કહેવાય છે ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે ને..! બજેટ-2022-23 ની જાહેરાતની પૂર્વ સંધ્યાએ સરકારની હાલત પણ કાંઇક આવી જ છે. કોવિડ-19ના કયામત કાળ માં વિખેરાઇ ગયેલી ઇકોનોમી અને ભાંગી પડેલા કારોબારને ફરી પાટે ચડાવવા માટે સૌ ને સરકાર પાસેથી વિશેષ રાહતોની આશા છે પરંતુ સરકાર પાસે નાણા હોય તો જનતાને રાહતો આપે ને ! સરકારે 2021-22 નાં બજેટમાં નાણાકિય ખાધ 6.8 ટકા રહેવાની ધારણા મુકી હતી. જે કોવિડ-19 ની મહામારીની એન્ટ્રી પહેલાનાં વર્ષોમાં 3.0 ટકા સુધીની રાખવાનાં લક્ષ્યાંક સેવાતા હતા. સરકારને રાહતો આપવી હોય તો પણ ક્યાંથી આપે એ સવાલ છે. આમછતાં આપણું લોકતંત્ર આમ જનતાના વોટ ઉપર આધારિત હોવાથી સરકારને આ વર્ગની ચિંતા કરવી જ રહી. કહેવાય છે ને કે આશાઓ વિનાનું જીવન વૈરાગ્ય લાવે છે. તેથી સરકારને પણ વધુ ટેક્ષ કલેક્શનની આશાઓ સાથે જનતાને વધુ રાહતો આપવાનાં સપના દેખાડવા પડશે.

રિયલ એસ્ટેટ, એગ્રિકલ્ચર, ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, કોર્પોરેટ્સ, ટુરિઝમ આમઆદમી અર્થાત નોકરિયાત વર્ગ, હેલ્થ કેયર વગેરે .. વગેરે.. સૌને સરકાર પાસે રાહતોની આશા છે. અહીં એક આશાનું કિરણ એ જ છે કે વતેલા વર્ષમાં કોવિડ-19 નાં કહેર છતાં ભારતમાં વેક્સિનેશન પુર જોશમાં થયું હવે જનતા કોવિડ-19 થી ડરવાને બદલે લડવા માટે સક્ષમ બની રહી છે, તેથી જ કદાચ ચાલુ કારોબાર વચ્ચે સરકારી તિજોરીની મહેસુલી આવક વધતાં હવે નાણાકિય ખાધ 6.8 ટકાનાં લક્ષ્યાંક થી પણ નીચી એટલે કે 6.6 ટકા રહેવાની ધારણા મુકાઇ છે.

વૈશ્વિક પરિબળો:

સરકારને હાલમાં ભારતને બિઝનેસ કરવા માટેના વિશ્વના ટોપ-10 દેશોની યાદીમાં લાવવાનું છે. તેથી વિદેશી રોકાણ વધુ આકર્ષી શકાય.  નાના ઉદ્યોગોને ટેકો, અયાત કરના માળખામાં ફેરફાર તથા અરજીઓને ઝડપી મંજૂરીની યોજના દેશને આ સ્તરે લઇ જઇ શકે છે. ભારત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર ( જી.સી.સી.) બનવા માટે મોસ્ટ ફેવરિટ છે.  કારણ કે ફોચ્યુન-500 કંપનીઓ માંથી 25 ટકા તથા ફોર્બ્સ ની ગ્લોબલ 2000 કંપનીઓની યાદી માં રહેલી કંપનીઓ માંથી 15 ટકા જેટલી કંપનીઓનાં  જી.સી.સી ભારતમાં છે. જે 13 લાખ અધિકારીઓને નોકરી આપે છે અને 35 અબજ ડોલરની મહેસુલી આવક આપે છે.  સર્વે એવું કહે છે કે આ આવક વધારીને 70 થી 80 અબજ ડોલર સુધી લઇ જઇ શકાય તેમ છે.

