• બકિંગહામ પૅલેસ દ્વારા આ અંગે જાણકારી અપાઈ

કિંગ ચાર્લ્સ પ્રોસ્ટેટ વધવાનો હાલમાં જ ઇલાજ કરાવી રહ્યા હતા, ત્યારે તેમને આ વાતની જાણ થઈ હતી કે તેમને કૅન્સર છે. ક્યાં  પ્રકારનું છે તેના વિશે જણાવવામાં આવ્યું નથી પરંતુ તે પ્રોસ્ટેટ કૅન્સર નથી. બકિંગહામ પૅલેસે જણાવ્યું છે કે કિંગ ચાર્લ્સે 5 ફેબ્રુઆરીથી નિયમિત સારવાર શરૂ કરી દીધી છે અને સારવાર દરમિયાન તેઓ તેમની જાહેર જીવનની જવાબદારીઓથી દૂર રહેશે. કિંગ ચાર્લ્સ હાલ 75 વર્ષના છે. બકિંગહામ પૅલેસના એક નિવેદન અનુસાર, કિંગ ચાર્લ્સ સારવારને લઈને સંપૂર્ણપણે સકારાત્મક છે અને શક્ય તેટલી વહેલી તકે તેમની જાહેર જવાબદારીઓ તરફ પાછા ફરશે. કિંગ ચાર્લ્સનું કૅન્સર કયા સ્ટેજ પર છે તેની માહિતી આપવામાં આવી નથી.

કિંગ ચાર્લ્સે પોતે જ તેમના બે પુત્રો પ્રિન્સ હૅરી અને પ્રિન્સ વિલિયમને આ બીમારી વિશે જણાવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે પ્રિન્સ ઑફ વેલ્સ વિલિયમ તેમના પિતાના સતત સંપર્કમાં છે. ડ્યૂક ઑફ સસેક્સ પ્રિન્સ હૅરી અમેરિકામાં રહે છે. હૅરીએ તેમના પિતા સાથે વાત કરી છે અને આગામી દિવસોમાં તેઓ તેમના પિતાને મળવા બ્રિટન આવશે.

કિંગ ચાર્લ્સ સોમવારે નૉર્ફોકથી લંડન પરત ફર્યા હતા. બકિંગહામ પેલેસે કહ્યું છે કે કિંગ ચાર્લ્સની સારવાર આઉટપેશન્ટ તરીકે કરવામાં આવશે. તેનો અર્થ એ થાય કે તેઓ હૉસ્પિટલમાં દાખલ થઈને સારવાર નહીં લે. જોકે, કિંગ ચાર્લ્સ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે નહીં. તેઓ સરકારના વડા તરીકે પોતાની બંધારણીય જવાબદારી નિભાવતા રહેશે. તેમાં પેપર વર્ક અને પર્સનલ મીટિંગ્સ પણ સામેલ હશે. જો તબીબો અંતર જાળવવાની સલાહ નહીં આપે તો પીએમ ઋષિ સુનક સાથે કિંગ ચાર્લ્સની સાપ્તાહિક મુલાકાત ચાલુ રહેશે. ઋષિ સુનકે પણ કિંગ ચાર્લ્સના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.