છેલ્લા ત્રણ મહિનામાં ખેડુતોમાં ભગવાન ભાળી ગયેલી કેન્દ્ર સરકાર બજેટમાં ખેડૂતોને ખુશ કરવા કૄષિક્ષેત્ર માટે વિશેષ પગલાં જાહેર કરશે એવી સૌની ધારણા હતી જ કારણ કે ખેડૂત આંદોલન ઉપરાંત કોવિડ-19 ની મંદીમાંથી દેશની ઇકોનોમીને પાટે ચડાવવા કૄષિ ઉત્પાદન અને નિકાસની ભૂમિકા મહત્વની રહેવાની છે એવું સરકાર પણ કબુલી ચુકી છે. નાણા મંત્રી મેડમ સિતારામને પોતાના છ પિલરનાં બજેટમાં એક પિલર એગ્રિસેક્ટરનો હોવાનાં સંકેત આપીને આ વાત સાબિત કરી દીધી.  બજેટની જાહેરાત વખતે સરકાર પોતાની છાપ સુધારવાના પ્રયાસ કરતી દેખાઇ. વિપક્ષો તાજેતરનાં કૄષિ  સુધારા ખેડૂત વિરોધી હોવાના દાવા સાથે ખેડૂતોને સરકારથી નારાજ કરવાનાં પ્રયાસ કરી રહી છે એટલે જ નિર્મલાજીએ પોતાના બજેટમાં તુલનાત્મક આંકડા આપીને એવું ઠસાવવાનો પ્રયાસ કર્યો કે મોદીજીની સરકારે અગાઉની મનમોહન સરકાર કરતા વધારે નાણા ખેડૂતો માટે ફાળવ્યા છે. સરકારે જગતાતો માટે 75100 કરોડ રૂપિયા ફાળવ્યા છૈ, એગ્રિકલ્ચર ક્રેડિટનો ટાર્ગેટ 16.5 લાખ કરોડ કર્યો છે.

ઘઉં તથા ચોખાના ખેડૂતોને ચુકવાયેલા અનુક્રમે 75060 કરોડ અને 172752 કરોડ મનમોહન સરકાર વખતે માંડ 33874 કરોડ અને 63928 કરોડ હોવાનો દાવો કરાયો છે.  સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકિય સુવિધા વધારવા માટે 40000કરોડ રૂપિયાની ફાળવણી કરી છે તેનાથી અગામી દિવસોમાં વીજળી, પાણી, રસ્તા તથા ઇન્ટરનેટ જેવી સુવિધાઓ મળશે. ગામડાને શહેર સાથે જોડવાના આ પ્રયાસ આગળ જતાં માનવજાતની શહેર ભણી દોટને ધીમી પાડી શકે અને ગામડું ફરી સમૄધ બની શકે.

આમેય તે લોકડાઉનનાં સમયે ભારતના મોટાભાગના રોજગાર બંધ હતા ત્યારે કૄષિ કારોબારે ઇકોનોમીને ટેકો આપ્યો હતો. એટલે જ સરકારે કૄષિને કાંખઘોડી બનાવીને ઇકોનોમીને ચાલતી કરવા આત્મનિર્ભરતા હાંસલ કરવાની વાત કરી છે.  સરકારે  એક પગલું આગળ ભરીને પ્રોડક્શન વધારવા ઉપરાંત સ્ટોરેજ, પોષણક્ષમ ભાવ, કૄષિપેદાશોની ગુણવત્તા, નિકાસની સુવિધા તથા ખેડૂતોને બજાર સાથે સીધા જોડવાનાં જે પ્રયાસ કર્યા છે તેનાથી કદાચ ખેડૂતો પોતાની રીતે જ વધારે વળતર મેળવતા થશે. નવી 1000 મંડીને ઇ-નામ પ્રોજેક્ટસાથે જોડવાની જાહેરાત ખેડૂતોને ઓનલાઇન ઓક્શન અને ટ્રેડિંગના પાઠ શિખવવાના પ્રયાસ હોવાનું ફલિત થાય છે.  હાલમાં ઇ-નામ સાથે 1.68 કરોડ ખેડૂતો જોડાયા છે અને ઇનામ પ્લેટફોર્મ ઉપર 1.14 લાખ કરોડ રૂપિયાનો કારોબાર થયો છે. બેશક હજુ સરકારી નેટવર્ક ઇ-નામનાં માળખાને ખાસ પચાવી શક્યું નથી, પરંતુ સમય જતાં બધું ગોઠવાઇ જાય તેવી આશા રાખવી રહી.

એકતરફ એવો પ્રચાર થઇ રહ્યો છે કે સરકાર એપીએમસી ના માળખાને ખતમ કરવાના પેંતરા કરી રહી છે. ત્યારે સરકારે બજેટમાં એપીએમસીનાં માળખાને આધુનિક બનાવવા નાણાની ફાળવણી કરવાની વાત કરી છે. આમાં સાચી ફાળવણી કેટલા રૂપિયાની થાય છે તે જોવાનું રહેશૈ. આ ઉપરાંત નાબાર્ડ મારફતે માઇક્રો ઇરિગેશનના વિકાસ માટે જે 5000 કરોડ રુપિયાનું ભંડોળ ફાળવાયું હતું તે આ વખતે વધારીને 10000 કરોડ કરવાની જાહેરાત થઇ છે જેના કારણે હવે ખેડૂતોને ઓછા પણીઐ પણ ઉંચી ગુણવત્તાવાળો અને વધારે પાક લેવાની સુવિધા મળશે. આમેય તે ભારતમાં સુકી ખેતી, સ્પ્રે ઇરિગેશન, સ્પ્રિન્કલ ઇરિગેશન તથા ડ્રીપ ઇરિગેશનના પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા છે. પરંતુ તેનો વ્યાપ હજુ ઘણો મર્યાદિત છે. આ સેક્ટરમાં વધારે ફંડ જવાથી પાણી વિનાના કે ઓછા પાણી વાળા વિસ્તારમાં ઉત્પાદન વધારી શકાશૈ.

સૌ જાણે છે કે દેશની તિજોરી ખાલી છે, લોકોને આપવા માટે સરકાર પાસે જ પૈસા નથી તો પછી આવી જાહેરાતોનો શું અર્થ? આ સવાલનો જવાબ નથી, સરકારે અગાઉ સમય સાથે ટેકાના ભાવની સુવિધા બંધ કરવાની રણનીતિ બનાવી હશે પરંતુ હાલની ઉકળતા ચરૂ જેવી સ્થિતીમાં અવા આકરા નિર્ણય શક્ય નથી તેથી જ કદાચ સરકારે એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ લગાવવાની જાહેરાત કરી છે. મતલબ કે અમુક કોમોડિટીનાં કારોબાર ઉપર ટેક્સ વસુલ કરીને ખેડૂતોને જ આપવાની વાત છે.  એક ખિસ્સામાંથી લઇને બીજા ખિસ્સામાં! ચૂંટણીઆવી રહી હોવાથી તામિલનાડુમાં સરકારે સી-વિડ પાર્ક અને ફિશીંગ હબ શરૂ કરવાની લોભામણી જાહેરાત કરી છે. જેનો ગુજરાતને કોઇ લાભ નથી. ગુજરાતને તો મોટા લાભ માટે નવી ચૂંટણીઓની રાહ જોવા રહી..! જોકે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ, ડાયરેક્ટ સેલિંગ અને એગ્રિકલ્ચર ફંડીગની સુવિધાનો પુરતો લાભ ઉઠાવાય તો પણ ગુજરાતના કિસાનોની તકલીફો હળવી થઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.