ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ બન્યા રેરા અપેલેટના નવા ચેરમેન: આવકવેરા વિભાગ ગુજરાતના પૂર્વ પ્રિન્સીપલ ચીફ કમિશનર અજયદાસ મેહરોત્રાની ટેકનિકલ મેમ્બર તરીકે નિયુકિત
કેન્દ્ર સરકાર દ્વારા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે ગેરરીતી આચરવામાં આવતી હતી તેના પર પૂર્ણવિરામ મુકવા માટે રેરાની અમલવારી કરવામાં આવેલી છે પરંતુ મહત્તમ પ્રોપર્ટીના ફ્રોડ કેસો નોઈડા, દિલ્હી, હરિયાણામાં જોવા મળતા સમગ્ર દેશમાં તેની અમલવારી શરૂ કરવામાં આવી હતી. રેરાની અમલવારી થતાની સાથે જ બિલ્ડર લોબીને ઘણાખરા પ્રશ્ર્નો પણ ઉદભવિત થયા હતા ત્યારે હાલ રેરાને ધ્યાને લઈ જે રીયલ એસ્ટેટના પડતર કેસો જોવા મળી રહ્યા છે તેનો હજુ સુધી યોગ્ય નિકાલ આવ્યો નથી. કયાંકને કયાંક રેરાની કામગીરીને સુદ્રઢ બનાવવા માટે જે માળખાગત સુવિધા ઉભી કરવામાં આવી જોઈએ તેમાં ઘણાખરા અંશે રેરા નિષ્ફળ નિવડયું હોય તેવું લાગી રહ્યું છે.
દેશના અર્થતંત્રમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રનું પ્રભુત્વ અનેરું રહેતું હોય છે ત્યારે જો રેરામાં ઉદભવિત થયેલા પ્રશ્ર્નોનો નિકાલ ત્વરીત કરવામાં આવે તો જ બિલ્ડરોને તેનો પુરતો લાભ મળી શકે છે. રેરાને લગતા કેસોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે રેરા અપીલેટ ટ્રીબ્યુનલના ચેરમેનની નિયુકિત થઈ ન હોવાના કારણે કેસોનો ભરાવો વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આ મુદ્દો સરકારને ધ્યાને આવતાની સાથે જ રાજય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ આર.ડી.કોઠારીને રેરા અપીલેટ ટ્રીબ્યુનલનાં ચેરમેન તરીકે નિયુકત કર્યા છે ત્યારે હવે આવનારા સમયમાં રેરાને લઈ જે પડતર કેસો જોવા મળે છે તેનો નિકાલ ત્વરીત થઈ શકશે.
ગુજરાત રાજય સરકાર દ્વારા અન્ય બે અધિકારીઓની પણ નિયુકિત રેરામાં કરવામાં આવી છે જેમાં રેરા ટ્રીબ્યુનલનાં જયુડીશીયલ અધિકારી તરીકે સરકારી અધિકારી મેહુલ ગાંધીની નિયુકિત કરવામાં આવી છે. સાથોસાથ રેરાના ટેકનિકલ વહિવટી સભ્ય તરીકે ગુજરાત રાજય આવકવેરા વિભાગનાં પૂર્વ પ્રિન્સીપલ ચીફ કમિશનર અજયદાસ મેહરોત્રાની પણ નિયુકિત કરવામાં આવી છે. હાલ સરકાર દ્વારા જે અધિકારીઓને નિમવામાં આવ્યા છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે રેરાને લઈ જે પ્રશ્ર્નો બિલ્ડરોને ઉદભવિત થયા હતા તેનું ત્વરીત નિવારણ અને નિરાકરણ લાવવામાં આવશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ પુરતો વેગ મળતો રહેશે.