ઊનાથી મહુવા જતાં રસ્તામાં હેમાળ નામનું ગામ આવે છે. અંહીથી ઊત્તર તરફ 4 કી મી લોર નામનું ગામ છે. ઊનાથી 30 કી મી દૂર છે. પરંતુ લોર જાફરાબાદ તાલુકામાં આવે છે.આખોય પ્રદેશ સૂકો છે.પાણીની અછત વર્તાય છે.જૂનવાણી ઢબના ગામમાં વિકાસના પગરંણ દેખાતા નથી. ગામડામાંથી નળિયા વિદાય લય ચૂક્યા છે પણ અંહી નળિયાવાળા મકાનોની હાજરી નોંધપાત્ર છે. મકાનોની હાલત ગરીબીના પૂરાવા આપે છે.
ગામની મુખ્ય વસ્તી કોળી, કાઠી,દલિતો અને થોડાક રબારીના ઘર છે. સૂના સૂના લાગતા ગામમાં અમારું આગમન કૂતુહલ પૈદા કરે છે.લોકો ટીકી ટીકીને જુએ છે.લોરની ઊત્તર તરફ પુષ્કળ પ્રમાણમાં ટેકરીઓ આવેલી છે.ગામના પડખામાં ઊંચો ડુંગર આવેલો છે. આ ડુંગરમાં ચાર બૌધ્ધ ગુફાઓ છે પરંતુ ગામમાં ભાગ્યેજ કોઈને ખ્યાલ હશે કે આ બૌધ્ધ ગુફાઓ છે. અંહીથી આડા રસ્તે માત્ર પાંચેક કી મી દૂર સાણાની 62 બૌધ્ધ ગુફાઓ આવેલી છે. દૂર દૂર વિશાળ ટેકરીઓ છવાયેલી જોવા મળે છે.એમા પણ બૌધ્ધ ગુફાઓ હોવાની શક્યતા છે. ડુંગર ઉપર મળેલાં ચારેક છોકરાઓ પાસેથી જાણવાની કોશીશ કરી કે સામે દેખાય છે એ ટેકરીઓમાં પણ આવી ગુફાઓ હશે. છોકરાઓ કહે અમને ખબર નથી, હોય પણ…. પણ અમે એ બાજુ ગયા નથી. એ બાજું જંગલ બહુ છે.
સિંહની બીક લાગે. શિશર ઋતુ ચાલે છે. જંગલના સૂકા પાંખા ઝાડવા દેખાય છે. અમારી કાર લોરની નજીક પંહોચી ત્યાં ડુંગર પર આવેલી ગુફાઓ સ્પસ્ટ દેખાવા લાગી હતી. આ ગુફાઓ જમીનથી ખૂબ ઊપર છે. ડુંગરની તળેટીની લગોલગ આવેલી પ્રા શાળા પાસે કાર પાર્ક કરી સામે આવેલાં મકાનની ઓસરીમાં બેઠેલાં બહેનને ઊપર જવાના રસ્તા વિશે પૂછતાં એણે કહ્યુ માતાજીના દર્શને જવું છે, મે હા પાડી, થોડાક આગળ હાલો એટલે સીડી દેખાશે.મેં ભૂપતને કહ્યુ કે અંહી પણ ગુફામાં માતાજીની સ્થાપના કરી દેવામાં આવી છે. હાંફી જવાય તેવું ચડાણ છે. ઊપર જવા કાળા પથ્થરની પહોળા પગથિયાની સી ડી બનાવવામાં આવી છે. સી ડી ની બન્ને બાજુ લોખંડની રેલીંગ છે.
આ રેલીંગ લગભગ ઠેર ઠેર તૂટી ગઈ છે.પગથિયા પણ ઊખડી ગયા છે. ચઢાણ સીધ્ધુ અને અઘરું છે.ઊપર પહોંચતા લોથ પોથ થય જાવ એવું કરાર ચડાણ છે.ઊપરથી ગામ એકદમ નીચુ લાગે છે. અંહીથી ગામની સુંદરતા રમણિય લાગે છે.અદભૂત નજારો જોવા મળે છે. ડુંગરની પડધારમાં આવેલા ગામનો દેખાવ સૌરાષ્ટ્રની રસધારમાં વર્ણવેલા ગીરના ગામ જેવો દેખાય છે. સામે દૂર દૂર ટેકરીઓની હારમાળા આસપાસના કુદરતી સોન્દર્યમાં વધારો કરે છે. જેનાં દર્શન માટે અમે આવ્યા છીએ એ બે હજાર વર્ષ પૂર્વેની બૌદ્ધ ગુફા અમારી સામે હતી. ભાવ પૂર્વક અમે બૌધ્ધ ગુફાના દર્શન કર્યા.ડુંગર ની ટોચથી થોડાક નીચે વિશાળ પથ્થરને કોતરીને આ ગુફા બનાવી છે. અંહી ગુફાની અંદર ગુફા છે.
