઘૂસતા હોય તેવી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને શહેરના માધાપર ચોકડી ખાતેથી નીરવ પોપટ અને મોટું ખમણની ધરપકડ કરી લીધી છે. બંને બુકી બંધુઓ ખાનગી ટેક્સીમાં શહેરમાં ઘુસવાની ફિરાકમાં હતા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બંને બુકીઓની ધરપકડ કરીને મોબાઈલ સહિતના ડિવાઇસ કબ્જે કરી વધુ તપાસ આરંભી છે.
શું હતો મામલો?
તારીખ 23 જાન્યુઆરીના રોજ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ ગળચર સહિતની ટીમે કિસાનપરા, નવાગામ અને માધાપર ચોકડી પાસે દરોડો પાડીને નિશાંત હર્ષભાઈ ચગ, સુકેતુ કનૈયાલાલ ભૂત અને ભાવેશ અશોક ખખ્ખરની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 12 લાખની મત્તા કબજે કરી હતી. તપાસ કરતા તેમની પાસેથી ચેરી બેટ નાઇન અને મેજિક એક્સ ડોટ કોમ નામની આઈડી મળી આવી હતી. જેમાં સૂત્રધાર તરીકે નીરવ પોપટ, અમિત ઉર્ફે મોન્ટુ ખમણ અને તેજસ રાજદેવણા નામો ખુલ્યા હતા. તેમજ આઈડીમાં રૂપિયા 24 કરોડના વ્યવહાર થયાનું બહાર આવ્યું હતું. મામલામાં એક ધારાસભ્યના ભાઈનું પણ નામ સામે આવ્યું હતું.
સટ્ટાકાંડનું દુબઇ કનેક્શન આવ્યું સામે
સટ્ટાકાંડનું હવે દુબઇ કનેક્શન સામે આવી રહ્યું છે. અગાઉ પોપટબંધુઓએ મૂળ ગોવાના અને હાલ દુબઇ ભાગીદાર ગયેલા ચંદ્રેશનું નામ ખોલ્યા બાદ હવે તેજસ રાજદેવે પોતે ક્રિકેટ સટ્ટાની આઈડી મૂળ ગુજરાતી અને હાલ દુબઇમાં રહેતા કરણ પાસેથી મેળવ્યાનો ખુલાસો આપ્યો છે. ત્યારે રાજકોટથી ખુલ્લું પડેલું સટ્ટાકાંડ ગુજરાતનું સૌથી મોટું સટ્ટાકાંડ બની ગયું છે.
સટ્ટાકાંડની સાથોસાથ હવાલા કૌભાંડની તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારી વિગતો આવી શકે છે સામે
હાલ જે રીતે સટ્ટાકાંડ જોરોશોરોથી ગાજી રહ્યું છે તેવામાં હવે જો પોલીસ દ્વારા સટ્ટાકાંડની સાથોસાથ હવાલા કૌભાંડની પણ તપાસ કરવામાં આવે તો અનેક કડાકા ભડાકા થવાના એંધાણ છે. બુકી તેજસ રાજદેવ સટ્ટાની સાથોસાથ હવાલા કૌભાંડનું પણ રેકેટ ધરાવતો હોય તેવું જાણકારો કહી રહ્યા છે ત્યારે ફકત ક્રિકેટ સટ્ટાની રકમની આપ-લે કેવી રીતે થતી હતી તે દિશામાં તપાસ કરવામાં આવે તો હવાલા કૌભાંડનું રેકેટ પણ સામે આવી શકે તેમ છે.