બજેટ રજૂ થવાને હવે થોડા દિવસની વાર છે ત્યારે ચર્ચા છેકે આ બજેટમાં રેલ્વેના આધુનિકીકરણ પર વધારે ભાર મૂકવામાં આવશે, અને તે માટે આધુનિકીકરણની સાથે ઓટોમેશન 78,000 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. જો કે બજેટ 2018-19માં આગામી નાણાકીય વર્ષમાં કાર્યકારી ખર્ચા ઘટાડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
રેલવે પ્રધાન પિયુષ ગોયલ દાયકાઓ જૂના રેલવે ટ્રેકને બદલવામાં અને સિગ્નલ સિસ્ટમ અપગ્રેડ કરવામાં કોઈ કચાશ રહેવા દેવા માંગતા નથી. તેમણે સલામતીની જરૂરિયાતોને પ્રાધાન્ય આપ્યું છે. રેલવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સિગ્નલિંગ સિસ્ટમના આધુનિકીકરણથી સલામતીમાં વધારો થશે અને ગીચ નેટવર્ક પર ટ્રેનની ઝડપ પણ વધશે. રેલવે બજેટમાં પ્રવાસીઓની સલામતી અને સગવડો પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
રેલવે બજેટને ગયા નાણાકીય વર્ષમાં સામાન્ય બજેટ સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. તેથી નાણાપ્રધાન અરૂણ જેટલી 2018-19નું બજેટ પહેલી ફેબ્રુઆરીએ કરશે, તેમાં રેલવે બજેટ સામેલ હશે.
રેલવેમાં અત્યાધુનિક સિગ્નલિંગ નેટવર્ક, ઇલેકટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ્સ, યુરોપીયન ટ્રેન કંટ્રોલ સિસ્ટમ લેવલ-ટુ અને મોબાઇલ ટ્રેન રેડિયો કમ્યુનિકેશન રેલવેના અપગ્રેડેશનનો હિસ્સો હશે. રેલવે સેક્ટરમાં રોકાણ આયોજન દેશની વૃદ્ધિ માટે મહત્વનું હશે.