કેસર કેરી, ગીરનું જંગલ અને એશિયાટીક સિંહ તાલાલા ગીરની ઓળખ બની ચૂકયા છે. તાલાલા ગીર તાલુકા મથક છે. હીરણ નદીના કાંઠે વસેલું નાનકડુ શહેર છે.તાલાલા ગીર થી ઊત્તરમા ૧૫ કી મી સાસણ ગીર અને દક્ષિણમા ૨૫ કી મી સોમનાથ પાટણ આવેલા છે.ગીરનું જંગલ અને કેસર આંબાના બગીચાઓની બરાબર વચ્ચે તાલાલા આવેલું છે. તાલાલા ગીર થી સોમનાથ જતા માલઝીંઝવા નામનું ગામ આવે છે. માલઝીંઝવા ગામથી પાંચેક કી મી પૂર્વ તરફ બગીચાઓની વચ્ચેથી પાકા રસ્તે મંડોર ગામની સીમમા વહેતી ગોમતા નદીની ખડકાળ પાકી ભેખડમાં આ ગુફાઓ આવેલી છે.લોકો ગોમતા નદીને વેકરો કહે છે.આ વેકરાનું મુળ સાસણ જંગલમાં આવેલું છે. ઊપરવાસ આવેલા ગાભા, ધામણવા અને અન્ય ગામોનું ચોમાસાનું પાણી આ નદીમા ભળે છે જે આગળ જતાં હીરણ નદીને મળે છે. હિરણ નદી પ્રભાસ પાટણ સોમનાથના સાગરમાં ભળે છે. અંહી નદી પ્રમાણમા ઠીક ઠીક ઊંડી છે. નદીના સામે કાંઠે ૬ બૌધ્ધ ગુફાઓ આવેલી છે.ચાર ગુફા નીચે છે અને બે ગુફા ઊપર છે.ગુફાઓ નદીના તળથી વીસેક ફૂટ ઊંચે છે. અંહી નદી પર બેઠો કોઝવે સીમેન્ટનો પાકો પૂલ બાંધેલો છે.પૂલ ઓળંગી પચ્ચીસેક પગથિયા ચડી ગુફાઓ સુધી પહોંચી શકાય છે. ઊપરની બન્ને ગુફાઓમાં રંગરોગાન કરી એકમાં કિશકંધેશ્વર મહાદેવ બેસાડી દીધા છે. બીજીમાં રહેઠાણ બનાવેલ છે.જેના પર લાકડાના બ્લુ રંગના કમાડ લગાવી તાળુ મારેલ છે.જેને સૌરાષ્ટ્ર સરકાર અને જૂનાગઢ સ્ટેટ એનશમેંટ મોન્યુમેન્ટ ધારા હેઠળ રક્ષિત ઘોષિત કરેલ છે.ગુફાઓની કોતરણી, અવશેષો અને ભિખ્ખુઓની વિપશ્યના બેઠકો પરથી સંશોધકો અને ઈતિહાસવિદ્દો એને મંડોરની બૌધ્ધ ગુફાઓથી ઓળખે છે. આ રક્ષિત શિલાલેખની ઐતિહાસિક વેદના એ છે કે એમના રક્ષકો હોવા છતાં હાલ આ બૌધ્ધ ગુફાઓમાં કિશકંધેશ્વર મહાદેવ બિરાજમાન છે. પરંતુ આ બૌધ્ધ ગુફાઓ આસપાસના વિસ્તારમાં પાંડવ ગુફાના નામે જાણીતી છે.અંહી ઘટાદાર વૃક્ષો વચ્ચે ચોમાસામાં બે કાંઠે વહેતી નદીમાં ન્હાવાની મોજ લેવા શાળાના પ્રવાસો અને લોકો આવે છે.બાળકો પણ આને પાંડવ ગુફા કહે છે. નદી કાંઠે કોઈકે પાંડવ ગુફા નામ દર્શાવતું બોર્ડ લગાવેલ છે. વિદ્યાગુરુઓ, સરકાર અને પુરાતત્વ ખાતું મૌન ધારણ કરે પછી ગમે તેવી વિરાસત પણ ખંઢેર બની જતી હોય છે. કાળક્રમે એ નષ્ટ પામે છે.
