- ગુમ થયા બાદ સવારે મેલડી માતાજીના મંદિર પાસેથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી
- હત્યા કોને અને શા માટે કરી પોલીસની વિવિધ દિશામાં તપાસ
શહેરની ભાગોળે આવેલા ઠેબચડા-ગઢકા રોડ પર આવેલા મેલડી માતાજીના મંદિર પાસેથી રાજકોટના યુવાનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા આજી ડેમ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી હત્યા કોને અને શા માટે કરી તે અંગે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ગઢકાના વતની અને આજી ડેમ ચોકડી નજીક આવેલા યુવરાજનગરમાં રહેતા કરમશીભાઇ રૂખડભાઇ રાઠોડ નામના 40 વર્ષના દેવીપૂજક યુવાનની અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાની તેમની પત્ની હીનાબેન રાઠોડે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વ્યાજના ધંધાર્થી કરમશીભાઇ રાઠોડ ગઇકાલે ગુમ થયા અંગેની હીનાબેન રાઠોડે આજી ડેમ પોલીસમાં ગુમ નોંધ લખાવી હતી. પોલીસ દ્વારા કરમશીભાઇ રાઠોડની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન હીનાબેન રાઠોડ પણ પોતાની પતિની ભાળ મેળવવા વતન ગઢકા ગયા હતા તે દરમિયાન ગઢકા-ઠેબચડા રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે લોહીથી ખરડાયેલી હાલતમાં લાશ પડી હોવાની જાણ થતા હીનાબેન મેલડી માતાજીના મંદિરે તપાસ અર્થે ગયા હતા.
મેલડી માતાજીના મંદિર પાસે મળી આવેલી લાશ કરમશીભાઇ રાઠોડની હોવાનું અને તેના પર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યાની આજી ડેમ પોલીસમાં જાણ કરતા પી.આઇ. વી.જે.ચાવડા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. હીનાબેન રાઠોડની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી હત્યા કોને અને શા માટે કરી તે દિશામાં તપાસ હાથધરી છે.મુળ ગઠકાના વતની કરમશીભાઇ રાઠોડની હત્યાની જાણ ગઠકા ગામમાં થતા તેમના સગા-સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં ગામજનો મેલડી માતાજીના મંદિર ખાતે દોડી ગયા હતા. કરમશીભાઇ રાઠોડે તેના મોબાઇલમાંથી છેલ્લે કોની સાથે વાત કરી હતી તેમજ તેમને કોની સાથે અદાવત ચાલતી હતી તે અંગે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.