પોલીસની ઓળખ આપી મારમારી પૈસા પડાવ્યા: બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાય
અબતક,દર્શન જોશી, જૂનાગઢ
સામાન્યરીતે હની ટ્રેપના બનાવમાં ફરિયાદી કે ભોગ બનનાર આબરૂ જવાના ડરના કારણે ફરીયાદ નોંધાવવાનું ટાળે છે, જે બાબતનો પકડાયેલ ગેંગ પૂરેપૂરો ફાયદો ઉઠાવતા હોઈ, અવાર નવાર લોકોને હની ટ્રેપના કેસમાં ફસાવી, પોલીસના નામે દમ મારી, લાખો રૂપિયા પડાવે છે. જૂનાગઢ પોલીસ દ્વારા હની ટ્રેપ ગેંગના આરોપીઓના ફોટા પ્રેસ મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવતા, અને અખબારોમાં અહેવાલો પ્રસિદ્ધ થતા લોકો સામેથી પોલીસ સ્ટેશનમાં રૂબરૂ પહોંચી, ફરિયાદ આપતા હોઈ, જૂનાગઢ જિલ્લામાં જ ત્રણ હની ટ્રેપની ફરિયાદો સામે આવેલ છે.
હજુ પણ આ ગેંગના સકંજામાં બીજા જિલ્લાઓમાં પણ ઘણા લોકો આવેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધોળવા ગામ ખાતે રહેતા અને ખેતી કામ કરતા ભાવેશભાઈ રામજીભાઈ બોરડ (ઉવ. 35) ને રાજકોટની એક મહિલા સહિત 3 શખ્સોએ ફસાવી રૂ. 1.20 લાખની ખંડણી માંગી હતી, ત્યારે જુનાગઢ પોલીસે હની ટ્રેપની કાઉન્ટર ટ્રેપ કરી, તોડ બાજ ત્રિપુટીને ગણતરીની કલાકોમાં જ ગણતરીની કલાકોમાં જ પકડી પાડી હતી. હની ટ્રેપના ગુન્હામાં, હનીટ્રેપના પ્રકરણમાં સંડોવાયેલ અરવિંદ ઉર્ફે અનિલ અંબાભાઈ ગજેરા (ઉવ. 39 રહે. લાખાપાદર ગામ તા. વડિયા જી. અમરેલી), ભરત ડાયાભાઈ પારઘી (ઉવ. 29 રહે. નાની પરબડી ગામ તા. ધોરાજી જિલ્લો રાજકોટ) તથા જિન્નત ઉર્ફે બીબી ઉ/જ્ઞ અલ્લારખાભાઈ મોરવાડીયા ૂ/જ્ઞ રફીકભાઈ રજાકભાઈ મકવાણા (ઉવ. 38 રહે. જસદણ કાઠીવાસ તા. જસદણ જિ. રાજકોટ હાલ રહે. ભગવતી પરા શેરી નં. 20, રાજકોટ) ની જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટીની સૂચના અને જુનાગઢ ડીવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઇ એ.ડી.વાળા, ભેસાણ પીએસઆઇ કે.એમ.ગઢવી તથા સ્ટાફ દ્વારા પકડાયેલ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
જે દરમિયાન પકડાયેલ આરોપીઓની આ ગેંગ દ્વારા તાજેતરમાં જ તા. 24-1-2022 ના રોજ જૂનાગઢ તાલુકાના વડાલ ચોકી વિસ્તારમાં જેતપુરના ફરિયાદી નિલેશભાઈ વિનોદભાઈ પીઠડીયા (ઉવ. 34 રહે. પટેલનગર સોસાયટી, જ્ઞાનગંગા સ્કૂલની સામેની શેરી, જેતપુર)ને હની ટ્રેપમાં ફસાવી, અપહરણ કરી, વાડીમાં ગોંધી રાખી, રૂ. 2 લાખ જેટલી માતબર રકમ પડાવેલાની હકીકત બહાર આવતા, ફરિયાદી દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ છે. આ ઉપરાંત, આ જ ગેંગ દ્વારા આજથી બે માસ જેટલા સમય પહેલા ડિસેમ્બર માસમાં એક વેપારીને રાજકોટથી બોલાવી, મધુરમ વિસ્તારમાં આ જ ગેંગ દ્વારા હની ટ્રેપમાં ફસાવી રૂ. 20,000 રોકડા તથા રૂ. 80,000 આરોપી અરવિંદ ગજેરા દ્વારા પોતાના બેન્ક ખાતામાં નખાવી, રૂ. 1 લાખની ખંડણી ઉઘરાવેલાની વિગતો પ્રકાશમાં આવતા, ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ વધુ એક ગુન્હો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
આ સાથે અખબારોમાં ફોટાઓ પ્રસિદ્ધ થતા રાજકોટ ખાતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતેના હની ટ્રેપના ગૂન્હામાં પણ આરોપી અરવિંદ ઉર્ફે અનિલ ગજેરા વોન્ટેડ હોવાનું ફરિયાદી દ્વારા ઓળખી બતાવતા, આરોપી અરવિંદ ગજેરા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતેના ગુન્હામાં વોન્ટેડ નીકળ્યો છે.
આ ઉપરાંત આરોપી જિન્નત મકવાણા હની ટ્રેપના ગુન્હામાં રાજકોટ શહર કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે વોન્ટેડ હોવાની વિગતો પોલીસને જાણવા મળેલ છે.
હાલમાં જૂનાગઢ પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓની મુદ્દાઓસર પૂછપરછ હાથ ધરી છે, કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે તમામને જેલ હવાલે કરેલ છે. અને આ ગેંગનો જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન તથા સી ડિવિઝન પોલીસ દ્વારા કબજો લેવામાં આવેલ છે.