કાલે શાળા-કોલેજોમાં બકરી ઈદની રજાના કારણે સિટી બસ સન્ડે શેડયુલ મુજબ દોડશે
આગામી રવિવારના રોજ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરની મહિલાઓની રક્ષાબંધનની વિશેષ ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધન નિમિતે રવિવારે આખો દિવસ મહિલાઓ બીઆરટીએસ અને સિટી બસમાં મફતમાં મુસાફરી કરી શકશે. દરમિયાન આવતીકાલે શાળા-કોલેજોમાં બકરી ઈદની રજા હોવાના કારણે સિટી બસ સન્ડે શેડયુલ મુજબ ચાલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકા દ્વારા મહિલાઓને વર્ષમાં ત્રણ દિવસ સિટી બસ અને બીઆરટીએસ બસમાં મફતમાં મુસાફરી કરવા દેવામાં આવે છે.
જેમાં રક્ષાબંધન, ભાઈ-બીજ અને વિશ્વ મહિલા દિવસનો સમાવેશ થાય છે. આગામી રવિવારના રોજ રક્ષાબંધનનો તહેવાર આવતો હોય મહિલાઓ સવારથી સાંજ સુધી બીઆરટીએસ અને સિટી બસમાં નિ:શુલ્ક મુસાફરી કરી શકશે.
બીઆરટીએસ અને સિટી બસનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા હાલ શહેરના ૪૪ ટ પર ૬૦ મીડી અને ૩૦ સ્ટાન્ડર્ડ બસ ચલાવવામાં આવી રહી છે. આવતીકાલે ઈદ ઉલ અદહા (બકરી ઈદ) નિમિતે શહેરની શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાના કારણે કાલે સિટી બસ સન્ડે શેડયુલ મુજબ ચલાવવામાં આવશે.