શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ લુખ્ખાઓ દ્વારા મારામારી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે 150 ફૂટ રીંગ રોડ પર ઈમ્પીરીયલ હાઈટસના બેઝમેન્ટમાં મારામારીની ઘટના બની હતી જેમાં બિલ્ડર પર નડતરરૂપ જીપ હટાવી લેવા બાબતે ઝઘડો કરી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને શખ્સો વિરુદ્ધ માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
નડતર રૂપ જીપ લઈ લેવાનું કહેતા બે શખ્સોએ મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા નોંધાતો ગુનો
વિગતો મુજબ યુનિવર્સિટી રોડ પર સંજયરાજ એસ્ટેટમાં 1-નિલ બંગ્લોઝમાં રહેતા બિલ્ડર સમર્થભાઈ કિશોરભાઈ મહેતા દ્વારા નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં બજાજ ફાઇનાન્સ વાળો સાવન મિયાત્રા અને સતુભાના નામ આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે, ફરિયાદી શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર ઈમ્પીરીયલ હાઈટસમાં બી-વિંગ-4માં ક્ધસ્ટ્રકશનની ઓફિસ ધરાવે છે ગઈકાલે તે ઓફિસે હતા ત્યારે તેના મિત્ર સિધ્ધાર્થભાઈ વિઠ્ઠલાણીએ ફોન કરી ‘તમારા એલોટેડ પાર્કિંગમાં મેં ગાડી પાર્ક કરેલી છે. જયાં હાલ પાર્કિંગમાંથી બહાર નિકળવાના રોડ ઉપર એક કાળા કલરની સ્કોર્પીયો વચ્ચે પાર્ક કરેલ છે’ તેમ કહતા તે ઓફિસેથી નીચે પાર્કિંગમાં ગયા હતા. જયાં તેના મિત્ર સિધ્ધાર્થભાઈ ઉપરાંત આરોપી સાવન મિયાત્રા (બજાજ ફાયનાનસ વાળા) પણ હાજર હતા. તેણે જોતા તેના મિત્રની ગાડી પાર્કિંગમાંથી બહાર નિકળે તે રીતે સ્કોર્પીયો રસ્તા ઉપર પાર્ક કરી હતી. તે આરોપી સાવનની ગાડી હોવાથી તેને ગાડી હટાવી લેવાનું કહેતાં આરોપીએ ‘ગાડી અહીં જ રહેશે, ગાડી હટશે નહીં’ કહ્યું હતું.
આ સમયે આરોપી સતુભા નામનો શખ્સ ત્યાં આવતા તેણે તેને ગાળો ભાંડી ધકકો મારી લાત મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે ત્યાં અન્ય ઓફિસનો સ્ટાફ આવી પહોંચતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ આવતા બંને આરોપી ત્યાંથી ભાગી ગયા હતા. જેથી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.