ફાયરની ટીમે જર્જરિત મકાનમાંથી 5 વ્યક્તિઓનું કર્યું રેસ્ક્યુ: બારીએથી તમામને બહાર કઢાયા
જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ પર સેતાવાડ વિસ્તારમાં એક મકાનના છતનો હિસ્સો એકાએક ધસી પડતાં ભારે અફડા તફડી નો માહોલ સર્જાયો હતો. જેમાં ફસાયેલી પાંચ વ્યક્તિને ફાયર બ્રિગેડની ટુકડીએ સમયસર રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેતાવાડ વિસ્તારમાં આવેલું એક મકાન કે જેનો છતનો હિસ્સો બપોરે 12 વાગ્યા આસપાસ એકાએક ધસી પડ્યો હતો, જેથી ભારે દોડધામ થઈ હતી.
જે મકાનમાં પાંચ વ્યક્તિઓ અંદર હાજર હતી, અને ફસાઈ હતી તે અંગેની જાણકારી સૌ પ્રથમ સ્થાનિક કોર્પોરેટર કેતનભાઇ નાખવાને થઈ હતી, અને તેમણે તુરતજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને બોલાવી હતી.
જેથી ફાયર શાખા ની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, અને અંદર ફસાયેલી પાંચ વ્યક્તિ દિવ્યાબેન સંઘાણી, વિજયાબેન સંઘાણી (73 વર્ષ), રાજેશભાઈ હરકીશનભાઈ મહેતા, અંજલીબેન અશોકભાઈ મહેતા (19), અને મૌલિક અશોક મહેતા(15) કે પાંચેયને સહી સલામત રીતે કાઢી લીધા હતા, તેથી સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.
આ રેસક્યુ કામગીરી વખતે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે હાજર રહ્યો હતો, અને રેસ્ક્યુ કામગીરીમાં મદદમાં જોડાયો હતો, અને ચાલુ વરસાદે સમગ્ર રેસક્યુ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી હતી.
માલદે ભુવનના મુખ્ય પ્રવેશ દ્વારનો જર્જરિત હિસ્સો દૂર કરાયો
જામનગર શહેરમાં શુક્રવારે પડી રહેલા ધોધમાર વરસાદ અને તોફાની પવનને લઈને અનેક જોખમી મકાનો કે જેને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમે સલામતીના ભાગરૂપે દૂર કર્યા હતા. જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલા માલદે ભુવન કે જેના મુખ્ય પ્રવેશ દ્વારનો મોટો હિસ્સો કે જે માત્ર લાકડાની ધરી પર ટકેલો હતો, અને ગમે ત્યારે ધસી પડે તેવી પરિસ્થિતિમાં હોવાથી આજે મહાનગરપાલિકાની ટુકડીએ દૂર કર્યો હતો. જેસીબી ની મદદ થી તેને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત મહાલક્ષ્મી ના ચોકમાં એક મકાન કે જેનો જર્જરીત ભાગ પણ દૂર કર્યો હતો, જ્યારે નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલું એક જૂનું પુરાણું મકાન કે જેનો જર્જરીત હિસ્સો પણ એસ્ટેટ શાખાની ટુકડીએ દૂર કરી નાખ્યો હતો.