સોળે કળાએ ખીલેલા ચંદ્ર ‘ફુલ મુન’ ભગવાન બુદ્ધ જયંતીની પ્રાકૃતિક વધામણી આપે છે
બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી એટલે માનવ જાતને સત્ય, અહિંસા અને સદાચારના સંસ્કારોની દિક્ષા
ક્રોધ પર કાબુ, સત્ય વકતા અને વાસ્તવિક વર્તમાનમાં જીવવાની પ્રેરણા માનવ જાત માટે ચિરકાલીન આશિર્વાદરૂપ બની રહેશે
બુદ્ધ પૂર્ણિમાનો દિવસ માત્ર શુભેચ્છા અને સંદેશા, ગ્રીટીંગ કાર્ડ અને ભગવાન બુદ્ધના ચિત્રોની આપ-લે પુરતી સીમીત ન રહેવી જોઈએ. રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમમાંથી ભગવાન બુદ્ધ સુધીની આધ્યાત્મિક યાત્રામાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે સિદ્ધાર્થને કેવલ જ્ઞાનની અનુભુતિ થઈ હતી અને તે બુદ્ધ બન્યા હતા.
રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમનો જન્મ રાજ ઘરાનામાં થયો હતો. રાજકુમાર તરીકે શાંત, સરળ અને આધ્યાત્મિક, આત્મીય વારસા ધરાવતા સિદ્ધાર્થ ગૌતમને માનવ યાતનાઓ જોઈ દુ:ખની અનુભૂતિ થઈ અને ત્યારથી જ બાળપણથી તેમણે સત્યનો માર્ગ અપનાવ્યો. પોતાની કોઠાસુઝથી ભૌતિક સમૃધ્ધી અને રાજઘરાનાના દિવ્ય સંસ્કારો હોવા છતાં સાદગીનો આત્મીય સંચાર કરી તેમણે કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું.
માત્ર જાહોજલાલી અને રાજઘરાનાનું વૈભવ છોડીને સંન્યાસી ન બન્યા તેમણે અંત સુધી પ્રભુ પ્રાપ્તિની સફળતા મેળવી. બૌદ્ધ ગયામાં કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ઉત્તરપ્રદેશના કૃષિનગરમાં દેહત્યાગ કર્યો. બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી બૌદ્ધિસ્ટ સમુદાયમાં દેશમાં અલગ અલગ રીતે થાય છે. બૌદ્ધ ગયા, સારનાથ, કૃષિનગર, લદ્દાખ, અરૂણાચલ પ્રદેશ, સિક્કીમ અને નોર્થ ઉત્તર બંગાળમાં બુદ્ધિસ્ટ સમુદાયો અલગ અલગ રીતે ઉજવણી કરે છે.
બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધના જીવન મંત્રો, સંદેશાઓ, ગ્રીટીંગ કાર્ડ, તસ્વીરો અને સુવિચારોના માધ્યમથી ભગવાનને યાદ કરવામાં આવે છે પરંતુ ભગવાને જે સંદેશા અને મંત્ર માનવ જાતને આપ્યા તેનું આચરણ કરીને ભગવાનને યાદ કરવા જોઈએ.
ભગવાન બુદ્ધે આપેલા કેવલ જ્ઞાનના આચરણ જો જીવનમાં ઉતરી જાય તો માનવ જીવતે જીવ માનવ બની જાય
ભગવાન બુદ્ધે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી સત્ય, અહિંસા, સદાચારના માર્ગે માનવજાતને સભ્ય સંસ્કૃતિ તરફ વાળ્યા. ભગવાને આપેલા જીવનમંત્રો જો આચરણમાં આવી જાય તો માનવ ખરા અર્થમાં મહામાનવ બની જાય.
- આરોગ્ય કુદરત તરફથી મળેલી અમુલ્ય સંપતિ છે અને વિશ્ર્વાસ સૌથી ઉત્તમ સંબંધ છે.
- મગજ સર્વશ્ર્વ છે, તમે જેવું વિચારશો તેવા બની જશો.
- હિંસાથી હિંસા સમતી નથી પરંતુ પ્રેમ જ હિંસાનું સમાધાન છે.
- ક્યારેય ભૂતકાળમાં રાચતા ન રહો, ભવિષ્યના સપના ન જુઓ, વર્તમાન સત્ય છે તેના પર જ મગજ લગાવો, વર્તમાનથી જ ભવિષ્ય બને છે. આજની ક્ષણ જ સનાતન છે.
- ત્રણ વસ્તુઓ ક્યારેય છુપી રહેતી નથી, સૂર્ય, ચંદ્ર અને સત્ય.
- અગ્નિ, પવન, જીવન કે મૃત્યુ જેનો ક્ષય નથી કરી શકતા તે છે સતકર્મ
- જીવનમાં શાણપણથી રહેનારને મૃત્યુ પણ ભયભીત કરી શકતું નથી.
- એક મીણબત્તીથી હજારો મીણબત્તીઓ રોશન કરી શકાય છે, તેમ છતાં તેનું જીવન ઘટતું નથી, સુખ વહેંચવાથી ક્યારેય ઓછુ થતું નથી.
- જો તમે બ્રહ્માંડમાં કોઈ એવી વ્યક્તિને શોધતા હોય કે જે તમારા પ્રેમની પ્રતિક્ષામાં હોય તો તમે ક્યાંય બીજે તલાશ કરોમાં, તમે પોતે જ છો કે જે તમારા પ્રેમની અને લાગણીની જરૂરીયાતવાળા હોય.
- ગુસ્સે રહેનાર વ્યક્તિ ગરમ ધગધગતા અંગારા જેવું છે, તેને ગમે ત્યાં-ગમે તે બળવા માટે ફેંકી દે છે.
- શરીરને આરોગ્યપ્રદ રાખવાની ફરજ છે, નહીંતર આપણે આપણું મગજ સ્પષ્ટ અને દ્રઢમનોબળવાળુ રાખી ન શકીએ.
- જે લોકો મુક્તિ વિચારો ધરાવતા હોય તેને અવશ્ય શાંતિ પ્રાપ્ત થાય છે.
- હજ્જારો યુદ્ધ જીતવા કરતા તમારી જાત પર કાબુ મેળવવો વધુ સારો છે, આ વિજય તમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે. ફરિસ્તા કે દેવ પણ તમને પરાજીત નહીં કરી શકે.
- યુદ્ધથી યુદ્ધ નહીં પરંતુ પ્રેમથી જ કલ્યાણ થાય છે.
- જીવનયાત્રામાં બે જ ભુલ શકય છે. એક સત્ય દરેક રસ્તે આગળ વધતું નથી અને તે દરેક જગ્યાએથી શરૂ થતું નથી.