પોર્ન કૌભાંડમાં ફસાયેલા બ્રિટનના નાયબ વડા પ્રધાન ડેમિયન ગ્રીને રાજીનામું આપી દીધું છે. જેનાથી બ્રિટનના વડા પ્રધાન થેરેસા મેને ભારે આંચકો લાગ્યો છે.
ગ્રીને તેમના દ્વારા આચારસંહિતાનો ભંગ કરાયાની ખાતરી થયા બાદ રાજીનામું આપ્યું છે. આ અંગે સંસદીય તપાસમાં એવું સાબિત થયું હતું કે ૨૦૦૮માં હાઉસ ઓફ કોમન્સ કાર્યાલયમાં તેમના કમ્પ્યૂટરમાંથી પોનોગ્રાફી મળ્યાના દાવા અંગે ગ્રીનને જાણકારી છતાં ખોટું અને ભ્રમિત કરે તેવું નિવેદન આપી પ્રધાનોની આચારસંહિતાનો ભંગ કર્યો છે.
પોતાના રાજીનામા પત્રમાં ૬૧ વર્ષીય ગ્રીને લખ્યુ છે કે હું માફી માગું છું કે આ બાબતે મારું નિવેદન ભ્રામક હતું. જોકે વડા પ્રધાન થેરેસા મેએ નાયબ વડાપ્રધાન ગ્રીનના રાજીનામાં અંગે ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી હતી. દરમિયાન ખોટા વર્તનને લઈને તપાસનો સામનો કરી રહેલા ગ્રીને એ વાતનો ઈનકાર કર્યો હતો કે ૨૦૧૫માં તેમણે પત્રકાર કેટ મેલ્ટબી સાથે ખોટું વર્તન કર્યું હતું. અને ૨૦૦૮માં હાઉસ ઓફ કોમન્સના તેમના કમ્પ્યૂટર પર પોર્ન વીડિયો જોયો હતો.