વાઘાણીએ બજેટને આવકારતાં જણાવ્યું હતું કે, આ બજેટ સર્વસ્પર્શી, સર્વવ્યાપી અને વિકાસને વેગ આપનારું બજેટ છે. ખેડુત, ગરીબ, શ્રમિક, મધ્યમ વર્ગ, મહિલા તેમજ યુવાનો સહિત સમાજના તમામ વર્ગોની આકાંક્ષાઓની પૂર્તિ સાથે દેશને વિકાસની દિશામાં આગળ લઈ જનારું વિકાસલક્ષી બજેટ છે. વડાપ્રધાને અગાઉ જાહેર કરેલ પ્રધાનમંત્રી પાક વિમા યોજના, એમએસપી તથા ખેડુતની આવક બમણી કરવાના વિવિધ પગલાઓમાં આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની ઐતિહાસિક યોજનાનો ઉમેરો થયો છે.
બજેટમાં નાણામંત્રી દ્વારા મધ્યમ વર્ગ અને નોકરીયાતો તેમજ નાના વ્યવસાયકારો માટે આવકવેરામાં કરવામાં આવેલી જોગવાઈને ઈમાનદાર કરદાતાનું સન્માન ગણાવ્યું હતું. દેશના સંશોધનો પર પ્રથમ અધિકાર ગરીબોનો છે તેવા મંત્ર સાથે સ્વાસ્થ્ય વીમા, ગરીબોને આવાસ અને પેન્શનની સુવિધા કરી છે. સાથે સાથે ગ્રામીણ ક્ષેત્રમાં આધુનિક સુવિધાઓ સાથે એક લાખ ડિજિટલ વિલેજ બનાવવાની પણ જાહેરાત કરી છે.