બિલ્ડરો પર નિયંત્રણ રાખતી સંસ્થા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (ગુજરેરા) ની વેબસાઈટ જેવી ભળતી વેબસાઈટ બનાવીને બિલ્ડરોને ફસાવવાના પ્રયાસ બદલ અમદાવાદ પોલીસે ગોંડલના એક ભેજાબાજ સહિત બે શખ્સોની ધરપકડ કરી હતી. બંને બેજાબાજો પર ગુજરેરાની સરકારી વેબસાઈટ www.gujrera. gujarat.gov.inજેવી વેબસાઈટ www.gujrera.inબનાવીને બિલ્ડરોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી દ્વારા તૈયાર કરવામાં આવેલી વેબસાઈટ બિલ્ડરોને અનેકવિધ માહિતી માટે ઉપયોગી બને છે ત્યારે આ જ વેબસાઈટ જેવી બોગસ વેબસાઈટ બનાવી નાણા ખંખેરતા ભેજાબાજની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે.
૩૨ વર્ષીય જયેશ લાખવાણી જે નવરંગપુરા વિસ્તારને છે અને ગોંડલના ૩૭ વર્ષના મુતુલ ઠકકરે મળીને આ વેબસાઈટ બનાવી હતી. ખોટા આઈડી અને ઈ-મેઈલ આઈડી સાથે તૈયાર કરવામાં આવેલી વેબસાઈટો દ્વારા અનેક બિલ્ડરોને ફસાવવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. જેમાં વૈશ્વિક ધોરણે પણ કેટલાક બિલ્ડરોને આ બન્નેની ટુકડી ફસાવતી હતી.
ગુજરાત રીયલ એસ્ટેટની વેબસાઈટના ભળતા નામે તૈયાર કરાયેલી ગુજરેરા નામની વેબસાઈટ પરથી પહેલા તો લોકોને મેઈલ મોકલી ત્યારબાદ મેસેજ કરે કે, તમારે કંપનીના ૧૦૦થી વધુ પ્રોજેકટોને ગુજરાત રાજય દ્વારા સ્વીકાર્ય માનવામાં આવે છે. આમ કરી વિદેશના તેમજ ભારતના બિલ્ડરોને ખોટી વેબસાઈટ ઉપરથી રેરા રજિસ્ટ્રેશન નોંધણી અંતર્ગત રેરા ભરવાની સુચના આપવામાં આવે છે.
સમગ્ર ઘટનાની જાણ થઈ જયારે ગુજરાત રેરાના અધિકારીને જ આ રીતે બોગસ વેબસાઈટ દ્વારા છેતરવામાં આવ્યા. ગુજરેરાના અધિકારી મયુર શાહે સાયબર સેલમાં બન્ને ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવી સેકશન ૬૬ અંતર્ગત તેમની સામે ફ્રોડનો કેસ કરવામાં આવ્યો હતો. ઠકકર નામન વ્યક્તિ ડીજીટલ સિગ્નેચર ક્ન્સલન્ટન્સી ચલાવતો હતો. તેણે લાખવાણી પાસેથી ૩૦ હજારની કિંમતમાં પોતાના ડોમેઈન ખરીદ્યા હતા અને વેબહોસ્ટીંગ સાઈટ પર તેની નોંધણી કરાવી હતી.