ખેત મજુરીના પ્રશ્ને ઝઘડો થતાં ગળામાં તિક્ષ્ણ હથિયાર ઝીંકી ઢીમઢાળી દીધું: દંપત્તી સામે નોંધાતો હત્યાનો ગુનો
જસદણ તાલુકાના લીલાપુર ગામે ખેતરમાં મજુરી કામના પ્રશ્ને સગા બે ભાઇઓ વચ્ચે થયેલા ઝઘડાના કારણે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોટા ભાઇની હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મૃતકના નાના ભાઇ અને તેની પત્ની સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મધ્ય પ્રદેશના અલીરાજપુર ગામના વતની અને જસદણના લીલાપુર ગામે પ્રવીણભાઇ કલ્યાણભાઇ રામાણીની વાડીએ દિનેશ બહાદુર ડાવોર નામના પરપ્રાંતિય યુવાનની લોટી ઉર્ફે લોટીયો બહાદુર અને તેની પત્ની ભાનુએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યાની પ્રવિણ રામાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લોટી ઉર્ફે લોટીયો બહાદુર અને તેની પત્ની ભાનું પ્રવિણ રામાણીની વાડીએ મજુરી કામ કરે છે. જ્યારે દિનેશ બહાદુર તેના બહેન-બહેવી સાથે રહી મજુરી કામ કરે છે. ગઇકાલે દિનેશ બહાદુર પોતાના નાના ભાઇ લોટી ઉર્ફે લોટીયા પાસે વાડીએ આવ્યો ત્યારે બંને વચ્ચે મજુરી કામના પ્રશ્ને ઝઘડો થતા લોટી ઉર્ફે લોટીયો અને તેની પત્ની ભાનુએ તિક્ષ્ણ હથિયારનો ગળા પર ઘા ઝીંકી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
જસદણ પોલીસ મથકના પી.આઇ. વી.આર.વાણીયા સહિતના સ્ટાફે પરપ્રાંતિય દંપત્તી સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.