મધ્યમવર્ગ, નોકરીયાત, પેન્શનર્સ, ઉદ્યોગજગતની અપેક્ષાઓ મુજબનું બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમન
આરોગ્ય અને માળખાગત સુવિધાઓ, ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ખર્ચની જોગવાઈ, બેન્કિંગ સેકટરની તંદુરસ્તીને આવરી લેવાયા
જીડીપી ગ્રોથ, માંગ, મુડી રોકાણ અને ક્રેડીટના પડકારો ઉકેલવા કેન્દ્રીય બજેટમાં અનેક જોગવાઈ
મેડ ઈન ઇન્ડિયા ટેબમાં કેન્દ્રીય બજેટ રજૂ થયું
શિક્ષણ ક્ષેત્ર માટે કેન્દ્રીય બજેટમાં મહત્વની જાહેરાતો
કોરોના મહામારી બાદ નાણામંત્રી નિર્મલા સિતારમને સંતુલીત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. કરવેરા, ઉદ્યોગજગત, સામાન્ય લોકો સહિતના તમામ આર્થિક પાસાઓને ધ્યાને રાખવામાં આવ્યા છે. નવા કરવેરાના સ્થાને અન્ય અલગ અલગ સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારતની સાથો સાથ આર્થિક તંદુરસ્તી માટે બજેટ વેકસીન સમાન સાબીત થશે. બજેટમાં રોજગારીની તકો, ઉદ્યોગ સાહસિકતા સહિતના મુદ્દે પણ મહત્વની જાહેરાતો થઈ છે. ઉપરાંત એફએમસીજી, ઓટો મોબાઈલ, મેન્યુ ફેકચરીંગ, નિકાસ સહિતના ક્ષેત્રો માટે પણ આત્મનિર્ભરતા તરફની જોગવાઈ થઈ છે.
આજે મોદી સરકારનું નવમું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટથી મહામારીમાં પીડીત સામાન્ય જનતાને ઘણા અંશે રાહત મળી હતી. સાથો સાથ સ્વાસ્થ્ય સેવા, માળખાકીય સુવિધા અને રક્ષા-સંરક્ષણ ઉપર વધુ ખર્ચના માધ્યમથી આર્થિક સુધારાને આગળ વધારવા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. બજેટમાં આમ આદમીની અનેક અપેક્ષાઓ પૂરી કરવા માટે મોદી સરકારે પ્રયાસો કર્યા છે. આજરોજ નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી. ગત મહિને નાણામંત્રી નિર્મલા સીતારમને છેલ્લા ૧૦૦ વર્ષમાં ન આવ્યું હોય તેવું કેન્દ્રીય બજેટ રહેશે તેવું નિવેદન આપ્યું હતું. જેનાથી આ બજેટ પ્રત્યે તમામ લોકોની આશાઓ વધી ગઈ છે.
કોરોના મહામારી બાદ અર્થતંત્રને પુરપાટ દોડાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે કેન્દ્રીય બજેટના કારણે દેશના અર્થતંત્રને તંદુરસ્તી આપવા માટે વેક્સિન સમાન બજેટને રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે આફતને અવસરમાં બદલવા માટે સરકારે અનેક પ્રયાસો કર્યા છે. જેના અનુસંધાને બજેટમાં નોકરીયાત, પેન્શનર માટે ખાસ જોગવાઈ થઈ હતી. આ ઉપરાંત દેશને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓને સક્ષમ બનાવવા માટે જાહેરાત થઈ હતી. નવી યોજનાઓ થકી ઘર આંગણે જ ઉત્પાદન વધે અને નિકાસ થાય તે હેતુથી ઉપરાંત વૈશ્ર્વિક કંપનીઓ માટે ભારત ઉત્પાદનનું હબ બને તે માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિવિધ યોજનાઓની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી.
