મોદી મંત્ર-2 કારગત: કાશ્મીરી લોકો પણ ‘મોદીમય’!!!
દેશની સુરક્ષામાં સહયોગ આપવા બદલ ગ્રામજનોને રાજ્યપાલ દ્વારા રૂ.5 લાખ અને ડીજીપી દ્વારા રૂ.2 લાખના ઈનામની જાહેરાત
વર્ષ 2024ની ચૂંટણી માટેનો ’મોદી મંત્ર -2 આતંકીઓનો સફાયો’ હાલ પુરજોશમાં ચાલી રહ્યો છે. હવે તેમાં જનસહયોગ પણ ખૂબ મળી રહ્યો છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં જોવા મળ્યું છે. જેમાં ગ્રામજનોએ બે આતંકીઓને ભારે હથિયાર સાથે ઝડપી પાડ્યા છે.
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાંથી 2 આતંકવાદીઓને પકડ્યા. તેમની પાસેથી બે એકે શ્રેણીની રાઈફલ, 7 ગ્રેનેડ, એક પિસ્તોલ અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. ગ્રામજનોએ આતંકવાદીઓને પોલીસને હવાલે કર્યા હતા.
ધરપકડ કરાયેલા આતંકવાદીઓના નામ તાલિબ હુસૈન અને આમદ ડાર છે. તાલિબ રાજૌરીનો રહેવાસી છે, જ્યારે અહેમદ ડાર બારામુલ્લાનો રહેવાસી છે. જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના તુકસાન ગામમાંથી બંનેની ધરપકડ કરવામાં આવી છે. બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્યો છે.
મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાંથી એક તાલિબ હુસૈન પણ ભાજપમાં ઘૂસી ગયો હતો. તેમને જમ્મુ પ્રાંતમાં લઘુમતી મોરચાના આઈટી અને સોશિયલ મીડિયા સેલના ઈન્ચાર્જ પણ બનાવવામાં આવ્યો હતો. જો કે ભાજપ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ માત્ર 18 દિવસ જ પાર્ટી સાથે જોડાયેલ રહ્યો હતો. તાલિબ
9 મેના રોજ ભાજપમાં જોડાયો હતો અને 27 મેના રોજ રાજીનામું આપ્યું હતું.રાજ્યપાલે જમ્મુ-કાશ્મીરના આ આતંકવાદીઓને પકડનાર ગ્રામજનોને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ ડીજીપીએ ગ્રામજનોને 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાની પણ જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને કહેવામાં આવ્યું હતું કે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં ઘાટીમાં એન્કાઉન્ટરમાં 118 આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાં 32 વિદેશી આતંકવાદીઓ પણ સામેલ છે. આઈજીપી કાશ્મીરના જણાવ્યા અનુસાર છ મહિનામાં માર્યા ગયેલા 118 આતંકીઓમાંથી 77 પાકિસ્તાની પ્રાયોજિત લશ્કર-એ-તૈયબાના સભ્યો હતા. તે જ સમયે, સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા 26 આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના સભ્યો હતા. ગયા વર્ષે (2021) જાન્યુઆરીથી જૂન સુધીમાં સેના દ્વારા 55 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જેમાં 2 વિદેશી આતંકવાદીઓનો સમાવેશ થાય છે.