વરુણા અને અસ્સીનદી (અસ્સી ઘાટ) ના કિનારે વસેલી બાબા વિશ્ર્વનાથની નગરિ એટલે વરુણા+અસ્સી= વારાણસી. વારાણસી બાયપાસથી લગભગ આઠ કિલોમીટર ગાજીપુર હાઇવે પર ચડીએ એટલે વિકાસ ઉડીને આંખે વળગે.સિમેન્ટની ચમચમાતી સડકો પર થઇ અને ભગવાન બુદ્ધની ઉપદેશ સ્થળી પર પહોંચ્યા. ત્યાં બહાર ક્યુઆર કોડ સ્કેન કરિ અને બધી માહિતી ભરો એટલે મોબાઇલ પર પ્રતિવ્યક્તિ 20 રુપિયાની એક ટીકીટ જનરેટ થાય અને અંદર પ્રવેશતાની સાથે જ એક ભવ્ય નામની તકતી દ્રષ્ટીગોચર થઇ .સારનાથમાં ધ્વનિ અને પ્રકાશ શો નું લોકાર્પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ ના હસ્તે 09 નવેમ્બર ,2020 ના દિવસે થયુ.તો બીજી તકતિ અંદર મુકતમાં ઉપલબ્ધ પાણી , પંખે બેસવાની સુવિદ્યા ઇત્યાદીની સાથે આખા સંકુલનો પથ્થરમાં કોતરેલો નકશો જેનુ શિર્ષક હતુ સારનાથના ઉત્ખનિત અવશેષોની મુખ્ય યોજના.સંકુલ ભારત સરકારના પુરાતત્વ ખાતા અંતર્ગત અવશેષોને શોધી એમાં ઘટતુ રિપેરીંગ કરિ અને મુલાકાતીઓને બાગ બગીચા અને વન્ય જીવસૃષ્ટીના અભ્યારણ યુકત છે.
જેમાં મુખ્યત્વ ધમેખ સ્તૂપ , ધર્મરાજિકા સ્તૂપ , મૂલગંધ કુટી વિહાર, વિહાર 1 થી 7 , પંચાયતન મંદિર , અશોક સ્તંભ, અર્ધવૃતાકાર મંદિર ઇત્યાદી આવેલા છે.ડો.આંબેડકરે સંત ગાડગેબાબાના માર્ગદર્શનથી હિન્દુ ધર્મનો અભિન્ન હિસ્સો એવો બૌદ્ધ સંપ્રદાય સ્વીકાર્યો એના પ્રવર્તક ભગવાન બુદ્ધની તપોસ્થલી અને ઉપદેશ સ્થલી એટલે સારનાથ.અહીં ભગવાન બુદ્ધની સાથે જૈનોના તીર્થંકર ભગવાન શ્રેયાંસનાથનું મંદિર આવેલુ છે.તો સાંભળવા મળેલી વાત પ્રમાણે ભગવાન શિવ અને એમના સાળા બંન્નેનું લીંગ એક સાથે જ્યાં જોવા મળ્યુ એ ભગવાન સારનાથ મહાદેવનું પણ નયનરમ્ય મંદિર અહીં સ્થિત છે.
સારનાથ ભગવાન બુદ્ધના જીવનકાલના સંદર્ભમા ચાર મુખ્ય તિર્થસ્થળોમાં નું એક છે.બૌદ્ધ ગયામાં જ્ઞાન પ્રાપ્તિ પશ્ર્ચાત એમણે એમના પ્રથમ પાંચ શિષ્યોને આ જ સ્થાન પર પ્રથમવાર ધર્મોપદેશ કર્યો.જેનું ધર્મચક્ર પ્રવર્તનના નામથી બૌદ્ધ સાહિત્યમાં વર્ણન મળે છે.અહીં પર સ્વયં ભગવાન બુદ્ધે પ્રથમ બૌદ્ધસંઘની સ્થાપના કરિ હતી.બૌદ્ધગ્રંથોમા આ સ્થાન માટે રુષિપત્તન અથવા ઇસિપત્તન અને મૃગદાવ અથવા મૃગદાય ઇત્યાદિ નામોનું વર્ણન મળે છે.આ સ્થાનનું આધુનિક નામ નિકટસ્થ મહાદેવ મંદિર સારંગનાથ ( મૃગોના સ્વામી ) તરિકે ઉદ્વત થયેલુ જોવા મળે છે.અહીં આજ કારણથી સરકારશ્રી દ્રારા ઘોષિત વન્ય અભ્યારણમાં પુરતા પ્રમાણમાં હરણાઓ (મૃગ) જોવા મળ્યા.જૈન ધર્માવલંબીઓ માટે પણ અગિયારમા તિર્થંકર તરિકે ભગવાન શ્રેયાંસનાથની તપોસ્થલી આજ સ્થાન પર આવેલી હોય ભગવાન સારનાથ તેમા પણ સમાનરુપથી પવિત્ર તિર્થસ્થાન છે.સર્વપ્રથમ સન 1798 મા મિ.ડંકન અને કર્નલ મેકેન્નજીએ આ સ્થાનના પુરાતત્વિય મહત્વ ઉપર પ્રકાશ પાડયો.ત્યારપછી વિવિધ ઉત્ખનન કર્તાઓએ અનેક ચરણોમાં અહીં ઉત્ખનન કાર્ય કર્યુ.
