ડિસેબલ(દિવ્યાંગ) ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાજકોટ ખાતે ભારત સરકારની સંકલ્પ યોજના હેઠળ ગુજરાત સરકારના જીએસડીએમ અને બ્રીટીશ કાઉન્સીલ-યુકેના સહયોગથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ડીસેબલ, રાજકોટને સેન્ટર ઓફ એક્સલન્સમાં રૂપાંતરિત કરવા અંગેનો પ્રોજેક્ટ કાર્યરત છે. જેના ભાગ રૂપે બ્રીટીશ ડેપ્યુટી હાઇ કમિશનર કોન્સુલ પિટર કુકે આ સેન્ટરની મુલાકાત લીઘી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજયના છેવાડાના ગરીબ- દિવ્યાંગ માનવીનો પણ ઉત્કર્ષ થાય, આત્મ નિર્ભર બને તે માટે રાજકોટની એપ્રેન્ટીસ હોસ્ટેલ ખાતે ખાતે દિવ્યાંગ તાલીમાર્થીઓ માટે 2009માં ખાસ આઇ.ટી.આઇ. શરૂ કરાઇ હતી. આ આઇ.ટી.આઇ.ના નવા બિલ્ડીંગનું પણ તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ઉદધાટન કરાયુ હતું.
હવે આ નવા બિલ્ડીંગને સેન્ટર ઓફ એકસીલન્સ બનાવવા માટે બ્રિટિશ હાઇ કમિશન જોડે પાર્ટનરશીપ થઇ છે. જે અંતર્ગત બ્રીટીશ ડેપ્યુટી હાઇ કમિશનર કોન્સુલ પિટર કુકે ડિસેબલ આઇ.ટી.આઇ.ની મુલાકાત લીધી હતી. અત્યાર સુધીની થયેલી કામગીરીની વિગતો જાણીને સમીક્ષા કરી હતી. અને નવા બિલ્ડીંગમાં તાલીમાર્થીઓનો સમાવેશ કરવા કેટલાક સુચનો કર્યા હતા. દિવ્યાંગપણા અંગેના વિવિધ 29 વિદ્યાર્થીલક્ષી કોર્ષની અને દિવ્યાંગ તાલીમાર્થીઓને ઇન્ડસ્ટ્રી દ્વારા આપવામાં આવેલ રોજગારી વિશેની જાણકારી મેળવી હતી. જે જાણી કુક ખૂબ પ્રભાવિત થયા હતા.
કુકે કહયુ હતું કે ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ તાલીમાર્થીઓ માટેની આઇ.ટી.આઇ. સેન્ટર ઓફ એક્સીલન્સમાં રૂપાંતર કરવાનો જે પાયલોટ પ્રોજેકટ ગુજરાતમાં યુકે-ઇન્ડિયાની ભાગીદારીથી શરૂ કરાયો છે તે બંને દેશો વચ્ચેના સબંધો વધુ મજબુત કરશે. અમને ખુશી છે કે અમે આ પ્રોજેકટથી આધુનિક સુવિધાઓ- અભ્યાસ દિવ્યાંગ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકીશું.
આ પ્રસંગે ડિસેબલ આઇ.ટી. આઇ.ના આચાર્યા માનસી તેરૈયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. બ્રિટિશ હાઇ કમિશનર, અમદાવાદના મિલિન્દ્ર ગોડબોલે, બ્રિટિશ હાઇ કમિશનર, દિલ્હીના અનુ ગુપ્તા, કે.પી.એમ.જી.ના સભ્ય અપર્ણા દાસ, આઇ.ટી. આઇ.ના આચાર્ય નિપુણ રાવલ, સ્ટાફના સભ્યો અરવિંદ પરસાણિયા, નમન પલાણ વગેરે ઉપસ્થિત રહયા હતા. નિતિશ મેરાણીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી દિવ્યાંગ આઇ.ટી. આઇ. ની પ્રવૃત્તિની અને નવા બિલ્ડીંગની સગવડોની માહિતી રજૂ કરી હતી.