કોર્પોરેટ સેક્ટર:

દેશના કોર્પોરેટ સેક્ટરનું માનવું છે કે માળખાકિય સુવિધાઓમાં સરકારની મુડીરોકાણ યોજનાઓ અને નાગરિકો તરફથી વિવિધ સેક્ટરમાં માગ નીકળે તો અર્થતંત્ર દોડતું થઇ શકશે.  હાલમાં દેશનામ 54 ટકા સી.ઇ.ઓ એવું માને છે કે ભારતનો આગામી વર્ષે વિકાસ 7 થી 8 ટકાના દરે થઇ શકે છે. એમાં પણ 32 ટકા નવ ટકાની આશા રાખે છે.  જો કે માગ ઉભી કરવામાં રો- મટિરીયલ કોસ્ટ મોટો અવરોધ બનતી હોવાનું તારણ છે જેના માટે સરકારે નક્કર પગલાં લેવા પડશે. જે આડકતરી રીતે કરવેરાના બોજમાં ઘટાડો કરવાની ભલામણ કરે છે. આ ઉપરાંત વ્ય વસાય માટે કેશ ફલોની પણ સમસ્યા છે. અમુક માંધાતાઓ તો સુપર રીચ વર્ગ ઉપર લગાવાયેલ સર ચાર્જમાં ઘટાડો કરવાની માગણી કરે છે.

કેપિટલ અને ઇન્વેસ્ટમેન્ટ:

31 મી ડિસેમ્બર-2020 નાં રોજ મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 47000 ની સપાટીએ હતો. અને બજેટ બાદ સેન્સેક્સ 50000 ની સપાટી વટાવી ગયો હતો. વર્ષ રોકાણકારોને નવા આઇપીઓમાં સારા વળતર મળ્યાં છે. એક સમયે 60000 જોઇ ચુકેલો સેન્સેક્સ 31 મી ડિસેમ્બર-2021 ના રોજ 58000 ઉપર બંધ રહ્યો હતો. આ માર્કેટે ગત વર્ષે કારોબારીાઓનાં મુડ ફુલ-ગુલાબી રાખ્યા છે.  જો કે લાંબા સમયથી બજારની અમુક માગણીઓ છે.   ખાસ કરીને શેરબજાર કે કોમોડિટીનાં બજારમાં એક્સચેન્જો મારફતે કારોબાર કરતા રોકાણકારોને STT તથા CTT અર્થાત  ટ્રાન્ઝક્શન ઉપર લાગતા ટેકસમાંથી મુક્તિ જોઇએ છે. આ ટેક્ષથી દેશની તિજોરીને કરવેરાની વિશેષ આવક થઇ નથી. સામાપક્ષે રોકાણકારો આવા વેરાનાં ભયે માકેટથી દુર રહે છે.  આ ઉપરાંત સરકાર ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી માહોલ ઉભો કરે તેવી આશા છે.

કૄષિ ક્ષેત્ર:

સરકારને વિતેલા વર્ષમાં અગાઉ કરેલા નિર્ણયોમાં પિછેહઠ કરવી પડી છે. કૄષિ ક્ષેત્રનાં અભેરાઇએ ચડી ગયેલા ત્રણ સુધારા આ દાવાની સાબિતી છે.    વધતી મોંઘવારીને બેલેન્સ કરવા માટે લેવાયેલા આડેધડ પગલાં પણ આ ક્ષેત્રનાં વિકાસ આડે આવે છે. આ એક એવું સેક્ટર છે જેની લાંબાગાળાની માગણીઓ છે, જે એક સાથે કદાચ તમામ પુરી ન પણ થઇ શકે પણ જેટલી પુરી થાય છે તેટલો વધુ લાભ દેશને થાય છે. આંકડા બોલે છે કે માર્ચ-2022 સુધીમાં આ સેક્ટરનો વિકાસ 3.6 ટકાના દરે રહેશે. જ્યારે 2023 માં તે 3.9 ટકાનો દર હાંસલ કરી શકે છે.  કૄષિ નિકાસમાં વધારો, સરકારી યોજનાઓ અને સબ્સીડીનો લાભ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે તેવું આયોજન, ખેડૂતોને લોનની સેવા, ઉત્પાદન વધારે સંશોધનોને પ્રોત્સાહન, વેરહાઉસીંગ તથા  માર્કેટિંગની સુવિધાઓ જરૂરી છે.

હેલ્થ કેર:

છેલ્લા એક વર્ષમાં આ સેક્ટર માટે સરકારને મોટો બોજ સહન કરવો પડ્યો છે. બજેટ-2021 માં આરોગ્ય સુવિધા માટે ના ભંડોળમાં 137 ટકા નો વધારો કરવો પડ્યો હતો. જો કે આના સારા પરિણામ એ છે કે કોવિડ-19 નાં કારણે થતાં મોતની સંખ્યા ઘટાડી શકાઇ છે. સરકારે ગત બજેટમાં 234846 કરોડ રૂયિાની જોગવાઇ કરી હતી. સામાન્ય રીતે ભારતમાં આરોગ્ય સેવા પાછળ જી.ડી.પીનાં 1.2 થી 1.6 ટકા જેટલી ફાળવણી થતી હોય છે. ગ બજેટમાં તે વધારીને 1.8 ટકા જેટલી કરાઇ હતી. આમછતાં આ ફાળવણી અમેરિકા, ચીન, યુ.કે તથા થાઇલેન્ડ જેવા દેશોની ફાળવણી કરતા ઘણી ઓછી છે તેથી આ સેકટરમાં વધુ નાણા ફાળવવાનો અવકાશ છે.

