- ગરીબ કલ્યાણ મેળામાં 42,246 લાભાર્થીઓને રૂ.88.5 કરોડની સહાય,કીટ અને લાભ વિતરણ કરાયું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ગરીબ કલ્યાણ મેળા યોજાયો હતું.જેનું દીપ પ્રાગટ્ય સાંસદ પરસોતમભાઇ રૂપાલાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળા માં બનાસકાંઠાથી જોડાયા હતાં. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે.ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર બનાવવા સેવાયજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે. આવાસ, આરોગ્ય, અન્ન અને આવક આ ચાર સ્તંભ પર ગરીબોની ઈમારત રચી છે. જેના પરિણામે દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. વડાપ્રધાન હર હંમેશ નાનામાં નાનો માણસ અને છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે તેના માટે પ્રયત્ન કર્યો છે. સરકારી યોજના કોઇપણ બની હોય એના કેન્દ્ર સ્થાને નાનો માણસ રહ્યો છે. . વિકસિત ભારતના નિર્માણ માટે તેમણે જ્ઞાનશક્તિ એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા, કિશાન અને નારી શક્તિના ચાર સ્તંભને ખુબ મહત્વના ગણાવ્યા છે. ગરીબ કલ્યાણ માટે મોદીની ગેરેંટીને લોકોએ વિશ્વાસ મુકીને એમને સતત ત્રીજી વાર દેશનું દાયિત્વ સોપ્યું છે. આજથી રાજ્યભરમાં 14 તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનું આરંભ કરી રહ્યા છીએ. રાજ્યભરના 11000થી વધુ લોકોને સાધન સહાય આપવાની મને તક મળી છે. ગરીબ કલ્યાણ મેળા ગરીબોની સહાયનું જન આંદોલન બની રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારત ઈઝ ઓફ લિવિંગ લોકોના રોજિંદા જીવન સરળ બનાવવા પર ખુબ ભાર મુક્યો છે.
સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે,અગાઉની સરકારમાં પણ અનેક યોજનાઓ હતી પણ વચ્ચે એજન્ટોની ટોળી ઉભી થઈ ગઈ હતી આવું એ સમયના મુખ્યમંત્રીના ધ્યાને આવતા તેમણે એજન્ટોની ટોળકીને નાબુદ કરી સીધો લાભાર્થીને લાભ મળે તેવું આયોજન કર્યું. આજના આ ગરીબ કલ્યાણ મેળામાં કુલ-1622 લાભાર્થીઓને સીધો લાભ આપવામાં આવવાનો છે જે બદલ સમગ્ર રાજકોટ મહાનગરપાલિકાની ટીમને અભિનંદન પાઠવું છું.
આ ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે,રાજ્ય યોજનાઓના લાભ/સહાય/કીટ લાભાર્થીઓને સરળતાથી અને એક જ સ્થળેથી આપવા રાજ્ય સરકાર દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગરીબ કલ્યાણ મેળો કાર્યક્રમની શરૂઆત વર્ષ 2009થી કરેલ હતી, જે પરંપરા આજે પણ યથાવત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારએ જાળવી રાખેલ છે. ગરીબ કલ્યાણ મેળો દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભથી લાભાર્થી વંચિત ન રહે તે હેતુસર આજ રોજ રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર ગુજરાતના જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકા સહિત કુલ-33 સ્થળોએ એક સાથે ગરીબ કલ્યાણ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના લાભાર્થીઓને લાભ આપવા મહાનગરપાલિકા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરેલ છે. સરકાર આપણા દ્વારે આવી છે ત્યારે સરકારશ્રીના જુદા જુદા વિભાગોની 21 યોજનાઓના કુલ-1622 જેટલા લાભાર્થીઓને રૂ.2.57 કરોડની સહાય/કીટ/લાભ પ્રાપ્ત થનાર છે.
આ ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમમાં ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ જણાવ્યું હતું કે, ગરીબ લોકોને ખરા અર્થમાં લાભ મળે તે ભારતીય જનતા પાર્ટી અને દેશના પ્રધાનમંત્રીનો સંકલ્પ છે. સરકારશની વિવિધ યોજનાઓથી નાના પરિવારોમાં આર્થિક મદદ મળે છે. આ ઉપલાકાંઠા વિસ્તારમાં ગરીબ કલ્યાણ મેળો યોજવા બદલ રાજ્ય સરકારનો અને રાજકોટ મહાનગરપાલિકાનો આભાર માનું છું. ઘરમાં જ્યારે બિમારી આવે છે ત્યારે ઘરમાંથી પૈસા ખૂટે છે પણ હવે એવું નથી. ધારાસભ્ય ડો.દર્શિતા શાહએ જણાવ્યું હતું કે જ્યાં માનવી ત્યાં પ્રભુતા આ મંત્ર સાથે ચાલતી ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સમગ્ર ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને ભારત સરકારની 150થી વધુ યોજનાઓ છે. તમામ યોજનાઓનો લાભ લગત લાભાર્થીને મળે તેના માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. સૌ લાભાર્થી લાભ લો અને અન્યને પણ લાભ લેવડાવો અને કોઇપણ વ્યક્તિ લાભથી વંચિત ન રહે.