રાજકોટ શહેરમાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમજ કથડેલી કાયદો અને વ્યવસ્થાથી ચોરી, મારામારી અને હત્યા જેવા બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઠંડીના માહોલમાં તસ્કરોએ પોલીસને ગરમી ચડાવી દીધી છે. ગત્ મોડી રાતે શહેરના સામા કાંઠે આવેલા સંત કબીર રોડ પર ઇમિટેશન માર્કેટમાં ગાયત્રી કોમ્પ્લેક્ષમાં ત્રણ બુકાનીધારીઓ ત્રાટકી રોકડ રૂ.9.50 લાખની ચોરી કરી નાસી છૂટતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. સીસીટીવી ફુટેજના આધારે બુકાનીધારીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છેબનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ , એસસોજી, બી ડિવિઝન પીઆઈ સહિતનો ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી જય ટીમો બનાવી તસ્કરોનું પગેરૂ દબાવ્યું છે.
મોડીરાત્રે સંતકબીર રોડ પર ઇમિટેશન માર્કેટમાં ચાર દુકાનને નિશાન બનાવી ગુનાને આપ્યો અંજામ
સી.સી. ટી.વી. કુટેજમાં ત્રણ શખ્સો કેદ: બી ડીવીઝન, ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી. અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો
બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, સંતકબીર રોડ પર આવેલ ઇમિટેશન માર્કેટમાં ગાયત્રી કોમ્પ્લેક્ષમાં ડેનિશા સેલ્સ, મિતલ જવેલર્સ અને ગણપતિ સેલ્સ નામની દુકાન આવેલી છે. આજે સવારે આસપાસ ડેનિશા સેલ્સના માલિક ગૌતમભાઈ અરવિંદભાઈ મહેતા (રહે. સંત કબીર રોડ ડી માર્ટ પાછળ, ક્રિસ્ટલ સીટી કોમ્પ્લેક્ષ) પોતાની દુકાને આવી દુકાન ખોલી જોતાં ટેબલના ડ્રોવરમાં સમાન વેરવિખેર પડેલ જોવા મળતાં તપાસ કરી તો તેમાં રાખેલા રૂ. સાત લાખ રોકડા જોવા મળેલ ન હતાં અને ચોરી થયાની જાણ થઈ હતી.
બાદ બાજુમાં આવેલ મિતલ જવેલર્સના માલિક ભાવેશભાઈ ઘોડાસરાએ પોતાની દુકાનમાં તપાસ કરતાં તેમાંથી પણ રોકડ રૂ.1.50 લાખની ચોરી થયાનું સામે આવ્યું હતું.બાજુમાં આવેલા કોમ્પ્લેક્ષમાં આવેલ ગણપતિ સેલ્સના માલિક ભરતભાઇ પ્રજાપતિની દુકાનમાંથી પણ રોકડ રૂ.1 લાખની ચોરી થયાની જાણ થઈ હતી. બનાવ અંગે પોલીસને જાણ કરતાં બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ ટીમ સાથે દોડી આવ્યા હતાં. આ બનાવ જાણ થતા ગંભીરતાને ધ્યાને લઇ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-2 સજ્જનસિંહ પરમાર, એસીપી ક્રાઇમ ભરત બસિયા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વેપારીની ફરિયાદ નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો.
વધુમાં ડીસીપી સજ્જનસિંહ પરમારે જણાવ્યું હતું કે, બુકનીધારી કોમ્પ્લેક્ષની પાછળ આવેલ નવી બાંધકામ સાઈટ પરથી કોમ્પ્લેક્ષના છત પર ચડી બારી તોડી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપ્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. સીસીટીવી ફુટેજમાં ત્રણ બુકનીધારી જોવા મળતા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.