વસ્તીની ગણતરીએ માથાદીઠ રોજ માત્ર ૨૧ પૈસાની ફાળવણી
રાજ્યની ભાજપ સરકારે જૈનોને લઘુમતીનો દરજ્જો આપ્યો તો બીજીતરફ રાજ્યમાં ૧૦ ટકા વસતી ધરાવતા સમાજના ઉત્થાન માટે બજેટમાં માત્ર રૂ. ૪૮ કરોડની ફાળવણી કરીને લઘુમતી વિરોધી માનસિકતા છતી કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો છે. ભાજપ સરકાર સહુનો સાથ અને સહુનો વિકાસની વાતો કરે છે પરંતુ લઘુમતી કલ્યાણ માટે પૂરતું બજેટ ફાળવણી કરતી નથી.
વિધાનસભામાં બજેટની ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્યએ જણાવ્યું કે, સરકાર લઘુમતીના ઉત્થાન-કલ્યાણ માટે બજેટરી જોગવાઈમાં ઉત્તરોત્તર ઘટાડો કરી રહી છે. રાજ્ય સરકારે ૨૦૧૫-૧૬માં રૂ. ૧૧૯ કરોડની ફાળવણી કરી હતી પરંતુ માત્ર રૂ. ૮૫.૪૬ કરોડ જ ખર્ચ કર્યો હતો જ્યારે આ વર્ષે માત્ર રૂ. ૪૮.૬૭ કરોડની ફાળવણી કરી છે. વસતીની રીતે ગણતરી કરીએ તો રોજનો માથાદીઠ ખર્ચ માત્ર ૨૧ પૈસા થવા જાય છે. ભાજપ સરકાર જાહેરાતો મોટી મોટી કરે છે, વિકાસના નામે દર વર્ષે રૂ. ૨૫ હજારથી રૂ. ૩૦ હજાર કરોડનું દેવું કરે છે પરંતુ જે રીતે બજેટમાં ફાળવણી કરી છે તે જોતાં આ દેવું માત્ર પાંચ ઉદ્યોગપતિઓ માટે કરવામાં આવે છે, ગરીબો માટે નહીં તેવું લાગે છે.
તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકારની આ નીતિને કારણે આજે લઘુમતી સમાજ વિકાસ અને કલ્યાણ માટેની ઝંખી રહ્યો છે પરંતુ સરકારના પેટનું પાણી હલતું નથી. કોંગી સભ્યએ આક્ષેપ કર્યો હતો કે, બજેટમાં ૧ ટકાથી પણ ઓછી ફાળવાયેલી રકમમાંથી પણ સરકાર દર વર્ષે રૂ. ૫૦થી રૂ. ૧૦૦ કરોડનો ખર્ચ, એટલે કે ૬૦થી ૭૦ ટકા રકમ ખર્ચતી નથી.૨૦૧૬-૧૭માં રૂ. ૬૦ કરોડની રકમ વણવપરાયેલી પડી રહી હતી.