સાત દિવસીય શિબિર દરમિયાન ગામની સફાઈ, આરોગ્યલક્ષી જાગૃતિ કાર્યક્રમ, શેરી નાટકો, ખેડૂત શિબિર વગેરે યોજાઈ
ઉપલેટા તાલુકાના નાના એવા ગામ ડુમીયાણીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી. આર. એસ. કોલેજ ખુબ નામી કોલેજ છે. આ કોલેજ દ્વારા સતત અનેકવિધ શૈક્ષણિક તેમજ સમાજલક્ષી કાર્યક્રમો થતા રહેતા હોય છે. જે અંતર્ગત કોલેજના એન.એસ.એસ.યુનિટ દ્વારા રબારિકા ગામે સાત દિવસનો કેમ્પ રાખવામાં આવેલ હતો. રાષ્ટ્રીય સેવા યોજના શિબિરના ઉદઘાટન સમયે માજી સંસદ અને માજી શિક્ષણમંત્રી તથા પીપલ્સ વેલફેર સોસાયટીના મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઈ મણવર તથા ટ્રસ્ટી સવિતાબેન મણવર ખાસ હાજર રહ્યા હતા.
આ તકે બળવંતભાઈ મણવરે જણાવેલ કે શિબિરમાં રહેલ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય, સમાજ સેવા, સ્વચ્છતા, આરોગ્ય જળવાય, યુવાનોનો ગામડાઓ સાથેનો નાતો જળવાય, ગામડાઓની વાસ્તવિક સ્થિત સાથેનો તાલમેલ જળવાય રહે તેમજ ગામડાઓમાં રહેતા દરેક વ્યકિત પણ દરેક કાર્યક્રમોમાં ભાગીદાર બને અને સ્વચ્છતા આરોગ્ય બાબતે જાગૃત બને તે આ શિબિરનો ઉદેશ હોય છે. આ તકે એન.એસ.એસ.યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડો.દેસાણી તથા પ્રોફેસર માકડીયાએ શિબિરનું મહત્વ જણાવી, સાત દિવસ દરમ્યાન કરવાના કાર્યો વિશે પરીચય આપી પધારેલ તમામ મહેમાનોને આવકાર્યા હતા. પ્રિન્સીપાલ ડો.એન.એસ.ઝાટકીયાએ પ્રાસંગિક પ્રવચન કરેલ.
આ સાત દિવસની શિબિર દરમ્યાન ગામની સફાઈ, આરોગ્યલક્ષી જાગૃતિ કાર્યક્રમ, અંધશ્રદ્ધા નિવારણ માટે શેરી નાટકો, ભીંત સુત્રો, વૃક્ષોનું જતન, યોગ શિબિર, ખેડુત શિબિર જેમાં નિષ્ણાંત ગની પટેલ દ્વારા ખેડુતોને વર્તમાન સમયની ખેતીમાં નફાકારક ખેતી કઈ રીતે કરી શકાય. પાકમાં આવતા રોગ, તેનું નિવારણ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપેલ હતી. તેમજ પશુઆરોગ્ય કેમ્પ યોજાયો હતો. જેમાં ઉપલેટાથી ડો.રાદડીયા, ડો.બી.એસ.ગોટી, ડો.માકડીયાએ ૧૨ મેજર તેમજ ૨૫૦૦ જેટલા પશુઓને સારવાર આપેલ હતી.
મોટા પ્રમાણમાં પશુપાલકો ઉમટી પડયા હતા. દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ, લોક જાગૃતિ માટે શેરી નાટકનું પણ આયોજન કરેલ હતું. શિબિરની પૂર્ણાહુતી સમયે કોલેજનો સમગ્ર સ્ટાફ તેમજ પ્રિન્સિપાલ ડો.ઝાટકીયા હાજર રહ્યા હતા. આ તકે સાત દિવસ સુધી સતત સાથે રહી પ્રો.ઓફિસર ડો.મહેન્દ્ર દેશાણી તથા જગદીશભાઈ માકડીયા દ્વારા વિવિધ કાર્યક્રમને આખરી ઓપ આપેલ હતો અને સફળતા પૂર્વક શિબિર સંપન્ન કરેલ હતી.