બૌધ્ધી વૃક્ષની છાયામા ૬ ગુફાઓ આવેલી છે. ઘટાદાર વૃક્ષો વચ્ચે આ ગુફાઓ ભવ્ય ભૂતકાળ સંઘરીને પોતાની હયાતીની નોંધ કરાવે છે.શરુઆતની પહેલી ગુફામાં પથ્થરનું તાજુ બનાવેલ સફેદ ચૂનો લગાવી નાનુ લીંગ મૂકેલ છે. આ ગુફા ૧૦સ૫ની છે .બાજુની બીજી ગુફામાં લોખંડનો દરવાજો લગાવેલ છે.એ પણ ૧૦ડ્ઢ૫ની છે. બૌધ્ધી વૃક્ષ અને દેશી આંબલીની બન્ને બાજુની બે ગુફાઓ ૨૦ ફૂટ ઊંડી, ૮ ફૂટ પહોળી અને ૫ ફૂટ ઊંચી છે.બન્ને ગુફામાં અંદર બે ચોરસ વિશાળ સ્તંભ આવેલાં છે.ગુફાની બન્ને બાજુ અને સામે ધ્યાનની બેઠક છે. આ બન્ને ગુફામાં કુલ ૧૦ ધ્યાન બેઠક જોવા મળે છે. ગુફામાં નીચા નમીને જવું પડે છે. અંહી પહેલી ગુફામાં પ્રવેશતાં ૨૦ ફૂટની લંબાઈ આવે છે તેની અંદરના ભાગે બે ગુફા જોવા મળે છે. આ ગુફામાં અંદરના ભાગે ચોરસ ઓટો બનાવેલ છે.જે ધ્યાન બેઠકના આગળના ભાગે છે. દરેક ગુફામાં ફેરફાર કરવાના પ્રયત્ન ચાલું છે. આ ચાર ગુફાની બહાર લગભગ ૧૦ ફૂટનો પહોળો નદીનો કાંઠો છે. જે ગુફામાં આવવા જવાનો રસ્તો છે. આ રસ્તો ગુફા પુરતો જ છે.કાંઠાના પથ્થરમાં ગુફાઓ આવેલી છે. આ ચાર ગુફાની ઊપરના ભાગે બે ગુફાઓ છે. અંહી ગુફાની બહાર ૨૫ ફૂટ લાંબી ખુલ્લી જગા છે, એક ગુફામાં રહેઠાણ છે. જેનો દરવાજો બંધ હતો.બીજી ગુફામાં મહાદેવની સ્થાપના જોવા મળે છે. જેની અંદર પણ બે ચોરસ સ્તંભ છે. આ પૂરી ગુફામાં અંદર બહાર લાલ અને બ્લુ રંગ કરવામાં આવેલ છે. અંદર નો ભાગ લાદી થી મઢી દીધેલ છે.
પ્રાપ્ય વિગતો પ્રમાણે ઈ.સ.ચોથી સદીમાં આ ગુફાઓ બનાવવામાં આવેલી છે.ચૂના પથ્થરની બનેલી છે.અંહીનો પથ્થર નરમ છે પરંતુ અન્ય પદારથ સાથે સંયોજન થતાં સખ્ત બને છે. આવા ચૂના પથ્થરો મકાન બાંધકામના ઉપયોગમાં લેવામાં આવે છે. ગુફાની અંદર શિતળતાનો અનુભવ થાય છે. બૌધ્ધભિખ્ખુઓ સતત ચારિકા કરતા હતાં. ધર્મના પ્રચાર અર્થે સતત ભ્રમણ કરતા હતાં. ઐતિહાસિક પુરાવા અને શિલાલેખના લખાણો પરથી એવુ તારણ નીકળી શકે કે જૈન ધર્મના સાધુઓ સિવાય અન્ય ધર્મમાં ધર્માર્થે ચારિકાઓ જોવા કે વાંચવા મળતી નથી.ઊપરાંત આસપાસના વિસ્તારમાં ઠેર ઠેર ગુફાઓના અસ્તિત્વ મળી આવી છે. એ જુદી વાત છે કે સરકારની ઘોર ઊદાસિનતાને લીધે રક્ષિત ચેતવણીની કોઈ દરકાર કરતું નથી. મને ક મને પણ પુરાતત્વ વિભાગ મૂક પ્રેક્ષક બની રહેલ છે. જેના પરિણામે આ અદ્ભૂત ધરોહર ધરાશય થય ચૂકી છે.
અંહી નદીના સામે કાંઠે જયાં ગેર કાયદેસર કબજો કરેલ છે ત્યાં દિવાલ પર Reserved Monument ની તકતી લગાવેલ છે અને લખ્યું છે જુનાગઢ સ્ટેટના એનશમન્ટ મોન્યુમેન્ટ ધારો સવંત ૧૯૮૯ અનુસાર કોઈપણ માણસે આ શિલાલેખને નુકસાન કરશે અગર બેડોળ બનાવશે અગર ત્યાંથી તેને આઘો પાછો કરશે તે શિક્ષાને પાત્ર થશે.એવીજ ચેતવણી ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ સૌરાષ્ટ્ર રાજ્ય તરફથી ભારતના પ્રાચિન સ્મારક સંરક્ષક ધારા સને ૧૯૦૪ નં ૭ની કલમ ૩ પ્રમાણે આ સ્થાન પ્રાચિન સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલ છે. મંડોરની બૌધ્ધ ગુફાઓ આપણાે ઐતિહાસિક વારસો છે. આ ભૂતકાળની દિવ્ય પાવન ધમ્મદેશણાની ભૂમિમાં એક સમયે માનવ સમૂહોના હ્દયમાં માનવતાનો દિપ પ્રગટાવ્યો હતો. અંતે કોઈ કાળે ગોમતા નદીના કાંઠે પ્રગટેલી કરુણાની જ્યોતના દર્શન કરી અમે વિદાય લીધી ત્યારે નદીની કરાળ ભેખડો પર આવેલી ગુફાઓ જાણે ફરી પડઘા રુપે બોલતી હતી અપો દીપ ભવો