બજેટ સત્રમાં વિરોધ પક્ષને સહકાર આપવા વડાપ્રધાનની અપીલ

રાષ્ટ્રપતિ કોવિંદનું બન્ને ગૃહોમાં સંયુકત સંબોધન, આર્થિક સર્વે રજૂ કર્યો

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. નાણામંત્રી અરૂણ જેટલી ૧લી ફેબ્રુઆરીના રોજ છેલ્લુ સંપૂર્ણ સામાન્ય બજેટ રજૂ કરનાર છે. માટે આ બજેટ ફુલપ્રુફ રહેશે કે કેમ તે અંગે ચર્ચાએ જોર પકડયું છે. બજેટની સાથે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવશે. તાજેતરમાં મળેલી પ્રથમ સર્વપક્ષીય બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દે સર્વાનુમતિ સાધવા વિપક્ષો સાથે સરકારે વાટાઘાટો કરવાની તૈયારી કરી હતી. ત્યારબાદની બેઠકમાં જીએસટી અંગે ચર્ચા થઈ હતી.

સંસદીય કાર્ય મંત્રી અનંતકુમાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, અરૂણ જેટલી અને વિપક્ષી નેતાઓ હાજર રહ્યાં હતા. બજેટ સનિ સફળ બનાવવા વડાપ્રધાન મોદીએ વિરોધ પક્ષોને અનુરોધ કર્યો હતો. બજેટ સત્રમાં ત્રિપલ તલાક ખરડો પસાર કરવાના પ્રયત્નો થશે તેવું જણાવાયું હતું. ત્રિપલ તલાક ઉપરાંત રાજયસભામાં લંબીત ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપતા ખરડાને પસાર કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે. સામાપક્ષે વિપક્ષો બળાત્કાર અને બંધારણીય સંસ્થાઓ ઉપરના આક્રમણ મુદ્દે સંસદ ગજવે તેવી ધારણા છે.

આજથી શરૂ થયેલા બજેટ સત્રના આરંભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બન્ને ગૃહોને સંયુકત સંબોધન કર્યું હતું. ત્યારબાદ બન્ને ગૃહોમાં આર્થિક સર્વે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. તા.૧લી ફેબ્રુઆરીએ નાણામંત્રી અરૂણ જેટલી વર્તમાન સરકારના કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરવાના છે. બે તબકકામાં યોજાનારા બજેટ સત્રમાં પ્રથમ ચરણ ૯ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. ત્યારબાદ ૫ માર્ચથી ૬ એપ્રિલ વચ્ચે ફરીથી સંસદનું સત્ર મળશે.

સંસદની કામગીરી સારી રીતે ચાલે તે માટે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ઘણા સુચનો થયા હતા. જો કે, વિપક્ષો સત્ર દરમિયાન સરકારને ભીડવવાના મુડમાં છે. વિપક્ષ સરકારને બેરોજગારી, ખેડૂતોની સ્થિતિ અને કોમી રમખાણો જેવા મુદ્દે ખેરવાનો પ્રયાસ કરશે. કેટલાક મહત્વના આર્થિક સુધારા મામલે પણ વિપક્ષો સરકાર ઉપર પ્રહારો કરશે. ત્રિપલ તલાક બીલ, ઓબીસી પંચ બીલ જેવા મુદ્દે પણ વિપક્ષો સંસદમાં સરકાર સાથે ઘર્ષણ પણ ઉતરશે.

ગ્રામ્ય અને ખેતીને કેટલું પ્રાધાન્ય?

કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ખેડૂતો તથા મધ્યમ વર્ગ પર વધારે ફોકસ કરવામાં આવશે તેવું માનવામાં આવે છે. ૨૦૧૯માં લોકસભા ચૂંટણી યોજાવાની હોવાથી સરકાર ગ્રામીણ ક્ષેત્રમાં જનાધાર મજબૂત કરવા આ બજેટનો ઉપયોગ કરશે. મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો જે નિર્ધાર કર્યો છે તેની અસરો પણ બજેટમાં જોવા મળે તેવી શકયતા છે. ગ્રામ્ય વિસ્તારો અને ખેતીને અત્યારે તો વધુ પ્રાધાન્ય અપાય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.