ચાલુ વર્ષે મૂડી ખર્ચ 7.5 લાખ કરોડ, જેને વધારીને 9 લાખ કરોડ સુધી નક્કી કરાય તેવી શક્યતા, રાજકોષિય ખાધને ઘટાડવા સબસીડીઓ અને અન્ય લાભો ઉપર કાપ મુકાઈ તેવી પણ સંભાવના
નવી દિલ્હી: આગામી બજેટમાં સરકાર મૂડી ખર્ચ વધારવા અને રાજકોષિય ખાધ ઘટાડવા કમર કસશે. ચાલુ વર્ષે મૂડી ખર્ચ 7.5 લાખ કરોડ છે. જેને વધારીને 9 લાખ કરોડ સુધી નક્કી કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે. બીજી તરફ રાજકોષિય ખાધને ઘટાડવા સબસીડીઓ અને અન્ય લાભો ઉપર કાપ મુકાઈ તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. ચૂંટણીના વર્ષ પહેલા, સરકાર આગામી નાણાકીય વર્ષ માટેના છેલ્લા સંપૂર્ણ બજેટમાં મૂડી ખર્ચમાં વધારો કરે તેવી અપેક્ષા છે. જો કે, આર્થિક નિષ્ણાતોએ આગાહી કરી છે કે આમ છતાં સબસિડીમાં ઘટાડો અને બજેટના કદમાં વધારો થવાને કારણે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક ચાલુ નાણાકીય વર્ષ કરતાં ઓછો રાખવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં, સબસિડી આશરે 3.56 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો અને રાજકોષીય ખાધ જીડીપીના 6.4 ટકા રહેવાની ધારણા હતી. કુલ સબસિડીમાં ફૂડ સબસિડીનો હિસ્સો બે લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
મૂડી ખર્ચમાં વધારાની અસર અર્થતંત્ર પર સારી જોવા મળી છે. આ જોતાં આગામી નાણાકીય વર્ષના બજેટમાં પણ 10 ટકાથી વધુનો વધારો થવાની ધારણા છે. ચાલુ નાણાકીય વર્ષમાં મૂડીખર્ચ રૂ. 7,50,246 કરોડનો અંદાજવામાં આવ્યો છે. તે જ સમયે, એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, સરકાર બજેટમાં 8.5 થી 9 લાખ કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ નક્કી કરી શકે છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં 7.5 લાખ કરોડ રૂપિયા છે. તે જ સમયે, ખાદ્ય અને ખાતર સબસિડીમાં ઘટાડો કરીને, રાજકોષીય ખાધનું લક્ષ્ય જીડીપીના 5.8 ટકા પર રાખી શકાય છે.
બજેટમાં ખાદ્યપદાર્થો સહિતની વિવિધ સબસિડીની સ્થિતિનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, પરંતુ ખાદ્ય અને ખાતર સહિતની તમામ સબસિડીને તર્કસંગત બનાવવાની જરૂર છે. જ્યાં સુધી ખાતર સબસિડીનો સવાલ છે તો આ દિશામાં સુધારાની સખત જરૂર છે. માહિતી મુજબ, ફોસ્ફરસ અને પોટાશની સરખામણીમાં નાઈટ્રોજનને ભારે સબસિડી આપવામાં આવે છે, પરિણામે યુરિયાનો વધુ પડતો ઉપયોગ અને ફોસ્ફરસ તથા પોટાશનો ખૂબ ઓછો ઉપયોગ થાય છે.
શુ મહિલાઓને ખાસ આવકવેરા સ્લેબ અને અન્ય લાભો મળશે ?
અર્થતંત્રમાં મહિલાઓનો હિસ્સો વધારવા સરકાર આવકવેરામાં અલગથી લાભ આપી પ્રોત્સાહન આપે તેવી શક્યતા
મહિલાઓ 2023ના બજેટમાં ખાસ આવકવેરા સ્લેબ અને અન્ય લાભો ઈચ્છી રહી છે. નિષ્ણાતોનો અભિપ્રાય છે કે વર્કિંગ વુમનના ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે તેમને વધારાના ટેક્સ બેનિફિટ્સ આપવા જરૂરી છે. અત્યાર સુધી, સ્ત્રી હોય કે પુરૂષ, સમાન આવકવેરા સ્લેબ દરોને આધીન હતા. ડિફરન્શિયલ ટેક્સ સ્લેબ માત્ર વ્યક્તિઓની ઉંમરના સંદર્ભમાં લાગુ થાય છે અને સ્ત્રી કે પુરુષના સંદર્ભમાં નહીં.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે હાલમાં ઈન્કમ ટેક્સ સ્લેબના દર ઘટાડવા અથવા વિસ્તરણ કરવાની જોરદાર માંગ છે. આ માંગને સંતોષવાને બદલે, કદાચ નાણામંત્રી આ લાભ માત્ર મહિલાઓને જ આપી શકે.
બચતમાં મહિલાઓ વધુ સારી છે તેવી ધારણાને અનુસરીને, અહીંનો લાભ ભારતની મહિલાઓ માટે નાણાકીય રીતે પ્રેરક અને પ્રોત્સાહક માર્ગ બનાવશે. મહિલા કરદાતાઓને તેમની નાણાકીય સ્વતંત્રતા મજબૂત કરવા માટે ઉચ્ચ કર રાહત આપવી જરૂરી છે.
કોવિડ-19 રોગચાળા દરમિયાન, ઘણી સ્ત્રીઓએ તેમના પતિ ગુમાવ્યા જેઓ પરિવારમાં એકમાત્ર કમાનાર હતા અને આ રીતે, આવી સ્ત્રીઓ પાસે હવે તેમના બાળકોને ઉછેરવાની નાણાકીય જવાબદારી છે. આવી સિંગલ મહિલા પેરેન્ટ ટેક્સ પેયર્સને અલગ રાહત આપવાની જરૂર છે,”
ભારતની કુલ વસ્તીના આશરે 48% મહિલાઓ છે. “જો કે દેશની આર્થિક વૃદ્ધિ તરફ તેમની ભાગીદારી ઓછી તકો અને ઉચ્ચ સ્થાનિક જવાબદારીઓને કારણે મર્યાદિત રહી છે. ત્યારે તેઓને ખાસ લાભ મળવાથી તેઓને પ્રોત્સાહન પણ મળશે.