મેડ ઈન ઇન્ડિયા ટેબમાં કેન્દ્રીય બજેટ રજૂ થયું
મધ્યમવર્ગ, નોકરીયાત, પેન્શનર્સ, ઉદ્યોગજગતની અપેક્ષાઓ મુજબનું બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમન
આરોગ્ય અને માળખાગત સુવિધાઓ, ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ખર્ચની જોગવાઈ, બેન્કિંગ સેકટરની તંદુરસ્તીને આવરી લેવાયા
જીડીપી ગ્રોથ, માંગ, મુડી રોકાણ અને ક્રેડીટના પડકારો ઉકેલવા કેન્દ્રીય બજેટમાં અનેક જોગવાઈ
કોરોના મહામારી બાદ નાણામંત્રી નિર્મલા સિતારમને સંતુલીત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. કરવેરા, ઉદ્યોગજગત, સામાન્ય લોકો સહિતના તમામ આર્થિક પાસાઓને ધ્યાને રાખવામાં આવ્યા છે. નવા કરવેરાના સ્થાને અન્ય અલગ અલગ સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારતની સાથો સાથ આર્થિક તંદુરસ્તી માટે બજેટ વેકસીન સમાન સાબીત થશે. બજેટમાં રોજગારીની તકો, ઉદ્યોગ સાહસિકતા સહિતના મુદ્દે પણ મહત્વની જાહેરાતો થઈ છે. ઉપરાંત એફએમસીજી, ઓટો મોબાઈલ, મેન્યુ ફેકચરીંગ, નિકાસ સહિતના ક્ષેત્રો માટે પણ આત્મનિર્ભરતા તરફની જોગવાઈ થઈ છે.
આજે મોદી સરકારનું નવમું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટથી મહામારીમાં પીડીત સામાન્ય જનતાને ઘણા અંશે રાહત મળી હતી. સાથો સાથ સ્વાસ્થ્ય સેવા, માળખાકીય સુવિધા અને રક્ષા-સંરક્ષણ ઉપર વધુ ખર્ચના માધ્યમથી આર્થિક સુધારાને આગળ વધારવા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. બજેટમાં આમ આદમીની અનેક અપેક્ષાઓ પૂરી કરવા માટે મોદી સરકારે પ્રયાસો કર્યા છે. આજરોજ નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી. ગત મહિને નાણામંત્રી નિર્મલા સીતારમને છેલ્લા ૧૦૦ વર્ષમાં ન આવ્યું હોય તેવું કેન્દ્રીય બજેટ રહેશે તેવું નિવેદન આપ્યું હતું. જેનાથી આ બજેટ પ્રત્યે તમામ લોકોની આશાઓ વધી ગઈ છે.
બજેટમાં સૌથી મહત્વની બાબતો કઈ ?
- હેલ્થકેર: રૂા.૬૪૧૮૦ કરોડ
- ઈન્ફાસ્ટ્રકચર: રૂા.૧.૪૧ લાખ કરોડ
- ધિરાણ ક્ષેત્ર: રિકેપીટલાઈઝેશન માટે ૨૦,૦૦૦ કરોડ
- કરદાતાઓ: ૭૫ વર્ષથી વધુની ઉંમરના કરદાતા આવકવેરો ભરવામાંથી બાકાત
બજેટમાં થયેલી મહત્વની જાહેરાતો
- ખેડૂતો માટે લઘુતમ ટેકાના ભાવ દોઢ ગણા
- ઈન્સ્યોરન્સ એકટ ૧૯૩૮માં ફેરફાર થશે, ૭૪ ટકા એફડીઆઈ
- મિશન પોષણ ૨.૦ શરૂ કરાશે
- ઈન્ફાસ્ટ્રકચર સેકટર માટે ડેવલોપમેન્ટ ફાયનાન્સીયલ ઈન્સ્ટિટયુટ બીલ લવાશે
- ભારત માલા પ્રોજેકટ માટે રૂા.૩.૩ લાખથી વધુ ખર્ચાશે
- વાયુ પ્રદુષણ ઘટાડવા રૂા.૨ હજાર કરોડનું પેકેજ
- ટેકસ ઓડિટ લીમીટ ૫ કરોડથી વધારી ૧૦ કરોડ કરવા પ્રસ્તાવ
- ઓટો પાર્ટસ ઉપર ડ્યુટી વધારી ૧૫ ટકા થઈ
- સોના-ચાંદીમાં કસ્ટમ ડયુટી હટાવાઈ, કોપર અને સ્ટીલમાં ઘટાડાઈ
પીએફ વિલંબથી જમા કરવા પર કોઈ ડિડંકશન નહીં લાગે
બજેટ ૨૦૨૧માં નાણામંત્રી નિર્મલા સીતારમને સીનીયર સીટીઝનો માટે થોકબંધ જાહેરાત કરી છે જેમાં ૭૫ વર્ષથી વધુના નાગરિકો માટે ઈન્કમટેકસ મુક્તિ અને રિટર્ન ભરવામાંથી છુટ આપવામાં આવી છે. આ ઉપરાંત પીએફ ફંડમાં વિલંબથી રાશી જમા કરાવનાર માટે કોઈ ડિડંકશન ચાર્જ લગાવવામાં નહીં આવે.
