સર્વાંગી ઉન્નતિ માટેનું બજેટ આપવા બદલ મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી
ગઈકાલ તા. ૨૬ ફેબ્રુઆરીએ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિધાનસભામાં રજુ કરાયેલ ગુજરાત સરકારના અંદાજપત્રને આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતા સાથેનું વિકાસલક્ષી તથા સંવેદનાસભર, સર્વાંગી ઉન્નતિ માટેનું બજેટ આપવા બદલ હું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો આભાર વ્યક્ત કરું છું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ગુજરાત અતિ મહત્વનો ભાગ ભજવશે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ વિકાસ, યુવા રોજગાર અને જનસુખાકારીને પ્રાધાન્ય આપતું આ બજેટ ગુજરાતના કરોડો નાગરિકોની સમૃદ્ધિમાં વધારો કરશે તેવો મને સંપૂર્ણ ભરોસો છે. સૌનો સાથ-સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્ર સાથે તૈયાર કરાયેલા બજેટથી ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, પશુપાલકો, ઉદ્યમીઓને આગામી સમયમાં અનેક ફાયદાઓ થવા જઈ રહ્યા છે.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૭,૪૨૩ કરોડની જોગવાઈ કરવાંમાં આવી છે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાતની ભાજપા સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારે સિંચાઈ માટેની સુવિધાઓ, વિના વ્યાજે પાક ધિરાણ, પાક વીમો, બિયારણ, ખેત ઓજારો અને ખાતરની ખરીદીમાં સહાય, પાક-ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી જેવી અનેક ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકી છે.
રાજ્યના વિદ્યાર્થીઓ અને યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અદ્યતન સુવિધાઓ સાથે ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ આપવા માટેની ગુજરાતની ભાજપ સરકારની કટિબદ્ધતા આજના આ બજેટમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, આજના આ સર્વસમાવેશક બજેટમાં ફળફળાદી-શાકભાજી વેચતા ફેરીયાઓ, બાંધકામ મજૂરો, સ્વચ્છતા અભિયાનમાં અતિ મહત્વપૂર્ણ ભાગ ભજવતા કચરો વિણતા શ્રમજીવીઓ માટે પણ યોજનાઓ છે. જે સરકારની સામાન્ય નાગરિક પ્રત્યેની સંવેદનાના દર્શન કરાવે છે. પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ આજે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮,૭૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સુપેરે આગળ વધારી રહ્યા છે. વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપા સરકારનું આ બજેટ વિકાસના નવા આયામો સર કરવા માટેનો રોડમેપ બની રહેશે.