દેશમાં કોરોના મહામારીના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત ગણાતા સેકટર પૈકીના બેન્કિંગ સેકટરને ઉગારવા માટે મોદી સરકારે ખાસ ધ્યાન આપ્યું છે. ચાલુ વર્ષે બેન્કિંગ સેકટરમાં અનેક પડકાર ઉભા થયા છે. આર્થિક ગતિવિધિઓ બંધ હોવાના કારણે એનપીએનો પ્રશ્ર્ન પણ ઉભો થયો છે. માટે એનપીએને લઈ સરકારની જાહેરાતના પગલે બેન્કિંગ સેકટરની સ્થિતિ સુધરશે તેવી આશા છે. ચાલુ બજેટમાં ગ્રામ્ય અર્થતંત્ર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યો છે. વધુમાં વધુ રોકાણ, માળખાગત સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારમાં થાય તે માટે આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. લોકો માટે સૌથી મહત્વનો પ્રશ્ર્ન આવકવેરાનો છે. ચાલુ વર્ષે સરકારની તિજોરીમાં પુરતા પ્રમાણમાં આવક ઠલવાઈ નથી. સામાપક્ષે જાવકનું પ્રમાણ વધ્યું છે. જીડીપીનો વૃદ્ધિદર, માંગ, મુડીરોકાણ અને ક્રેડીટ જેવા મુદ્દા માટે સરકારે બજેટમાં ખાસ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સૌપ્રથમ વખત આવક-જાવક નહીં પરંતુ વિકાસ કેન્દ્રીત બાબતો ઉપર બજેટ આધારિત રહ્યું છે. બહિખાતાથી આગળ વધીને ૨૦૨૦-૨૧માં બજેટ ને વિકાસ ધ્યાનમાં રખાશે. ખાસ કરીને આર્થિક ગતિવિધિઓ ઝડપથી થાય અને કોરોના મહામારીમાં નીચે પટકાયેલું અર્થતંત્ર સડસડાટ સંતુલીત થઈ જાય તે માટે બજેટમાં ખાસ કવાયત કરવામાં આવી છે. તમામ લોકો માટે વર્ષ ૨૦૨૧-૨૨નું કેન્દ્રીય બજેટ ભરોસાનું બજેટ બની રહેશે તેવી અપેક્ષા છે. ચાલુ વર્ષે એવા ખર્ચ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જે લાંબાગાળે રોકાણમાં ઉપયોગી થાય જેનાથી ઉત્પાદન અને ઉત્પાદકતા પણ વધારશે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે વીમાનું ચલણ વધ્યું હતું. બજેટમાં પણ વીમાને અનિવાર્ય કરી દેવામાં આવે તેવી વાત પણ ચર્ચામાં હતી.
બજેટમાં થયેલી જાહેરાતોના પગલે આત્મનિર્ભર ભારત તરફ વધુ વેગ મળશે. વડાપ્રધાન મોદી દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર ઉપર આગળ વધીને કામ થઈ રહ્યાં છે. આ બજેટ પણ ભરોસાનું બજેટ રહ્યું છે. ડિજીટલ ઈકોનોમીક ઉપર બજેટમાં ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતની પોતાની ડિજીટલ કરન્સી માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસીકોને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રીય બજેટમાં જોગવાઈ થઈ છે.