જેમાં એલેકઝાન્ડર કનિંઘમ (1835-36) , મેજર કિટ્ટો (1851-52), એફ.ઓ.ઓરટેલ ( 1904-05) , સર જોન માર્શલ (1907) , એમ.એચ.હરગ્રીવ્ઝ (1914-15) ત્થા દયારામ સાહની આમા પ્રમુખ ઉત્ખનન કર્તાઓ હતા.જેના પરિણામ સ્વરુપ ઇસા પૂર્વની ત્રીજી શતાબ્દી થી લઇ ઇસ.પૂર્વ બારમી શતાબ્દીમા નિર્મિત અનેક વિહાર સ્તૂપ , મંદિર , અભિલેખ , મૂર્તિ શિલ્પ અને અન્ય અવશેષો વિલુપ્ત થઇ ગયા.જેમા ધર્મરાજિકા સ્તૂપ , ધમ્મેખ સ્તૂપ , મૂલગંધ કુટી , અશોક સ્તંભ – સિંહશિર્ષ સમેત , ધર્મચક્ર- જિન વિહાર , અન્ય સંધારામ , બહુસંખ્ય મનૌતિ સ્તૂપ ત્થા અનેક મૂર્તિઓ સામેલ છે.આ સ્થાનની નજિક જ પુરાતત્વ દ્રારા સંચાલિત સ્થાનિય પુરાતત્વ સંગ્રહાલય જેમા આ સ્થળે ખોદકામથી પ્રાપ્ત મૂર્તિઓ તેમજ ત્થા અન્ય પુરાતત્વિય વસ્તુઓ અત્રે પ્રદર્શન માટે મુકવામાં આવી છે.જે ભગવાન બુદ્ધ અને તત્પશ્ર્ચાત સમ્રાટ અશોકના સમયમાં ભારતનો વૈભવ અને ભગવાન બુદ્ધ પ્રત્યેનો અનુરાગ આ બધા અવશેષો જોતા પ્રતિત થાય છે.જેમાની મોટાભાગની કલાકૃતિઓને ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્રારા એના મૂળ સ્વરુપને જાળવી અને પૂન:નિર્મિત કરવામાં આવી છે.
અહીં સ્થિત અશોક સ્તંભ ચક્રવર્તિ સમ્રાટ અશોક દ્રારા ઇ.સા.પૂર્વ 272 થી 232 દરમ્યાન 15.25 મીટર ઉંચાઇનો એક જ ચુનાના પથ્થરમાંથી બનાવવામાં આવેલો પિલ્લર છે.નળાકારનો નીચેથી પહોળાઇ 0.71 મીટર અને ઉપર જતા એનો વ્યાસ 0.56 જેટલો સાંકડો શંકુ આકારમાં પરિવર્તિત થાય છે.ચાર સિંહની આકૃતિ આ સ્તુપ પર જડવામાં આવી હતી જે મૌર્ય શાસનની બેનમુન કલાકૃતિ આજે વર્તમાનમાં ભારત સરકારની રાજમુદ્રા છે. આ સ્તંભ ઉપર ત્રણ શિલાલેખ આવેલા હતા.જેમાં પ્રથમ ઉપર અશોકનો મોર્યા બ્રાહ્મી લીપીમાં અધ્યાદેશ હતો જેમા સાધુ-સાધ્વીઓને સંઘમાં અંદરો અંદર વાદ વિવાદ ઉપર મનાઇ કરવામાં આવી હતી.બીજામાં કૌસાંબીના કુશાન રાજા અશ્ર્વઘોષના ચાલીસમાં વર્ષના શાસન વિષયક અને ત્રીજામાં પરાપૂર્વેની ગુપ્તવંશની બ્રાહ્મી લીપીમાં વાસ્તિપુત્રકના સામિત્યક સંપ્રદાયના શિક્ષકો વિષયક આલેખ કોતરાયેલો હતો.
