- જુની અદાવતમાં કોંગી અને મુસ્લિમ અગ્રણી હારૂન પલેજા રોઝુ છોડે તે પૂર્વે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા: હાલારમાં વધુ એક વકીલના ખુનથી હડકંપ
- 15 શખ્સો તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું: એસ.પી. પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જયવિરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો
જામનગરમાં બુધવારે સાંજે બેડી વિસ્તારમાં કોંગ્રેસી નેતા અને એડવોકેટનું સરાજાહેર ઢીમ ઢાળી દેવામાં આવતા સનસનાટી મચી ગઇ છે.
જામનગરના બેડી વિસ્તારમાં મુસ્લિમ આગેવાન રોઝુ છોડવા જઇ રહ્યા હતા. આ વેળાએ તેમના પર પ્રથમ પથ્થરમારો બાદ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા વકીલે ટૂંકી સારવારમાં દમ તોડ્યો છે. આ અંગે જાણ થતા એસપી પ્રેમસુખ ડેલું સહિતનો પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. જુના અદાવતનો ખાર રાખી હત્યાના વારદાતને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે સીટી બી ડિવિઝન પોલીસે 15 કુખ્યાત શખ્સો સામે ફરિયાદ નોંધી છે.
જામનગર જિલ્લામાં સનસનાટી મચાવતી આ ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા અને વકીલાત કરતા હારુન પાલેજા ગઇકાલે સાંજના સમયે પોતાનું મોટર સાયકલ બુલેટ લઈ બેડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ રોઝુ છોડવા માટે જઈ રહ્યા હતાં ત્યારે ટોળાએ તેમની પર પથ્થર મારો કર્યો હતો. બાદમાં હારુનભાઈ બાઇક પરથી નિયંત્રણ ગુમાવી દેતા તેઓ જમીન પર પટકાયા હતા. આ દરમિયાન અજાણ્યાં શખ્સોએ તેમને આંતરી તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા હારુન પાલેજાને તાત્કાલીક જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાના પગલે જામનગર એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પર પહોંચી ગયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બસીર જુસબ સાઈચા, ઇમરાન નૂરમામદ સાઇચા, રમજાન સલીમ સાઇચા, સિકંદર નૂરમામદ સાઇચા, રિઝવાન ઉર્ફે ભૂરો અસગર સાઇચા, જાબીર મહેબૂબ સાઇચા, દિલાવર હુસેન કકલ, સુલેમાન હુસેન કકલ,ગુલામ જુસબ સાઈચા, એજાઝ ઉંમર સાઇચા, અસગર જુસબ સાઈચા, મહેબૂબ જુસબ, સાઈચા, રજાક ઉર્ફે સોપારી, ઉંમર ઓસમાણ ચમડિયા, સબીર ઓસમાણ ચમડિયાની સામે ગુન્હો નોંધાયો છે. હારૂન પાલેજાની હત્યાના વિરોધમાં જામનગરના વકીલ મંડળ દ્વારા આવતીકાલે કોર્ટ કામગીરીથી અળગા રહેવાની જાહેરાત કરી છે. હત્યાના બનાવને અંજામ આપી નાશી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
જામનગરમા વકીલની હત્યાની ઘટનાએ કોઈ નવી બાબત નથી. આ અગાઉ વર્ષ 2018માં વકીલ કિરીટ જોશીની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં કુખ્યાત જયેશ પટેલની ગેંગની સંડોવણી સામે આવી હતી. જામનગરમાં વકીલાત કરતા અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હારૂન પાલેજા હાલ સિક્કા નગરપાલિકાના પ્રભારી તરીકે કાર્યરતા હતા. જ્યારે તેમના ભત્રીજા નુરમામદ પાલેજા હાલ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસના કોર્પોરેટર તરીકે કાર્યરત છે.
વકીલો રહેશે કામગીરીથી અળગા
જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટ અને મુસ્લિમ સમાજના આગેવાન હારુન પલેજાની સરાજાહેર ધાતકી હત્યા કરાઈ છે. જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂન પાલેજાની હત્યાના ઘેરા પડઘા પડયા છે અને વકિલ આલમમાં ભારે રોષ વ્યાપો છે. જેના અનુસંધાને આવતીકાલે ગુરૂવારે વકિલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી વિરોધ પ્રદર્શન કરશે જયારે જામનગર બાર એસો.દ્વારા આ હત્યાકાંડના આરોપીઓને વહેલી તકે પકડી પાડવા ઉગ્ર માંગ કરવામાં આવી છે. દેશમાં વકીલો જ સલામત ન હોવાથી કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે.