ઉઘડતી બજારે જોવા મળેલી તેજીનું બજેટ જાહેર થયા બાદ ધોવાણ: સેન્સેકસ ફરી ૪૦,૦૦૦ની અંદર: નિફટીમાં પણ ૯૨ પોઈન્ટનું ગાબડું: ડોલર સામે રૂપિયો ૪ પૈસા મજબુત
મોદી સરકારની બીજી ટર્મનું પૂર્ણ કદનું બજેટ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજુ કરવામાં આવ્યું હતું જેમાં કોઈ ખાસ જાહેરાત કરવામાં ન આવતા શેરબજારમાં ફરી મંદીનું મોજુ જોવા મળી રહ્યું છે. આજે સપ્તાહનાં અંતિમ ટ્રેનીંગ સેશનમાં બજેટમાં સારી અપેક્ષા સાથે મુંબઈ શેરબજારનાં બંને આગેવાનો ઈન્ડેક્ષો ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. સેન્સેકસે ૪૦ હજારની સપાટી કુદાવી હતી જોકે બજેટમાં કોઈ ખાસ જોગવાઈ કરવામાં ન આવતા સવારની તેજી બપોરે ધોવાઈ ગઈ હતી. સેન્સેકસમાં બપોરે ૨૭૫ પોઇન્ટ અને નિફટીમાં ૯૨ પોઈન્ડનો તોતીંગ કડાકો બોલી ગયો હતો જોકે અમેરિકી ડોલર સામે સવારનાં સમયે નબળો દેખાતો રૂપિયો બપોરે ૪ પૈસા જેટલો મજબુત બન્યો હતો.
આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ રજુ કરવામાં આવનાર હોય મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષો સવારમાં ઉછાળા સાથે ખુલ્યા હતા જોકે જેવું બજેટ જાહેર થયું કે શેરબજારમાં ઉછાળાનું ધોવાણ થઈ ગયું હતું. રોકાણકારો માટે કોઈ ખાસ જાહેરાત ન કરાતા અને ટેકસ સ્લેબમાં કોઈ મોટો ફેરફાર ન કરાતા સુધારો ધોવાઈ ગયો હતો. આજે સવારે સેન્સેકસે ૪૦ હજાર પોઈન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી ઓળંગી હતી જોકે બજેટ જાહેર થયા બાદ સેન્સેકસ ફરી ૪૦,૦૦૦ની અંદર ઘુસી ગયો હતો. સવારનાં સમયે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં ૧૬ પૈસા જેવી નરમાસ જોવા મળતી હતી. બપોરે રૂપિયો બાઉન્સ બેક થયો હતો અને ૪ પૈસા મજબુત બન્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે ડોલર સામે રૂપિયો ૬૮.૪૬ પર ટ્રેડ કરી રહ્યો છે. બપોરે ૨:૦૦ કલાકે સેન્સેકસ ૨૭૫ પોઈન્ટનાં ઘટાડા સાથે ૩૯,૬૩૨ અને ૯૨ પોઈન્ટનાં ઘટાડા સાથે નિફટી ૧૧,૮૫૫ પોઈન્ટ પર કામકાજ કરી રહી છે. મીડકેપ અને સ્મોલકેપમાં પણ ધોવાણ જોવા મળી રહ્યું છે. હાઉસીંગ અને બેન્કીંગ સેકટરનાં શેરોમાં ભારે કડાકા બોલી ગયા છે.