સરકાર હાઇવે નિર્માણ માટે 2 લાખ કરોડથી વધુ અને રેલવે માટે રૂ. 1.8 લાખ કરોડથી વધુનું ભંડોળ ફાળવે તેવી શક્યતા
અબતક, નવી દિલ્હી : કેન્દ્રીય બજેટ 2023-24માં કેન્દ્ર સરકાર દ્વારા માળખાકીય સુવિધાઓના વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. ખાસ કરીને રેલ્વે અને હાઇવે બાંધકામ પર ભાર મુકવાની અપેક્ષા સેવાઇ રહી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. જેમાં 2023-24ના બજેટમાં રોડ અને હાઇવે સેક્ટરને તેની ફાળવણીમાં વધારો થવાની ધારણા છે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના બે વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ક્ષેત્રની ફાળવણી 2022-23માં રૂ. 1.99 લાખ કરોડથી વધીને 2023-24માં રૂ. 2 લાખ કરોડથી વધુ થવાની ધારણા છે.
એક અધિકારીએ કહ્યું, ‘નાણાકીય વર્ષ 2022-23માં અમને જે બજેટ ફાળવવામાં આવ્યું હતું તે ફેબ્રુઆરી સુધીમાં સમાપ્ત થઈ જશે.’રેલ્વે મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ક્ષેત્ર માટે ફાળવણી 2022-23માં રૂ. 1.4 લાખ કરોડથી વધીને 2023-24માં આશરે રૂ. 1.8 લાખ કરોડ થવાની સંભાવના છે.
રેલવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ બજેટમાં અપેક્ષિત ઘણી જાહેરાતોની યાદી પણ તૈયાર કરી છે. તેમાં નવા ટ્રેક બિછાવવા, રેલ્વે કાફલામાં સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેનોનો સમાવેશ અને હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનોની રજૂઆત તેમજ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવણીમાં વધારો કરવાનો સમાવેશ થાય છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે સતત ઝુંબેશ ચાલી રહી હોવા છતાં, 2022-23ના બજેટમાં જાહેર કરાયેલા કેટલાંક પ્રોજેક્ટ સમય કરતાં પાછળ ચાલી રહ્યાં છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23માં 12,200 કિમી હાઈવે બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. પરંતુ મંત્રાલયના ડેટા અનુસાર, ડિસેમ્બર સુધી આમાંથી માત્ર 5,300 કિમીનું જ નિર્માણ થયું છે.
બાકીનું કામ 31મી માર્ચ સુધીમાં પૂર્ણ કરવું મુશ્કેલ જણાય છે. જો કે, માર્ગ મંત્રાલયના બે વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ચાલુ નાણાકીય વર્ષના બાકીના બે મહિનામાં બાંધકામની ગતિમાં તેજી આવવાની અપેક્ષા રાખે છે. ડિસેમ્બરમાં સંસદમાં આપેલા જવાબમાં હાઇવે મંત્રી નીતિન ગડકરીએ બાંધકામની ધીમી ગતિ માટે ચોમાસાને જવાબદાર ગણાવ્યું હતું.
ગડકરીએ સંસદમાં જણાવ્યું હતું કે, ‘મંત્રાલયને તેના મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે આ વર્ષે ચોમાસા દરમિયાન સરેરાશ કરતાં વધુ વરસાદને કારણે બાંધકામની પ્રગતિ પર પ્રતિકૂળ અસર પડી છે. નવેમ્બર સુધી આ નાણાકીય વર્ષ દરમિયાન બાંધવામાં આવેલ 4/6/8 લેન નેશનલ હાઇવેની કુલ લંબાઈ 2,038 કિમી છે, જે અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન સમાન સમયગાળા માટે બાંધવામાં આવેલા 1,806 કિમી કરતાં વધુ છે. જો કે, નવેમ્બર સુધી આ નાણાકીય વર્ષ દરમિયાન બાંધવામાં આવેલી તમામ શ્રેણીઓના નેશનલ હાઇવેની કુલ લંબાઈ 4,766 કિમી છે, જે અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન સમાન સમયગાળા માટે બાંધવામાં આવેલા 5,118 કિમી કરતાં ઓછી છે.
માર્ગ મંત્રાલયના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2027-28 સુધીમાં કુલ 9,860 કિમીની લંબાઈ સાથે પાંચ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 22 એક્સેસ-નિયંત્રિત કોરિડોર બનાવવાનો મંત્રાલયનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ પાછળ છે. રેલ્વે ક્ષેત્રમાં, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ પણ જમીન સંપાદનના મુદ્દાઓને કારણે સમય કરતાં પાછળ ચાલી રહ્યો છે. રેલ્વે મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, 31 ડિસેમ્બર, 2022 સુધી પ્રસ્તાવિત 508.09 કિલોમીટરના કોરિડોરના નિર્માણમાં માત્ર 24.73 ટકા જ પ્રગતિ થઈ છે.