જીએસટીથી સરકારની આવકને બુસ્ટ મળશે માર્ચ ૨૦૨૨ સુધીમાં જીએસટી કલેકશન રૂા.૧૫ લાખ કરોડને પાર થવાની શકયતા
૨૦૨૦માં સરકાર માટે આવક કરતા જાવકનો આંકડો મોટો હતો. આવકવેરા અને જીએસટી સહિતના કરવેરાની આવક તળીયે પહોંચી હતી. જો કે, ફરીથી જીએસટીએ જમાવટ કરી છે. છેલ્લા ચાર મહિનામાં સરેરાશ ૧.૧ લાખ કરોડની આવક જીએસટીથી થઈ છે. ચાલુ મહિને તો રેકોર્ડબ્રેક ૧.૨ લાખ કરોડની આવક જીએસટીથી થઈ હતી. આગામી માર્ચ ૨૦૨૨ સુધીમાં જીએસટી કલેકશન રૂા.૧૫ લાખ કરોડને પાર થઈ જશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જીએસટીના કલેકશનમાં સૌથી મોટો હિસ્સો એફએમસીજી સેકટરનો છે. છેલ્લા વર્ષમાં એફએમસીજી સેકટર ૨ ગણો વિકાસદર હાંસલ કરીને ૪.૨ ટકા સુધી પહોંચીગઈ છે. જીએસટી માટેની સમય મર્યાદા ૩૧ ડિસેમ્બર કર્યા બાદ કલેકશન ઘણું વધ્યું છે. આંકડા મુજબ નિકાસ ૧૬ ટકા જેટલી વધી છે. આ ઉપરાંત ઘરેલુ સ્તરે ટ્રાન્જેકશન વધ્યા છે. ઈમ્પોર્ટ પણ ૬ ટકા વધી છે. કોરોના મહામારીની તિવ્રતા ઓછી થયા બાદ ધીમીગતિએ તમામ સેકટરો ખુલ્યા હતા. ઉત્પાદન સેકટર ધમધમવા લાગ્યું હતું. પ્રવાસન પણ ધીમીગતિએ શરૂ થયું છે. આવી સ્થિતિમાં આર્થિક ગતિવિધિના કારણે જીએસટીની આવકમાં વધારો થયો છે.
ધોળા હાથી સમાન કેટલાંક જાહેર સાહસોમાંથી તબક્કાવાર હિસ્સો ઘટાડાશે
બેન્કિંગ, ઓઈલ અને ખનન સહિતના ક્ષેત્રે અનેક જાહેર એકમો કાર્યરત છે. જેમાંથી મોટાભાગના એકમોમાં નુકશાન સરકાર સહન કરે છે. આવી સ્થિતિમાં અબજો રૂપિયાનું રોકાણને તબક્કાવાર ઘટાડવા માટે બજેટમાં ખાસ જાહેરાતો થઈ છે. ધોળા હાથી સમાન અનેક જાહેર ક્ષેત્રની કંપનીનું સંચાલન ખાનગી એકમો પાસે રહે તે માટે તખ્તો ગોઠવાઈ ગયો છે. ગત બજેટમાં એલઆઈસીના ખાનગીકરણની જાહેરાત થઈ હતી. રેલવેનું પણ તબક્કાવાર ખાનગીકરણ કરવામાં આવ્યું છે. આવી જ રીતે અન્ય એકમોમાંથી તબક્કાવાર હિસ્સો ઘટાડવામાં આવશે.
લાંબાગાળા રોકાણમાં રૂપાંતરીત થાય તેવા ખર્ચ માટે જોગવાઈ
ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કેન્દ્રીત ખર્ચ ઉપર બજેટમાં ખાસ જોગવાઈ કરાઈ છે. એવો ખર્ચ જે લાંબાગાળે રોકાણમાં રૂપાંતરીત થઈને સક્ષમ બનાવી શકે તેવા ખર્ચને બજેટમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકો ઉભી થાય, કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધે તે સહિતના મુદ્દાને પણ ધ્યાને રાખવામાં આવ્યા છે. ઈન્ફાસ્ટ્રકચર બોન્ડ ઈન્ફાસ્ટ્રકચર પાછળ વધુને વધુ ખર્ચ સહિતની જોગવાઈના કારણે ગ્રામ્ય વિસ્તારમાં થનારૂ રોકાણ મહત્વનું બની જશે.
ખેડૂતોની આવક બે ગણી કરવા ધ્યાન કેન્દ્રીત, રોજગારીની તકો ઉભી કરવા તથા ઉદ્યોગ સાહસીકોને રાહતો આપવા કવાયત
રાજકોષીય ખાદ્યની સાથે વિકાસ કેન્દ્રીત ખર્ચને મધ્ય સ્થાને, ઉત્પાદકતા ઉપર ફોકસ
રાજકોષીય ખાદ્ય અર્થતંત્રનો એક અતુટ ભાગ છે. અમુક કિસ્સામાં રાજકોષીય ખાદ્યને સંતુલીત રાખવી જરૂરી હોય છે. જો કે નાણાકીય વર્ષ ૨૦૨૦માં ૪.૬ ટકા સુધી રાજકોષીય ખાદ્ય પહોંચી ગઈ હતી. મોદી સરકારે ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોષીય ખાદ્ય આધારિત બજેટની રચના કરી હતી. રાજકોષીય ખાદ્યને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી હતી. હવે નાણાકીય વર્ષ ૨૦૨૧માં રાજકોષીય ખાદ્ય સંતુલીત રહી ૩.૫થી ૭.૫ વચ્ચે રહે તેવી ધારણા છે.