આગળની ગુફામાં ખોડિયાર માતાજીનું મંદિર બનાવી લીધું છે. ગુફાની છત સિવાય બધેજ સફેદ લાદી લગાડી દેવામાં આવી છે. અંહી સુધી વિજળી પહોંચાડવામાં આવી છે.સાંજની ઝાલરનું નગારું વિજળીથી વગાડવામાં આવે છે.નગારાની પાછળ આવેલી ગુફાને જાળીથી બંધ કરેલ છે. મંદિરની પાછળની ગુફામાં પુજારીને સૂવાનો ખાટલો ઢાળેલો છે. આ ખાટલા પાછળની બીજી ગુફામાં ધ્યાનની બેઠક છે એને પણ જાળી લગાવી બંધ કરી દીધેલ છે. મુખ્ય ગુફામાં ખાસ્સો ફેરફાર જોવાં મળે છે.માતાજીની મૂર્તિની જગ્યા મૂળ પથ્થરની જણાય છે. તેના પર ગેરવો રંગ કરી દીધો છે. પરંતુ લોરની ગુફાઓના ભિખ્ખુઓએ અંહી ચિત્રો કોતર્યા હશે તેવી નિશાનીઓ પથ્થરમાં સ્પષ્ટ ઊપસેલી જોવા મળે છે.
અંહી ગુફાની અંદર ગુફા અને અંદરની ગુફા સળંગ પાછળની ગુફાને જોડે છે. ગુફાની ગરીમાં અને એના ભૂતકાળના દિવ્ય વારસાને આંખોમાં ભરી અમે ચારેતરફ નજર કરી. કેટલું આકર્ષક સુંદર દ્રષ્ય હતું!!!! ઘડી એમ થયું કે માનવતાના પ્રહરી યુગ પ્રવર્તક તથાગત ગૌતમ બુધ્ધ ભિખ્ખુઓ સાથે હળવે હળવે અંહી આવી રહ્યાં છે એવો ભાવ જન્મે છે. પગથિયા પર બેસી થાક ઉતારતા ઉતરતા આખોય નજારો મન ભરીને માણી શકો છો. ઊપર મળી ગયેલા છોકરાવને અન્ય ગુફાઓ અંગે પૂછતાં તેણે કહ્યું અંહીથી થોડીક દૂર છે પણ નીચે જવું પડશે ત્યાંથી ફરી પાછું ઊપર ચડવું પડશે.તમને ફાવે તો અંહીથી હજી ઊપર ચડી નીચે ઊતરતા બીજી ગુફાએ જવાય છે. અમે ઊપરનો જોખમી રસ્તો પસંદ કર્યો. હળવે હળવે અમે ટોચ પર પહોંચ્યા. ખરેખર અઘરું ચડાણ.સ્હેજ ભૂલ કરો એટલે પત્યું.ખૂબજ સંભાળી કયાંક કયાંક બેઠાં બેઠાં અમે બીજી ગુફાએ પહોંચ્યા.
આ ગુફા ખૂબજ ઊંડી છે. અંદરથી ખરબચડી છે. ગુફાની ડાબી બાજુ ધ્યાનની બેઠક છે. પ્રમાણમાં ધ્યાન બેઠક મોટી છે. આ ગુફાનુ તળિયુ માટીનું અને પોચું છે. વરસાદી પાણી ડુંગરની માટી સાથે અંદર આવતું હશે. બે હજાર વરસનો ઈતિહાસ ધરાવતી ગુફા જર્જરિત થઈ ચૂકી છે.અંદર અંધારું છે.ગુફાને સમયનો માર લાગી ચૂક્યો છે.આ ગુફાથી ત્રીજી ગુફા સ્હેજ નીચે છે. ઊતરવું કઠીન હતું.પરંતુ જોખમ માથે લયને પણ અમારે પહોંચવાનું હતું. અંહી આવેલી ગુફાઓથી આ ગુફા તદ્દન જુદી તરી આવે છે.અંહી જમણી બાજુંની દિવાલે ગુફાની અંદર અને બહાર પ્રવેશતા અષ્ટશીલ (શિલ્પ) ની કોતરણી જોવા મળે છે.
