સામાન્ય બજેટના બે મહિના પછી પહેલી એપ્રિલ- રવિવારથી ટેક્સના નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. વિશેષ કરીને, શેરબજારમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (એલટીસીજી)ફરી લાગુ કરવા સહિતની બજેટની દરખાસ્તો રવિવારથી અમલી બની જશે. તમામ ટેક્સેબલ ઈન્કમ(કરપાત્ર આવક) પર સેસ ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરી દેવાયો છે, જેને કારણે મધ્યમ વર્ગ પર આર્થિક ભારણ વધી જશે. સરકારે બજેટમાં કોર્પોરેટ જગતને રાહત આપવા માટે ૨૫૦ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરી દીધો છે, જેનો પણ પહેલી એપ્રિલથી અમલ થશે.
આથી આવી કંપનીઓને રાહત થશે. મધ્યમ વર્ગને સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ વધારીને ૪૦,૦૦૦ રૂપિયા કરાયો છે તો બીજી તરફ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને મેડિકલ રિઈમ્બર્સમેન્ટ પાછા ખેંચી લેવાયા છે જે પણ રવિવારથી અમલી બની જશે. આવકવેરા મુક્તિની મર્યાદામાં કોઈ ફેરફાર કરાયો નથી. માત્ર સિનિયર સિટિઝન માટે વ્યાજની આવક વાર્ષિક ૫૦,૦૦૦ રૂપિયા સુધી આવકવેરા મુક્તિનો લાભ મળશે. એ જ રીતે હેલ્થ ઈન્સ્યોરન્સ અને મેડિકલ ખર્ચમાં ડિડક્શન ૮૦-ડી હેઠળ ૩૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૫૦,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે.
નાણામંત્રી અરુણ જેટલીએ ગત પહેલી ફેબ્રુઆરીએ એનડીએ સરકારનું વર્તમાન ટર્મનું છેલ્લું બજેટ રજૂ કર્યું તેમાં ધનવાનો પર ૧૦-૧૫ ટકાનો સરચાર્જ યથાવત્ રાખ્યો છે અને બીજી તરફ તમામ ટેક્સેબલ ઈન્કમ (કરપાત્ર આવક) પર સેસ ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરી દીધો છે. આ તમામ દરખાસ્તોનો અમલ પણ રવિવારથી થઈ જશે. વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટની મહત્ત્વની બાબત એ હતી કે ૧૪ વર્ષના લાંબા ગાળા પછી લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ફરી લાગુ કરાયો છે. એક વર્ષ પછી જે શેર વેચો તેના પર એક લાખ રૂપિયાથી વધુનો જે નફો થાય તેના પર ૧૦ ટકા એલટીસીજીલાગુ થશે. મતલબ કે એક લાખ રૂપિયા સુધીનો નફો ઘરભેગો કરી શકાશે. હાલમાં એક વર્ષમાં જ શેર વેચવામાં આવે તો તેના નફા પર ૧૫ ટકા ટેક્સ લાગુ થાય છે અને એક વર્ષ પછી વેચાય તો કોઈ ટેક્સ લાગતો ન હતો. હવે તેમાં ૧૦ ટકા ટેક્સ (વત્તા ચાર ટકા સેસ) લાગુ પડશે. સિનિયર સિટિઝન માટે ગંભીર બીમારીના કિસ્સામાં ટેક્સ ડિડક્શન વધારીને એક લાખ રૂપિયા કરાયું છે. અત્યાર સુધી આ મર્યાદા સીનિયર સિટિઝન માટે ૬૦,૦૦૦ રૂપિયા હતી અને ૮૦ વર્ષથી વધુ વયના સીનિયર સિટિઝન માટે ૮૦,૦૦૦ રૂપિયા હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,