કર્મચારીઓ અને વીઆરએસનાં અધિકારીઓનાં હિતોનું રક્ષણ કરવા એયુએબીની બેઠકમાં લેવાયો આંદોલનનો નિર્ણય
બીએસએનએલનાં કર્મચારીઓ તેમજ વીઆરએસનાં અધિકારીઓનાં હિતોનું રક્ષણ કરવા અર્થે એયુએબીની બેઠક મળી હતી જેમાં વિવિધ સંગઠનોનાં પ્રતિનિધિઓની મોટી સંખ્યામાં હાજરી રહી હતી. હાલની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈને આ બેઠકમાં આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ આગામી ૨૦મીથી બીએસએનએલનાં કર્મચારીઓ દ્વારા ૩ દિવસની ભુખ હડતાલ કરવામાં આવનાર છે.
બીએસએનએલનાં એયુએબીની મળેલી બેઠકમાં બીએસએનએલઈયુ, એનએફટીઈ, એસએનઈએ, એએઆઈબીએસએનએલઈબી, એફએનટીઓ, બીએસએનએલએમએસ, એસએનએ, ટીટીએ, બીએસએનએલ એટીએમ અને બીએસએનએલઓએનાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ઓકટોબરનાં પગારની ચુકવણીમાં બીએસએનએલ મેનેજમેન્ટે કોઈ પગલું ભર્યું નથી તે અંગેની ગંભીર ચિંતા આ બેઠકમાં વ્યકત કરવામાં આવી હતી.
વધુમાં પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, કર્મચારીઓને છેલ્લા ૬ મહિનાથી તેમનાં પગારમાંથી વસુલાતની રકમ ન મોકલવાનાં કારણે અગણિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં બેઠકમાં ૪-જી સેવા તાત્કાલિક શરૂ કરવામાં આવે બીએસએનએલ મેનેજમેન્ટની અસમર્થતા અંગે ઉંડી વ્યથા વ્યકત કરવામાં આવી હતી. વીઆરએસનાં નામે કર્મચારીઓને દબાણ અને કઠોરતા હેઠળ મોટાપાયે ઘરે મોકલી દેવામાં આવી રહ્યા છે. વાસ્તવિકતામાં તે ફોર્સ રીટાયરમેન્ટ સ્કીલ બની ગઈ હોવાનું પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. ઉપરાંત તેઓએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે કર્મચારીઓને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે કે તેમની નિવૃતિ વય ઘટાડીને ૯૮ વર્ષ કરવામાં આવશે.
વીઆરએસનો વિકલ્પ ૬૦ વર્ષની વયે થાય ત્યારે જ પેન્શન, કમ્યુશન મેળવી શકાય છે જોકે હાલમાં નિયમો મુજબ નિવૃતને નિવૃતિ પછીનાં એક વર્ષની અંદર પેન્શન કમ્યુશન માટે અરજી કરવાની રહે છે નહીંતર તેણે તબીબી તપાસ કરવી પડશે આ મુદ્દો બધા વીઆરએસ ઓપ્ટી માટે ખુબ જ મોટી સમસ્યા ઉભી કરી રહ્યો હોવાનું પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. જો વીઆરએસ ઓપ્ટીનું ૬૦ વર્ષની વયે અવસાન થાય તો તેનાં પરિવારને પેન્શન કમ્યુશનનો લાભ મળશે નહીં. આનાથી વીઆરએસ ઓપ્ટીનાં પરીવારને મોટુ નુકસાન થઈ રહ્યું હોવાનું પ્રતિનિધિઓએ બળાપો વ્યકત કર્યો હતો. આ તમામ મુદાઓને ઉકેલ્યા વિના જ કર્મચારીઓને વીઆરએસ પસંદ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. ધરખમ વીઆરએસ પછી કામનાં ભારનો સામનો કેવી રીતે કરવામાં આવશે અથવા કંપનીનું બંધારણ શું હશે તે મુદ્દે મેનેજમેન્ટ યુનિયન અને એસોસીએશનો સાથે અગાઉથી આ બધા મુદાઓની ચર્ચા કરવાની તસ્દી હજુ સુધી લેવાઈ નથી. આમ આ તમામ મુદાઓ વિશે બેઠકમાં ગ્રહણ ચર્ચા કર્યા બાદ આગામી તા.૨૦/૨૧ અને ૨૨નાં રોજ ભુખ હડતાલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ કોર્પોરેટ ઓફિસ અને જિલ્લા કક્ષાએ કર્મચારીઓ ભુખ હડતાલ પર જોડાશે.