ટીવીએસ કંપનીએ પોતાના ટુ વ્હીલર મોડલોમાં રૂ.૧૧ હજાર સુધીના ડીસ્કાઉન્ટની જાહેરાત કરીને શરૂ કર્યું લોકડાઉન વચ્ચે ઓનલાઈન બુકીંગ
વિકસતા જતા ભારતમાં વાહનોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે વાયુ પ્રદુષણની માત્રામાં પણ સતત ભારે વધારો થઈ રહ્યો છે જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં વપરાતા બીએસ-૩ ટેકનોલોજીવાળા વાહનોની જગ્યાએ ઓછુ વાયુ પ્રદુષણ ફેલાવતા બીએસ ૬ ટેકનોલોજીવાળા વાહનો બનાવવા વાહન કંપનીઓને આદેશ કર્યો હતો બીએસ ૪ ટેકનોલોજીવાળા વાહનોની ૩૧ માર્ચ એટલે કે આજ સુધી જ નોંધણી કરવામાં આવનારી હતી.
દેશવ્યાપી લોકડાઉનના કારણે તમામ વાહન કંપનીઓ પાસે બીએસ ૪ વાહનોનો મોટી સંખ્યામાં વેચાયા વગરના પડયા રહેતા વાહન કંપનીઓનાં ફેડરેશને સુપ્રીમ કોર્ટમાં સમય વધારો આપવા દાદ માંગી હતી જેથી સુપ્રીમ કોર્ટે બીએસ ૪ વાહનો વેચવા માટે લોકડાઉન બાદ ૧૦ દિવસનો એટલે કે ૨૪ એપ્રીલ સુધીનો સમય વધારો આપવાની સાથે દરેક કંપનીના માત્ર ૧૦ ટકા વાહનો જ વેચવાની છૂટ આપી છે. જેથી બીએસ ૪ ટેકનોલોજીવાળા ૯૦ ટકા વાહનો ભંગાર થઈ જવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
જેથી આવા ૯૦ ટકા વાહનો ભંગાર થઈ જવાની ભીતિએ મોટાભાગની ટુ વ્હીલર કંપનીઓએ તેમના વિવિધ મોડલોના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. દેશની અગ્રણી ટુ વ્હીલર કંપની ટીવીએસે તેના બીએસ ૪ ટુ વ્હીલરના વિવિધ મોડલો પર ૧૧ હજાર રૂ. સુધીના ડીસ્કાઉન્ટની જાહેરાત કરી છે. ટીવીએસના સ્કુટી, એકસએલ ૧૦૦ વગેરે મોપેડ મોડલમાં ૭૫૦૦ રૂ. સુધીના ડીસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જયારે બાઈક અપાચે આરઆર ૩૧૦ મોડલ પર ૧૧ હજાર રૂ. સુધીનું ડીસ્કાઉન્ટ જાહેર કર્યું છે.
લોકડાઉનના કંપનીના દેશભરમાં આવેલા તમામ શો રૂમો બંધ હોય કંપનીએ ગ્રાહકો મોટે ઓનલાઈન બુકીંગની સુવિધા ઉપલબ્ધ કરાવી દે જેમાં કંપનીની વેબસાઈટ પર જઈને ઓનલાઈન બુકીંગ કરાવીને ગ્રાહકો આ ડીસ્કાઉન્ટના ભાવે નવા વાહનોની નોંધણી કરાવી શકશે લોકડાઉન ખૂલ્યા બાદ કંપની નોંધણી કરાવનારા ગ્રાહકોને ડીસ્કાઉન્ટ સાથે તેમને નોંધાવેલા વાહનની ડીલેવરી આપશે.
ટીવીએસ કંપનીની આ પહેલ બાદ હવે દેશની બીજી ટુ વ્હીલર કંપનીઓ પણ પોતાની પાસે રહેલા બીએસ ૪ ટેકનોલોજીવાળા વાહનોને વેંચવા માટે ભારે ડીસ્કાઉન્ટ જાહેર કરે તેવી સંભાવનાઓ વ્યકત થઈ છે.
જેનાથી નવા વાહનો ખરીદવા ઈચ્છતા લોકો માટે ચાંદી ચાંદી થઈ જવાની સ્થિતિ નિર્માણ થા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશની તમામ વાહન કંપનીઓ પાસે આશરે ૨૫૦૦ કરોડ રૂના પાંચ લાખ જેટલા બીએસ ૪ ટેકનોલોજીવાળા વાહનો વેંચાયા વગરના પડયા છે. તેને વેચવા માટેનો ૩૧ માર્ચ સુધીનો સમય હતો. પરંતુ લોકડાઉનના કારણે દેશવ્યાપી શોરૂમો બંધ થઈ જતા વાહન કંપનીઓનું વેંચાણનું ગણીત બગડી જવા પામ્યું હતુ. લોકડાઉન ખૂલ્યા બાદ ૧૦ દિવસમાં આ વાહનો વેચવાની છૂટ સુપ્રીમ કોર્ટે આપી હોય તમામ વાહન કંપનીઓ વચ્ચે પોતાના મોડલો પર ભારે ડિસ્કાઉન્ટ આપવાની હોડ લાગવાની સંભાવના બજારનાં નિષ્ણાંતો વ્યકત કરી રહ્યા છે.