બ્રોકલીમાં ફાઇબર, વિટામીન સી વિટામીન એ, કેલ્શિયમ, પ્રોટીન છે ખજાનો
સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે તમારા આહારમાં વધુ ને વધુ લીલાં શાકભાજી ઉમેરવાની વાત તમે ઘણી વખત સાંભળી હશે, કેમ કે લીલાં શાકભાજી પોષક તત્ત્વોનું પાવર હાઉસ છે, તેથી તેનો મહત્તમ ઉપયોગ શરીર માટે ફાયદાકારક છે.
આ જ શાકભાજીમાંની એક ઉત્તમ વસ્તુ છે બ્રોકોલી. જે તમારા આહારનો એક નિયમિત ભાગ હોવી જોઈએ. બ્રોકોલીમાં અનેક પ્રકારનાં પોષક તત્ત્વો હોય છે. તે વિટામિન-સી,ઝીંક, કોપર, વિટામિન-બી, પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, વિટામિન-કે અને અન્ય ઘણાં પોષક તત્ત્વોથી ભરપૂર છે.
આ સિવાય તે કેલ્શિયમનો નોન-ડેરી સ્રોત પણ છે. કચૂંબરથી લઈ સૂપ સુધી તમે તમારા આહારમાં વિવિધ રીતે બ્રોકોલીને ઉમેરી શકો છો. આવો, જાણીએ બ્રોકોલી કેમ ખાવી જોઈએ.
બ્રોકોલીમાં સલ્ફોરાફેનનો સમૃદ્ધ પ્રમાણમાં ભંડાર છે. જે કેન્સરને તમારાથી દૂર રાખે છે. સલ્ફોરાફેન એક ફાયટોકેમિકલ છે, જે ઝેર ઘટાડે છે અને તેથી શરીરમાં બળતરા ઘટે છે. જે ઘણા પ્રકારના કેન્સર સાથે સંકળાયેલ છે. આ સિવાય તે કેન્સરના કોષોના મિલ્ટિપ્લકેશનને અટકાવે છે અને તેના કારણે જ કેન્સરગ્રસ્ત ગાંઠની વૃદ્ધિ મંદ પડે છે.
બ્રોકોલીમાં ફાઇબર, વિટામિન-સી, વિટામિન- કે, આયર્ન અને પોટેશિયમ સહિતનાં આવશ્યક પોષક તત્ત્વો વધુ પ્રમાણમાં હોય છે. ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે તે અન્ય શાકભાજી કરતાં વધારે પ્રમાણમાં પ્રોટીન પણ ધરાવે છે. આ લીલાં શાકભાજીમાં ફાઇબરનું પ્રમાણ પણ વધુ છે અને ક્યુરેસેટીન જેવા એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ શાકભાજી સલામત છે. તે એન્ટિઓક્સિડન્ટ અને ફાઇબરથી ભરેલ શાકભાજી છે.
બ્રોકોલી બ્લડ શુગરનું સ્તર ઘટાડી શકે છે અને ડાયાબિટીસ ક્ધટ્રોલમાં સુધારો કરી શકે છે. બ્રોકોલી જેવા ફાઇબરયુક્ત ખોરાક કોલેસ્ટ્રોલને પણ ક્ધટ્રોલ કરી શકે છે. તેથી હૃદયરોગનું જોખમ પણ ઘટે છે.
પાચનશક્તિ વધારવામાં પણ ફાઈબર મદદરૂપ છે. તે આંતરડાંની પ્રક્રિયા વધુ સારી રીતે કરવામાં મદદરૂપ બને છે અને કબજિયાત ઘટાડે છે. બ્રોકોલીમાં વિટામિન-સી પણ હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ તેમજ ત્વચા માટે ફાયદાકારક છે.