અંદરની બાજુની કોતરણી આછી આછી જળવાઈ રહી છે. જ્યારે બહારની બાજુ માત્ર આકાર દેખાય છે.આ ગુફામાં પ્રવેશતા પહેલાં 12×8 નું ફળિયા જેવું ખુલ્લું ચોગાન છે. આગળના ભાગે બે ચોરસ સ્તંભ છે. ગુફાની લંબાઈ, પહોળાઈ 12×5ની છે. એની અંદર પણ બીજી ગુફા આવેલી છે.
જે વિપશ્યના બેઠક છે. આ ગુફાએ પોતાની ઓળખ જાળવી રાખી છે. અંહી આવવા સુધી ક્યાંક ક્યાંક ડુંગરને કોતરી પગથિયા બનાવ્યા છે. જે આજે ઘસાય ચૂક્યા છે. ચોથી ગુફા જોવાની હામ રહી ન હતી.એ ડુંગરની પાછળના ભાગે આવેલી છે. સાંજ પડવાની તૈયારી હતી.તથાગત ગૌતમ બુધ્ધના ધમ્મ અષ્ટાંગિક સમ્યક માર્ગની જીવનલક્ષી અષ્ટ શીલ ની કોતરણી લોરની ગુફાની આગવી વિશિષ્ટતા છે.જે અન્ય ગુફાઓમાં જોવા મળતી નથી. અંહીના ભિખ્ખુ સામાન્ય નહી હોય તેની પ્રતિતિ કરાવે છે.
શાસ્ત્રની કહેવાતી પવિત્રતાની મિથ્યા ધારણા માંથી મુકત થવું અંધ વિશ્વાસ અને અલૌકિકતાનો ત્યાગ કરવો એટલે અષ્ટાંગિક માર્ગ પર સ્વતંત્ર મને ચાલવું.સમ્યક દ્રષ્ટિ, વાણી, કર્મ, સંકલ્પ, આજીવિકા,વ્યાયામ,સ્મૃતિ અને સમાધિના અષ્ટાંગીક માર્ગની ગુફામાં આલેખેલી શૈલી લોરની બૌધ્ધ ગુફાઓની આગવી વિશિષ્ટતા છે. અષ્ટશીલ (શિલ્પ) ના દર્શન કરી અમે વિદાય લીધી ત્યારે જોયું કે અહીં બૌધ્ધ ગુફાઓની જાળવણી માટે સરકાર અને પુરાતત્વ વિભાગનું રક્ષિત સ્મારક બોર્ડ કયાંય દેખાતું નથી કે પછી પુરાતન વિભાગે લગાવેલા રક્ષિત બોર્ડને કોઈએ ઊખાડી ને ફેકી દીધું હશે.એટલું ચોક્કસ અનુભવાયુ છે કે ભાવનગરથી લય છેક સોમનાથ પાટણ સુધીના વિસ્તારમાં આવેલી બૌદ્ધ ગુફાઓની જાળવણીનો અભાવ ઊડીને આંખે વળગે છે.સરકાર ધ્યાન આપે તેવી લાગણી અને માગણી છે.
ઈ. સ. પૂર્વે પહેલી સદીમાં બનાવવામાં આવેલી લોરની અષ્ટ શીલ (શિલ્પ) બૌધ્ધ ગુફાઓ બહુ ઓછી જાણીતી છે.પરંતુ અષ્ટ શીલ (શિલ્પ) ધરાવતી બેનમૂન બૌધ્ધ ગુફાઓ એના ભવ્ય ધમ્મ વારસાને જાળવીને ઊભી છે.બે હજાર વર્ષ પૂર્વેનો બુધમ્ શરણંમ ગચ્છામિનો ઘોષ મૌન બની ગુંજી રહ્યો છે.