સ્ટાર્ટઅપ રોકાણ પર એક વર્ષ વધુ ટેકસ હોલીડે
સરકારના આત્મનિર્ભર ભારતના મહત્વના અંશ એવા સ્ટાર્ટઅપના રોકાણ પર કેપીટલ ગેઈન છુટ મર્યાદા એક વર્ષ સુધી વધારવામાં આવી છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે સ્ટાર્ટ અપના રોકાણ પર ટેકસ હોલીડેની મુદત એક વર્ષ વધારવામાં આવી છે.
દરેકના ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થશે
એફોર્ડેબલ હાઉસીંગ પર વ્યાજમાં છુટની મુદત એક વર્ષની વધારવામાં આવી છે. એફોર્ડેબલ હાઉસીંગ માટે વ્યાજ છુટમાં એક વર્ષની મુદત વધારવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો માટે વધારાની અનેક છુટ આપવામાં આવી છે.
સરકારી બસ સેવા માટે ૧૮ હજાર કરોડ રૂપિયાની ફાળવણી
કેન્દ્રીય બજેટમાં જાહેર પરિવહનને પ્રોત્સાહિત કરવા માટે સરકારે મોટુ મન રાખ્યું છે. સાર્વજનિક બસ પરિવહન સુવિધા વધારવા માટે ૧૮ હજાર કરોડ રૂપિયાની ફાળવણી અને તેનાથી ૩૦ હજાર જેટલી બસો વસાવવામાં આવશે.
રાજકોષીય ખાદ્ય ૯.૫ ટકા રહેવાનું અનુમાન
બજેટ ૨૦૨૧માં રાજકોષીય ખાદ્ય જીડીપીના ૯.૫ ટકા જેટલું રહેશે. પરંતુ ૨૦૨૬ સુધીમાં આ ખાદ્ય ૪.૫ ટકા જેટલી કરી દેવામાં આવશે.
દેશમાં પ્રથમવાર ડિજીટલ વસ્તી ગણતરી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે પેપરલેસ ડિજીટલ બજેટ જાહેર કર્યું હતું અને પોતે પણ ટેબમાં જોઈને બજેટની જાહેરાત કરી હતી. આજે તેમણે જાહેર કર્યું હતું કે, ડિજીટલાઈઝેશનને પ્રોત્સાહન આપવા તરફ દેશ આગળ વધી રહ્યો છે અને આગામી વસ્તી ગણતરી પણ સંપૂર્ણપણે ડિજીટલાઈઝ હશે. સરકારે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનને પણ ૫૦,૦૦૦ કરોડની ફાળવણી કરી છે. ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે ઈન્સેટીવ સ્કીમની જાહેરાત કરી છે અને ડિજીટલ પેમેન્ટ પર ૧૫૦૦ કરોડનું ઈન્સેટીવ આપવામાં આવશે.
દેશમાં ૧૦૦ નવા સૈનિક સ્કૂલ કાર્યરત થશે
બજેટમાં શિક્ષણ અને માનવ સંશાધન પ્રવૃતિના વિકાસની હિમાયત કરવામાં આવી છે. ૧૦૦ નવા સૈનિક સ્કૂલો બિનરાજકીય સંસ્થાઓ, ખાનગી શાળાઓ અને રાજ્ય સરકારના સહયોગથી ઉભી કરવામાં આવશે. સાથે સાથે લઘુ અને મધ્યમ ઉદ્યોગના વિકાસ માટે ૧૫૭૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
બાકીના તમામ રાજ્યોમાં વન નેશન વન રાશન યોજના
માનવ સંશાધન ક્ષેત્રે વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં અણી ચુક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હિઝરતીઓને મતદાનથી લઈ તમામ હિઝરતી લોકોની વસ્તી ગણતરીની સાથે સાથે હવે દેશમાં તમામ રાજ્યોમાં વન નેશન વન રેશનની યોજનાનો અમલ શરૂ થશે.
વિમા ક્ષેત્રમાં એફડીઆઈનો વ્યાપ વધારાયો
દેશના વિમા ક્ષેત્ર અને કોર્પોરેટ ક્ષેત્રને વધુ પ્રોત્સાહિત કરવા માટે સરકારે ૪૮ માંથી ૭૩ ટકા જેટલી વિદેશી મુડી રોકાણને મંજૂરી આપી છે.