એફએમસીજી, ઓટો મોબાઈલ અને ઉત્પાદન ક્ષેત્ર પણ કેન્દ્ર સ્થાને
કસ્ટમ આધારીત વેરહાઉસ આયાત-નિકાસને નવી દિશા આપશે
સરકારે ઉત્પાદન માટે વર્ષો પહેલા સ્પેશિયલ ઈકોનોમીક ઝોન, એકસ્પોર્ટ, ઓરીએન્ટેડ યુનિટ અને એકસ્પોર્ટ પ્રમોશન કેપીટલ ગુડ્સ સહિતના આયોજનો ઘડી કાઢ્યા હતા. અલબત હવે બજેટમાં કસ્ટમ આધારીત વેરહાઉસના ઉપયોગ માટે માર્ગ મોકળો કરવામાં આવ્યો છે. જેનાથી આયાત-નિકાસમાં નવી દિશા મળશે. આ યોજના અંતર્ગત જે એકમો કસ્ટમ બોન્ડેડ વેરહાઉસમાં ઉત્પાદન કરતા હશે તેમને ડ્યૂટી ફ્રી ઈન્પુટ, કેપીટલ ગુડ્સની પરવાનગી આપવામાં આવશે. પરિણામે નિકાસમાં પ્રોત્સાહન પણ મળશે. એકંદરે કસ્ટમ આધારીત વેરહાઉસ પધ્ધતિ આયાત-નિકાસમાં મહત્વનો ભાગ ભજવશે.
નોકરીયાત અને પેન્શનરો ઉપર નાણામંત્રી વરસ્યા
કોરોના મહામારીમાં ગરીબ, મધ્યમ વર્ગને વધુ અસર થઈ છે. જેમાં રાહત આપવા માટે કેટલીક જાહેરાતો કેન્દ્ર સરકારે કરી હતી. હવે નોકરીયાત અને પેન્શનર માટે ડિડંકશન સહિતની મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. નેશનલ પેન્શન સીસ્ટમ જેવી અન્ય કોઈ સંસ્થા રચી કાઢવામાં આવી છે. પીએફ, એલટીસી અને ડોનેશન પર ટેકસની છુટછાટ આપવામાં આવે તેવી લાંબા સમયની માંગ હતી. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમ સાથે જોડાયેલા ખર્ચાના કારણે નોકરીયાત લોકો માટે સ્ટાન્ડર્ડની મર્યાદા વધારવામાં આવે તેવો તખ્તો પણ તૈયાર કરવામાં આવ્યો હતો. કલમ ૮૦-ડી હેઠળ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પર મળતા ટેકસ બેનીફીટ પણ વધારવામાં આવ્યા છે.
