- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹23,385 કરોડની જોગવાઇ
- કેન્સરના દર્દીઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ સુધી સારવાર લેવા ન આવવું પડે અને નજીકમાં સુવિધા ઉપલબ્ધ બને તે માટે વલસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદર ખાતે સારવાર શરૂ કરવા ₹198 કરોડ ફાળવાયા
રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં 50% ઘટાડાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા કાર્યશીલ છે. જે માટે હું આ વિભાગના ₹20,100 કરોડના બજેટમાં 16.35%નો વધારો કરી ₹23,385 કરોડની જોગવાઇ સૂચવું છું. વર્ષ 2023-24ના નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલમાં ગુજરાતે દેશના તમામ રાજ્યોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો, ગરીબ અને મધ્યમ વર્ગના એમ કુલ મળી અંદાજે 2 કરોડ 67 લાખ લોકોને કેશલેસ સારવાર માટે ₹3676 કરોડની જોગવાઇ. જીએમઈઆરએસ સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹1392 કરોડની જોગવાઇ. આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેન્કના સહકારથી શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹400 કરોડની જોગવાઇ. અમદાવાદની જેમ મેડીસિટી પ્રકારની ઝોનવાઇઝ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના અમારા નિર્ધાર અન્વયે વડોદરા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી તેમજ કાર્ડિયાક માટેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણાધીન છે. તે ઉપરાંત સુરત ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ; રાજકોટ ખાતે કેન્સર અને કાર્ડિયાક સેવાઓ; ગાંધીનગર ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ શરૂ કરવા ₹231 કરોડની જોગવાઇ. કેન્સરના દર્દીઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ સુધી સારવાર લેવા ન આવવું પડે અને નજીકમાં સુવિધા ઉપલબ્ધ બને તે માટે વલસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદર ખાતે સારવાર શરૂ કરવા ₹198 કરોડની જોગવાઇ. બી. જે. મેડીકલ કોલેજ-અમદાવાદ, મેડીકલ કોલેજ-વડોદરા અને એમ. પી. શાહ મેડીકલ કોલેજ-જામનગર ખાતે પી.જી.ના વિધાર્થીઓ માટે હોસ્ટેલનું બાંધકામ કરવા ₹137 કરોડની જોગવાઇ. સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે ₹100 કરોડની જોગવાઇ. સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે તાત્કાલિક સારવારની સેવાઓ સુદ્રઢ કરવા ₹52 કરોડની જોગવાઇ.આદિજાતિ અને સામાન્ય વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સાધન સામગ્રી પૂરી પાડવા માટે ₹52 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મેડિકલમાં મોટી જાહેરાતો
1. એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવા હેઠળ 200 નવી એમ્બ્યુલન્સ માટે ₹48 કરોડની જોગવાઇ.
2. સુરત અને વડોદરા ખાતે ગાયનેક, પિડીયાટ્રીક વિભાગ અને સંલગ્ન નિયોનેટલ આઈ.સી.યુ., ઓબ્સેટ્રેટિક આઈ. સી. યુ., ગાયનેક આઈ. સી. યુ. વગેરેની સેવાઓ તથા પિડીયાટ્રીક સર્જરી વિભાગ શરૂ કરવા માટે ₹44 કરોડની જોગવાઇ.
3. નર્સિંગ કોલેજ, સુરત અને જામનગર ખાતે વિધાર્થીનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ કરવા ₹41 કરોડની જોગવાઇ.
4. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માટે ગાંધીનગર-અમદાવાદ ખાતે ખોરાક અને ઔષધના નમૂના તેમજ જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે ખોરાકના નમૂનાઓની ચકાસણી માટે આધુનિક પ્રયોગશાળા ઊભી કરવા ₹28 કરોડની જોગવાઇ.
5. ગવર્મેન્ટ સ્પાઈન ઈન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે સ્પાઈનલ સર્જરી, ઓક્યુપેશનલ થેરાપી અને પ્રોસ્થેટીક અને ઓર્થોટીક વિભાગોમાં શૈક્ષણિક હેતુ માટે ₹10 કરોડની જોગવાઇ.
6. ઔષધના નમૂનાઓનું ઓન ધ સ્પોટ ટેસ્ટીંગ કરવા માટે ₹10 કરોડની જોગવાઇ.
7. આયુષ સેવાઓ અદ્યતન બનાવવા સરકારી આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજ, હોસ્પિટલો તથા દવાખાનામાં તબીબી ઉપકરણો માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી છે.
મહિલાઓની આત્મનિર્ભરતા માટે સખી સાહસ યોજના અમલી બનાવાશે
- મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા ₹100 કરોડની ફાળવણી કરાઈ
- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવાશે
આધુનિક ગુજરાતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અગત્યની છે. જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો છે. અમારી સરકારે ગત વર્ષે જાહેર કરેલ નમો લક્ષ્મી યોજના થકી 10 લાખ જેટલી વિદ્યાર્થિનીઓ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી અંદાજિત 68 હજાર વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી રહેલ છે.મહિલાઓને પગભર કરવા માટે ‘નમો ડ્રોન દીદી યોજના’ને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવા તથા સ્વ-રોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે.મહિલાઓની આત્મનિર્ભરતા માટે નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરવામાં આવી. જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા ₹100 કરોડની જોગવાઇ કરું છું. આપણી જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે. તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે.પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઇંધણને બદલે એલ.પી.જી.ના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાઇ રહે તે માટે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના તથા રાજ્ય સરકારની પી.એન.જી-એલ.પી.જી. સહાય યોજના અંતર્ગત ₹500 કરોડની જોગવાઇ સૂચવું છું.જનતા જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઇ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ 4 કરોડ 45 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. હાલમાં આ યોજના હેઠળ ₹50 હજારથી ₹2 લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે. જેમાં વધારો કરી આગામી વર્ષે ₹2 લાખથી ₹4 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરું છું.ગરીબોના સર્વાંગી વિકાસ, યુવાઓને શિક્ષણ સાથે કૌશલ્ય વર્ધન, અન્નદાતાને રાજ્યની સમૃદ્ધિમાં અગ્રેસર બનાવવા તેમજ નારીશક્તિના ઉત્કર્ષ સાથે તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.