પોલીસ કમિશનર અને મ્યુનિ. કમિશનરે બિલ્ડર એસો.ની કામગીરી નિહાળી પ્રોત્સાહિત કર્યા
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટ જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે જરૂરિયાતમંદ પરિવારોની જીવન નિર્વાહ માટેની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે વિવિધ ધર્મ – સંસ્થાઓ, શ્રેષ્ઠીજનોની સાથે રાજકોટ શહેરના બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પણ આગળ આવી તેમની બાંધકામ સાઇટ ઉપર કાર્ય કરતા વિવિધ રાજ્યોમાંથી પેટિયું રળવા આવેલા શ્રમિક પરિવારની ચિંતા કરી રહ્યા છે. આજે વાત કરવી છે રાજકોટ શહેરના એવા જ બિલ્ડરોની, બાંધકામ ક્ષેત્રના વ્યવસાયિકોને કે જેઓએ તેમની ક્ધસ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરતા માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ વિવિધ રાજ્યોમાંથી આવેલા શ્રમિકોને લોકડાઉનના સમયમાં ઓટલાની સાથે રોટલો પણ પૂરો પાડ્યો છે. એટલું જ નહીં, પરંતુ કોઈ કામ વગર બેઠેલા આ શ્રમિકોને તેઓ જ્યારે કામ કરતા હતા ત્યારે તેમને જે વેતન મળતું હતું તેટલા વેતનની ચુકવણી પણ બિલ્ડરો દ્વારા કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કહેર વચ્ચે પણ ગુજરાત અને તેના ગુજરાતીઓ પોતાની માનવતા કદી નથી ચૂક્યા. એમાંય સૌરાષ્ટ્રની ધરાની તો તાસીર જ એવી છે કે, અહીં ભૂખ્યાને રોટલો અને રહેવાને ઓટલો મળી જ રહે છે અને એટલે જ રંગીલા રાજકોટના માળખાકીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા બિલ્ડરો પણ આવી કપરી પરિસ્થિતિમાં પોતાની સાઇટો બંધ થવાથી તેના કારણે તેમને થતાં લાખોના નુકશાનની સામે જોયા વિના તેમના માટે દિવસ-રાત મજૂરી કામ કરતા શ્રમિકોને તેમના જીવન વ્યાપનની મહાવ્યથાને હળવી કરી છે.
રાજકોટ બિલ્ડર એસો.ના પરેશભાઇ ગજેરાએ માહિતી ખાતાની ટીમની મુલાકાતમાં વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, શ્રમિકોને તેમની બાંધકામ સાઇટ ઉપર ભોજન બનાવવું હોય તો ૧૬૦૦૦ જેટલી રાશન કીટ તૈયાર કરી જેમાં દાળ, ચોખા, તેલ, બટેટા, ધઉં વગેરે ચીજવસ્તુ સાથે વિતરણ કરાઇ રહયું છે. અને સમયાંતરે બીજી વાર કે જરૂરીયાત મુજબ તેઓને આપવામાં આવી રહી છે. સાથે સાથે તેઓના આરોગ્ય માટે દવા વિગેરેની જરૂરીયાતને ધ્યાને રાખી બિલ્ડર એસોના સભ્યોએ વ્યવસ્થા ગોઠવી છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને મ્યુનિ. કમિશ્નર ઉદીત અગ્રવાલે બિલ્ડર એસો.ની રાશન કીટની કામગીરી નિહાળી વિતરણ વ્યવસ્થા તેમજ શ્રમિકો માટે બિલ્ડર એસો.એ રહેવા, જમવા અને અન્ય વ્યવસ્થાની વિગતો મેળવી સંતોષ વ્યકત કર્યો હતો.
રાજકોટ શહેર મ્યુનિ. કોર્પોની હદમાં ખાનગી મકાનો અને બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકળાયેલાં હોય તેવી કુલ ૩૧૦ જેટલી સાઇટ ઉપર આશરે ૪૦૦૦ તેમજ રૂડા વિસ્તારમાં ચાલતાં પ્રોજેકટોના ૩૦૦૦ મળી કુલ સાત હજાર જેટલા શ્રમિકોને રહેવા અને જમવાની વ્યવસ્થા ખાનગી મકાનોના બાંધકામના માલિકો અને બિલ્ડરોએ કરી આપી છે. લોકડાઉનના સમય દરમિયાન કોઇ મુશ્કેલી શ્રમિકોને નહી પડે તેવી એસો.ના સભ્યોએ ધરપત આપતાં શ્રમિકો રોકાઇ ગયા છે.
રાજકોટ જેવા શહેરમાં કોઈ ભુખ્યું રહેતું નથી: શ્રમિક
બાંધકામ સાઇટના શ્રમિકોની મુલાકાત લેતાં ઓરીસ્સા રાજયના શ્રમિકે જણાવ્યું હતું કે, અમે છેલ્લા ત્રણ વર્ષથી અહીં કામ કરીએ છીએ. લોકડાઉનની પરિસ્થિતિ હોવા છતાં બિલ્ડરોએ અમોને પરિવારની જેમ જ અમારી રહેવાની, જમવાની, સવારે નાસ્તો, દવા અને વેતનની સુવિધા કરી છે. અમને આનંદએ વાતનો છે કે, અમે ગુજરાતમાં અને એમાં પણ રાજકોટ જેવા શહેરમાં પેટીયું રળવા આવ્યા છીએ. જયાં કોઇ ભુખ્યું રહેતું નથી.