ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈ મોટા સમાચાર આવ્યા છે. લોકસભા ચૂંટણીના કારણે બજેટ સત્ર વહેલા શરૂ કરાશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી શરુ થશે અને સાત માર્ચ સુધી ચાલશે. લોકસભા ચૂંટણીના કારણે બજેટ સત્ર વહેલું શરુ થશે. વોટ ઓન એકાઉન્ટના બદલે પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરાશે. આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં 20 થી 25 ટકા વધારાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 2023-24માં ગુજરાતનું અંદાજપત્ર 3 લાખ કરોડ હતું. સરકારના નિર્ણય પ્રમાણે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરી માસની 1લીના ગુરુવારે બપોરના 12ના ટકોરે શરૂ થશે.
વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીની 1લી તારીખે બોલાવીને 7મી માર્ચ સુધીમાં પૂરું કરી દેવાનું અને સંપૂર્ણ બજેટ પસાર કરાવી દેવાનું નક્કી કરાયું
જેમાં સૌ પ્રથમ રાજ્યપાલ દ્વારા વિધાનસભા ગૃહની બેઠકને સંબોધિત કરાશે ત્યારબાદ રાજ્ય વિધાનસભાના સ્વર્ગસ્થ ધારાસભ્યો-મંત્રીઓને શોકાંજલિ અર્પતા પ્રસ્તાવો રજૂ કરાશે. સત્રના બીજા દિવસે એટલે કે, 2જી, ફેબ્રુઆરીના શુક્રવારે સવારે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત સરકારનું વર્ષ 2024-25 માટેનું આશરે રૂ. 3.60 લાખ કરોડની આસપાસનું કુલ કદ ધરાવતું વાર્ષિક બજેટ રજૂ કરાશે. આ વખતે એપ્રિલ-મે માસ દરમિયાન ગમે ત્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી સરકાર દ્વારા લોકહિતની નવી-નવી યોજનાઓની જાહેરાતની સાથોસાથ મહિલાઓ, યુવાનો, ખેડૂતો, અનુસૂચિત જાતિ-જનજાતિ, ઓબીસીને આકર્ષતી નવી જાહેરાત પણ કરાય તેવી સંભાવનાઓ પણ નકારી શકાતી નથી.
સામાન્ય સંજોગોમાં લોકસભાની ચૂંટણી દરમિયાન રાજ્યમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ જાય એટલે રાજ્ય સરકાર કોઈપણ નવી જાહેરાતો કરી શકતી નથી. પરિણામ સ્વરુપ રાજ્ય સરકારને સંપૂર્ણ બજેટને બદલે લેખાનુદાન (વોટ ઓન એકાઉન્ટ) અર્થાત એપ્રિલ, મે, જૂન અને જુલાઈના ચાર માસ સુધીના રાજ્ય સરકારના વહીવટી ખર્ચને પહોંચી વળવા માટેની રકમ મંજૂર કરાવવી પડે છે. આ વખતે લગભગ પ્રથમ વખત સરકારે આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીની 1લી તારીખે બોલાવીને 7મી માર્ચ સુધીમાં પૂરું કરી દેવાનું અને સંપૂર્ણ બજેટ પસાર કરાવી દેવાનું સરકારે નક્કી કર્યું છે.