આંબેડકરનગર સર્કલ પાસે અકસ્માતના પગલે બેફામ બનેલા ટોળાએ પથ્થરમારો કરી બસમાં તોડફોડ કરી
શહેરમાં બીઆરટીએસ બસના ચાલકનો ત્રાસ બેફામ વધી રહ્યો છે. ત્યારે આંબેડકરનગર સર્કલ પાસે ગઈ કાલે કાળ બનીને ત્રાટકેલી બીઆરટીએસ બસે સ્કૂટર ચાલક યુવાનને ઠોકરે લેતાં તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે બેફામ બનેલા ટોળાએ બસમાં પથ્થરમારો કરી કાચ ફોડી નાંખતા પોલીસના ધામે ધામા ખડકી દેવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર સર્કલ પાસે ગત રાત્રે દસેક વાગ્યા આસપાસ બીઆરટીએસ રૂટ પર બેફામ દોડતી બસે સ્કુટર સવાર એક યુવાનને હડફેટે લેતા તેમનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. મૃતકના સ્નેહીજનો પાસેથી જાણવા મળેલ કે મૃતકના પિતા હયાત નથી આ યુવાન જ ઘરનો આધારસ્તંભ હતો. બનાવ વખતે વિફરેલા ટોળાએ બસ પર પથ્થરમારો કરી બસના કાચ ફોડયા હતા. જેથી પોલીસ દોડી ગઇ હતી. બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ દિનેશ ઉર્ફે ઋત્વીક નટુભાઇ દાફડા (ઉ.વ.23) નામનો યુવાન 150 ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહે છે.
મૃતક કારખાનામાં મજુરીનું કામ કરે છે. ગઇકાલે તે એકસેસ સ્કુટર પર જઈ રહ્યો હતો ત્યારે આંબેડકરનગર સર્કલ પાસે રાત્રે 10 વાગ્યા આસપાસ ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસે દિનેશને સ્કુટર સાથે હડફેટે તે રોડ પર ફંગોળાઇ ગયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કોઇએ તેના મિત્ર હિરેનભાઇને જાણ કરતા તેઓ અને મૃતકના સગા-સંબંધીઓ તેમજ પરિવારના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત દિનેશને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જયાં સારવાર દરમ્યાન આધારસ્તંભ યુવાનનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. બીજી તરફ બીઆરટીએસ બસે અકસ્માત સર્જતા ત્યાં અનેક લોકો એકત્ર થઇ ગયા હતા અને વિફરેલા લોકોના ટોળાએ બસ પર પથ્થરમારો કર્યો હતો. જેથી માલવીયાનગર પોલીસનો સ્ટાફ, ક્રાઇમ બ્રાંચની ટીમ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિ કાબુમાં લીધી હતી. આ તરફ માલવીયાનગર પોલીસના પી.આઇ. કે.એન.ભુકણ સહિતના સ્ટાફે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો અને બીઆરટીએસ બસના ચાલક સામે ફરીયાદ નોંધવા તજવીજ કરી હતી.
આ અંગે દિનેશ ઉર્ફ રૂત્વીકના પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક ર ભાઇ, 1 બહેનમાં મોટો હતો તેમના પિતા નટુભાઇ હયાત નથી તેમનો નાનો ભાઇ હજુ અભ્યાસ કરે છે જેથી દિનેશ ઘરમાં એક માત્ર કમાનાર અને વ્યકિતનું ગુજરાન ચલાવનાર વ્યકિત હતો, તેમના અપમૃત્યુથી પરિવાર ઉપર આભ ફાટયુ હોય તેવી સ્થિતિ થઇ છે.