કર્મચારી વર્ગ:

દેશના મધ્યમ વર્ગીય મતદારો અર્થાત કર્મચારી વર્ગને પાંચ લાખ રૂપિયા સુધીની આવક ઉપર કર માફી આપ્યા બાદ સરકારે વિશેષ કોઇ રાહત આપી નથી. સેક્શન 16 (1 એ) માં સ્ટાન્ડર્ડ ડિડક્શન 2019 માં 40,000 વાળા વધારીને 50,000 કરવામાં આવ્યા બાદ યથાવત રખાયેલ છે. મોંઘવારીને નજર સમક્ષ રાખીને આ કપાત 60,000 સૂધી કરવી જોઇશે. આ ઉપરાંત મેડિકલનાં ખર્ચ, કરવેરાનું માળખું તથા સેવિંગ્સ ખાતામાં વ્યાજની મર્યાદા એક દાયકાથી  10,000 રુપિયા સુધીની છે જે વધારવાની જરૂર છે. બાળકોની આવકની કપાત મર્યાદા ત્રણ દાયકાથી 1500 રુપિયા સુધી મર્યાદિત રખાઇ છે જે વધારવાની આવશ્યકતા છે. આ ઉપરાંત નવા ડેવલપ થઇ રહેલા વર્ક ફ્રોમ હોમ કલ્ચરને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેટ, વીજળી તથા ટ્રાન્સ્પોર્ટના લાભ ઉમેરવા જરૂરી બન્યા છે.

ડિજીટલ અને વર્ચ્યુઅલ કારોબાર:

લોકડાઉનનાં સમયગાળમા આ સેક્ટર માનવજાતને ઘણું શિખવાડી ગયું છે. ખરેખર તો સરકારને પણ ઘહું જાણવા મળ્યું છે. ક્રિપ્ટોકરન્સીનો કારોબાર ચલાવનારા આ સેક્ટર માટે વિશષ પરવાનગીની માગણી સાથે કાયદાની તરફેણ કરે છે જેનાથી તેમના ઉપર પ્રતિબંધની લટકતી તલવાર દૂર થાય. આ ઉપરાંત વધતા જતા ઇ-કોમર્સનાં કારોબાર ઉપર સરકારે લાગુ કરેલા નવા કર માળખાનો ચુસ્ત અમલ પણ જરૂરી હોવાની વ્યાપારીઓની માગણી છે.

રિયલ એસ્ટેટ:

આ સેક્ટર છેલ્લા એક દાયકાથી નબળું પડ્યું છે કારણ કે અગાઉ સરકારનાં કરવેરા અને કાયદા ભારે પરેશાની વાળા હતા. ગત વર્ષમા કોવિડ-19 ના કારણે જ્યારે આ સેક્ટર સાવ મૄતપાય: બન્યું ત્યારે અન્ય સેક્ટરોની યોજના સાથે સરકારે આ સેક્ટરમાં પણ સ્ટેમ્ય ડ્યુટીના લાભ આપ્યા તેનાથી થોડી રાહત મળી હતી પરંતુ  અહીં બેડડેપ્થ એટલી મોટી છે કે માલિકોને મોટી રાહત ની જરૂર છે.  તેથી સરકારને હાલના બજેટમાં ટૂંકાગાળા માટે રિયલ એસ્ટેટ માટે કોઇ મોટી જાહેરાત કરવી પડશે.

આ ઉપરાંત શિક્ષણ, ટૂરીઝમ, મનોરંજન, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, હોટલ્સ, બેન્કવેટ, કેટરીંગ, તથા બ્યુટીપાર્લર જેવા વ્યવસાય કોવિડ-19 ના કારણે લગભગ બંધ થઇ ગયા છે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને 2.4 ટ્રીલિયન ડોલરનો ફટકો પડ્યો છે. આ ઇન્ડસ્ટ્રીને ફરી શુન્ય માંથી સર્જન કરવાનું હોવાથી બજેટમાં રાહત અથવા તો આ સેક્ટરનાં બેકાર બનેલા લોકોને અન્ય રોજગાર તરફ વાળવાના છે. તેથી સરકારે સામાન્ય બજેટમા તેમના માટે વિશેષ ધ્યાન આપવું પડશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.