આત્મનિર્ભર ભારતને લક્ષ્યમાં રાખી નાણાપ્રધાન સિતારમન દ્વારા વિવિધ જોગવાઈ
આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરવામાં આવ્યા બાદ ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના સહિતની યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી. ભારત ઉત્પાદનામાં વૈશ્ર્વિક હબ બની રહે તે માટે ટોચના રોકાણકારો, ઉદ્યોગપતિઓને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે સ્થળે ઉદ્યોગોનો વિકાસ થયો હોય ત્યાં આંતર માળખાકીય સુવિધા વિકસે તે માટે જોગવાઈ થઈ હતી. હવે આ વર્ષે આત્મનિર્ભર ભારતના લક્ષ્યમાં રાખીને બજેટમાં અનેક જાહેરાતો કરવામાં આવી છે. જેમાં પ્રોત્સાહનો માટેની યોજનાઓ ખુબ અગત્યનો ભાગ ભજવશે. ચીન સહિતના હરિફ દેશોને ઉત્પાદન ક્ષેત્રે હંફાવા માટે આ યોજના મહત્વની બની રહેશે
સ્ટાર્ટઅપ-ઉદ્યોગ સાહસિકતા માટે કેન્દ્રની વિશિષ્ટ જાહેરાતો
ઈનોવેશન સ્ટાર્ટઅપ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનેક પ્રોત્સાહનો આપવામાં આવે છે. ઘણા એવા સ્ટાર્ટઅપ છે જે હવે કમાઉ દીકરો બની ગયા છે. આવી સ્થિતિમાં કોરોનાકાળ બાદ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસીકતા માટે કેન્દ્ર સરકારે વિશિષ્ટ જાહેરાતો કરી હતી. સ્ટાર્ટઅપમાં અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મુડી રોકાણકારોને રસ હોય છે. આ ઉપરાંત યુવાનો સ્ટાર્ટઅપ સાથે ઉદ્યોગસાહસીકતા તરફ વધુ આકર્ષાય છે. સરકાર અનેક પ્રોત્સાહનો સ્ટાર્ટઅપને આપે છે. વર્ષે-દહાડે સારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે. આવી રીતે ચાલુ કેન્દ્રીય બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી હતી.
બજેટની અસરથી સેન્સેકસ ૫૦૦ પોઈન્ટ ઉંચકાયો
૨૦૨૧-૨૨માં શેરબજાર નવી ઉંચાઈને આંબશે
આખુ અઠવાડિયુ શેરબજાર વોલેટાઈલ રહે તેવી શકયતા: ૫૦,૦૦૦ને આંબયા બાદ વધુ ઉતાર-ચઢાવ
સેન્સેકસ ૫૦,૦૦૦ના વિક્રમી આંકને અડકી જશે તેવી અપેક્ષા તો ગત વર્ષે જ બંધાઈ ગઈ હતી. અલબત કોરોના મહામારીના કારણે સેન્સેકસમાં ઐતિહાસિક ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. આ બાદ રાહત પેકેજના કારણે પણ સેન્સેકસ વોલેટાઈલ રહ્યું હતું. દરમિયાન કેન્દ્રીય બજેટના થોડા દિવસો પહેલા જ સેન્સેકસમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.
ભારતીય શેરબજારોમાં બજેટ પૂર્વે હાલ તેજી જોવા મળી રહી રહી છે. સવારે સેન્સેક્સ ૪૩૮ અંક વધી ૪૬૭૧૯ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી ૧૧૮ અંક વધી ૧૩૭૫૦ પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ICICI બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, DLF, IOC, ટાટા મોટર્સ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ICICI બેન્ક ૩.૩૭ ટકા વધી ૫૫૫.૧૦ પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૯૬ ટકા વધી ૮૭૧.૧૫ પર કારોબાર કરી રહ્યો છે. જોકે સિપ્લા, UPL, IDFC ફર્સ્ટ બેન્ક, ડો.રેડડી લેબ્સ, વોડાફોન આઈડિયા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સિપ્લા ૪.૧૩ ટકા ઘટી ૭૯૪.૮૦ પર કારોબાર કરી રહ્યો છે. UPL ૩.૨ ટકા ઘટી ૫૪૨.૭૦ પર કારોબાર કરી રહ્યો છે.
શેરબજાર માટે આગામી સપ્તાહ ભારે ઉતાર-ચઢાવ વાળું રહે તેવી શકયતા છે. બજારની ચાલ બજેટના અગ્રણી સેકટરો સાથે જોડાયેલી જાહેરાતો પર નિર્ભર રહેશે. સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧૯૪૯૯ કરોડ રૂપિયા એકત્રિત કરી શકી છે. જ્યાકે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૨.૧૦ લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના હતી. એવામાં આજે સરકારી કંપનીઓના શેર ફોકસમાં રહ્યા હતા. કારણ કે સરકાર પ્રાઈવેટાઈઝેશનની રકમ એકત્રિત કરવા સંબધિત જાહેરાતો કરી છે.