મૂલગંધ કુટી , આ સ્થાન સંભવત ભગવાન બુદ્ધના ધ્યાન-સાધના પર નિર્મિત એક વિશાળ મંદિરનો એક ભગ્નાવશેષ છે. ચીન યાત્રી હવેનસાંગના મંતવ્ય અનુસાર એની ઉંચાઇ લગભગ 61 મીટર હતી , એની જાડી દિવાલો પરથી મંદિરની ભવ્યતાની એક કલ્પના કરિ શકાય છે.18.29 મીટર ભુજાવાળા વર્ગાકાર આધાર પર બનેલા આ મંદિરનુ પ્રવેશદ્રાર પૂર્વ દિશા તરફ દ્રષ્ટીગોચર થાય છે જેની સામે આયતાકારે મંડપ અને વિશાળ પ્રાંગણ હતુ.સ્થાપત્ય , અલંકૃત ઇંટો એની બાંધણી વગેરે પરથી એ ગુપ્તવંશ દરમ્યાન નિર્મિત થયાનુ મનાય છે.
ધમેખસ્તૂપ , આ સ્તૂપના ઉત્ખનનથી પ્રાપ્ત સન 1026 ના દસ્તાવેજો અનુસાર એનુ પ્રાચિન નામ ધર્મ-ચક્ર સ્તૂપ હતુ.આ સંભવત: એ સ્થાનનું સુચક છે જયાં ભગવાન બુદ્ધે પ્રથમ વખત તેના શિષ્યોને ઉપદેશ કર્યો હતો.એના શિખરના મધ્યમાં એલેકઝાન્ડર કનિંઘમે ધાતુ મન્જુષાની શોધમાં લમ્બવત ઉત્ખનન કર્યુ હતુ.જેમા એને શિખરથી લગભગ 3.20 મીટર નીચે એક અભિલેખયુકત પટ્ટ પ્રાપ્ત થયો હતો.જેમાં છઠ્ઠી-સાતમી શતાબ્દીનો બ્રાહ્મી ભાષામાં લખેલો બૌદ્ધમંત્ર ’યે ધમ્મ હેતુ પ્રભવા..’ લખેલુ હતુ.અંદરના ભાગમાં ઘણુ નિચે ઇંટ માંથી બનેલુ મૌર્ય કાલીન સ્તૂપ અવશેષો પણ મલ્યા હતા.વર્તમાન સ્વરુપ ગુપ્તકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.આ લંબાકાર ઠોસ સ્તૂપના આધારનો વ્યાસ 28.5 મીટર ત્થા ઉંચાઇ લગભગ 33.35 મીટર ,ભુમિગત ભાગ સહિત કુલ ઉંચાઇ લગભગ 39.05 મીટર છે.આધારથી 7.5 મીટરની ઉંચાઇ પર આઠો દિશામાં આઠ આલા બનેલા છે.જેમા સંભવત: બુદ્ધની પ્રતિમાઓ રાખવામાં આવી હશે.જેની નીચે સુરુચી ઢંગથી પત્રવલ્લરી , પટ્ટીકાઓ , જયોતિર્મય સ્વસ્તિક ,માનવ અને પક્ષીની સુંદર કલાકૃતિઓ અલંકારિક રિતે ઉત્કિર્ણ થાય છે.
જૈન ઘર્મ ના તિર્થઁકર ભગવાન શ્રેયાંસ નાથ , ધર્મરાજિકા સ્તૂપ , ભગવાન સારનાથ મહાદેવ વગેરે વિષયક બૌદ્ધકાલીન શાંતિ અને ત્યાગનો ઉપદેશ અને ચક્રવર્તિ સમ્રાટ અશોક દ્રારા નિર્મિત આ સ્થાનની વધારે માહિતી આવતા અંકે મેળવીશુ , તો કાશિ વિશ્ર્વનાથ મહાદેવની યાત્રા વિષયક માહિતી અબતકના વાચકો માટે આંખો દેખી વાંચીશુ.ડો.આંબેડકરે જે ભગવાન બુદ્ધના ચરણોનું જીવનનાં અવલંબન કર્યુ અને આજે આપણા લાખો કરોડો અનુ.જાતિના બંધુઓ જે ભગવાન બુદ્ધને અનુસરે છે , તેના માટે ભગવાન બુદ્ધ , સમ્રાટ અશોક અને બાબાસાહેબનું સત્ય દર્શન જેનાથી ચીન ,જાપાન , કોરિયાના દેશો પ્રભાવિત થયા અને આજે વિદેશોમાંથી લાખો શ્રદ્ધાળુઓ જે ભૂમિ પર આવી અને તપશ્ર્ચર્યા દ્રારા શાંતિ – પ્રેમ અને અહિંસાની પ્રેરણા પ્રાપ્ત કરે છે એ સત્યનું દર્શન એકવાર ખરેખર કરવુ જોઇએ.લેભાગુઓ દ્રારા ભગવાન બુદ્ધના સંદેશનું અર્થઘટન જે પોતાના સ્વાર્થ અનુસાર કરે છે એની સામે સત્ય પ્રસ્તુત કરવા માટેની આ યાત્રા. (ક્રમશ:)