ગુરૂવારે રૂડાની બોર્ડ બેઠકમાં ટીપી સ્કીમ બનાવવા ઈરાદો જાહેર કરવા સહિતની દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી એરીયામાં ટીપી સ્કીમ નં.32 રૈયા બનાવવામાં આવી છે. જે રાજ્યની સૌથી મોટામાં મોટી ટીપી સ્કીમ છે. જેની સામે રૂડા દ્વારા વાજડીગઢ વિસ્તારમાં 370 હેકટર જમીન પર ટીપી સ્કીમ નં.77 બનાવવામાં આવશે. આગામી ગુરૂવારે મળનારી રૂડાની બોર્ડ બેઠકમાં નવી ટીપી સ્કીમ બનાવવા માટે ઈરાદો જાહેર કરવા સહિતની અલગ અલગ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આગામી ગુરૂવારે બપોરે 4 કલાકે 164મી બોર્ડ બેઠકનું ચેરમેન અમિત અરોરાની અધ્યક્ષતામાં મળશે. બોર્ડ બેઠકમાં નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 કલમ 41/1 હેઠળ સુચીત મુસદ્દારૂપ નગરચના યોજના નં.77 વાજડીગઢ (સ્માર્ટસીટી ટી.પી.સ્કીમ.રૈયા.32ની સામેનો વિસ્તાર) બનાવવાનો ઇરાદો જાહેર કરવા નિર્ણય થનાર છે.
અન્ય મુદ્દાઓમાં ક્ધસ્ટ્રકશન ઓફ 24મી ડી.પી. રોડ સંતોષીનગર સુધી મોરબી હાઇવે સુધીની રસ્તાની કામગીરી ની સૈધ્ધાંતિક મંજુરી, રીંગરોડ ફેઝ-3 પર રૂ.60.68 કરોડના ખર્ચે રેલ્વે ઓવર બ્રીજની કામગીરી, રૂડા હદ વિસ્તારમાં સમાવિષ્ટ થતા મહિકા ગામના ઓજી (માંડાડુંગર સોસાયટી વિસ્તાર) ગંદા પાણીના નિકાલ અર્થે કોર્પોરેશનના પંમ્પીગ સ્ટેશન સુધી પહોંચાડવાની કામગીરી રૂ.1.87 કરોડના ખર્ચે, રૂડાની હદ વિસ્તારમાં માલીયાસણ ગામે જર્જરીત પાણીની ટેંક તોડી નવી 3 લાખ લીટર ની ક્ષમતાની ટેંક રૂ.41.66 લાખના ખર્ચે બાંધવા બાબત, એમઆઈજી પ્રકારના આવાસો પહેલા તે પહેલાના ધોરણે ફાળવવાની દરખાસ્ત, લેન્ડડિસ્પોઝલ કમીટીની મીટીંગની કાર્યવાહી મુજબ રૂડા ટ્રાન્સપોર્ટનગરના ખાલી પ્લોટ હરાજીથી નિકાલ કરવા કાર્યવાહી કરવા વિગેરે બાબતોની ચર્ચા વિચારણા આગામી બોર્ડ બેઠકમાં કરવામાં આવશે.