બજેટનું કાઉન્ટડાઉન શરૂ : પરંપરાગત હલવા સેરેમની યોજાય
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. જે અંતર્ગત ગુરુવારે પરંપરાગત હલવા સમારોહ સાથે બજેટને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સીતારમણની હાજરીમાં નોર્થ બ્લોકમાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડો. ભગવત કિશનરાવ કરાડ અને પંકજ ચૌધરી અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે બજેટની તૈયારી માટે લોક-ઇન પ્રક્રિયા પહેલા, હલવા સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ સમારોહ દરમિયાન નાણામંત્રીએ બજેટ પ્રેસની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
બજેટ દસ્તાવેજોની પ્રિન્ટિંગની શરૂઆત સાથે પરંપરાગત હલવા સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. બજેટને અંતિમ સ્વરૂપ આપતા પહેલા નાણા મંત્રાલયમાં હલવો બનાવવામાં આવે છે. આ પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. તેનું કારણ એ છે કે દરેક શુભ કાર્યની શરૂઆત મીઠાઈથી થાય છે. કોરોના રોગચાળાને કારણે છેલ્લા બે વર્ષથી હલવો સમારોહ યોજાઈ શક્યો ન હતો. તેના બદલે, કર્મચારીઓને કોવિડ પ્રોટોકોલને અનુસરીને મીઠાઈ આપવામાં આવી હતી.
હલવા સમારોહ પછી, બજેટનું છાપકામ શરૂ થાય છે. હલવા સમારંભ પછી, બજેટની તૈયારી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ અહીં જ રહે છે.આ એવા કર્મચારીઓ છે જે બજેટ બનાવવાની પ્રક્રિયામાં સામેલ છે અને તેમને એક રીતે નજરકેદ રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરે તે પછી જ આ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પરિવારના સભ્યો અને મિત્રોના સંપર્કમાં આવે છે. તેનો હેતુ બજેટને ગોપનીય રાખવાનો છે.
આયાત ઘટાડવા સરકાર સ્પેશિયાલિટી સ્ટીલ માટે પીએલઆઈ સ્કીમનો બીજો તબક્કો શરૂ કરશે
સરકાર સ્પેશિયાલિટી સ્ટીલ માટે પીએલઆઈ સ્કીમનો બીજો તબક્કો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આનો હેતુ સંરક્ષણ સાધનો અને ઓટોમોબાઈલમાં વપરાતા ખાસ સ્ટીલની આયાત ઘટાડવાનો છે.
કેન્દ્રએ સ્પેશિયાલિટી સ્ટીલ પીએલઆઈ માટે 6,322 કરોડનું ફંડ રાખ્યું છે. યોજનાના પ્રથમ રાઉન્ડ હેઠળ અત્યાર સુધીમાં 30 કંપનીઓમાંથી 67 અરજીઓની પસંદગી કરવામાં આવી છે. આ મહિનાના અંત સુધીમાં આ માટેના કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.
કંપનીઓએ પીએલાઈને લઈને ₹42,500 કરોડનું રોકાણ કરવાનું વચન આપ્યું છે અને સ્પેશિયાલિટી સ્ટીલ મેન્યુફેક્ચરિંગની સ્થાનિક ક્ષમતામાં 26 મિલિયન ટન વધારો કર્યો છે. ટાટા સ્ટીલ, સનફ્લેગ આયર્ન એન્ડ સ્ટીલ, કલ્યાણી સ્ટીલ, બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ, જેએસડબ્લ્યુ સ્ટીલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જિંદાલ સ્ટીલ પ્રથમ રાઉન્ડમાં મંજૂર કરાયેલી કંપનીઓમાં સામેલ છે.
ઑક્ટોબર 2021માં શરૂ કરાયેલ પીએલઆઈ સ્કીમ, પાંચ વિશિષ્ટ સ્ટીલ કેટેગરીના ઉત્પાદનમાં વધારો કરવા માટે પ્રતિબદ્ધ રોકાણ સામે સ્ટીલ ઉત્પાદકોને વધારાના ઉત્પાદન પર 4-12% ના નાણાકીય પ્રોત્સાહનો આપે છે. પ્રોત્સાહનો 2024-25 થી પાંચ વર્ષના સમયગાળામાં વિતરિત કરવામાં આવશે.