• હોકિમાં મેડલ મળવાની આશા જીવંત: ભારતીય ગોલકીપર શ્રીજેશે દિવાલની જેમ અડગ ઉભા રહીને બ્રિટનના બે પ્રયાસને નિષ્ફળ બનાવ્યા અને અંતે ભારતે 4-2થી શૂટઆઉટમાં બ્રિટનને હરાવ્યું

ભારતીય હોકી ટીમનો ગ્રેટ બ્રિટન સામે ક્વાર્ટરફાઈનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી શાનદાર વિજય થતા ભારત સેમિફાઈનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યું છે. ભારતીય હોકી ટીમે સળંગ બીજા ઓલિમ્પિકમાં મેડલ માટેની આશા જીવંત રાખી છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગ્રેટ બ્રિટન સામેનો ક્વાર્ટરફાઈનલ મુકાબલો નિર્ધારિત સમયના અંતે 1-1ની બરાબરી પર રહ્યો હતો. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા નિર્ણય લેવાયો હતો. ભારતીય ગોલકીપર પી આર શ્રીજેશે દિવાલની જેમ અડગ ઉભા રહીને બ્રિટનના બે પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા અને અંતે ભારતે 4-2થી શૂટઆઉટમાં બ્રિટનને કચડીને વિજય મેળવ્યો હતો. ભારત માટે આ વિજય એટલા માટે વિશેષ રહ્યો હતો કારણ કે બીજા ક્વાર્ટરની ચોથી મિનિટમાં જ ભારતના આગળની હરોળના ખેલાડી અમિત રોહિદાસને હરીફ ટીમના ખેલાડીને હોકી સ્ટીકથી ઈજા પહોંચાડવાના વિવાદાસ્પદ નિર્ણય સાથે રેડ કાર્ડ આપી બહાર કરાયો હતો. ભારતે મેચમાં બાકીની 40 મિનિટ સુધી ફક્ત 10 ખેલાડીઓ સાથે લડત આપી હતી અને મજબૂત ડિફેન્સની સાથે આક્રમણ કરીને બ્રિટન પર દબાણ સર્જ્યું હતું. બ્રિટને પણ વળતો પ્રહાર કરી અનેક વખત ભારતીય ગોલપોસ્ટ પર આક્રમણ કરવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ ભારતની જીતના હીરો ગોલકીપર શ્રીજેશે મક્કમતાથી ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં બ્રિટનના પ્રયાસને બ્લોક કર્યા હતા. પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમોને પેનલ્ટી કોર્નરની કેટલીક તકો પ્રાપ્ત થઈ હતી પરંતુ કોઈ ગોલ ફટકારી શક્યું નહતું. બીજા ક્વાર્ટરમાં ભારતના રોહિદાસને વિવાદિત રીતે રેડ કાર્ડ બતાવીને બહાર કરાયો હતો. આ નિર્ણયની ત્રીજી જ મિનિટે ભારતના સુકાની હરમનપ્રીત સિંઘે પેનલ્ટી કોર્નરને વિજળી વેગે ડ્રેગફ્લિક ફટકારીને ગોલમાં તબદીલ કરતા ભારતે 1-0ની લીડ પ્રાપ્ત કરી હતી. ભારત એક ખેલાડી શોર્ટ રમી રહ્યા હોવાનો બ્રિટને ફાયદો ઉઠાવતા 27મી મિનિટે લી મોર્ટનના ગોલની મદદથી સ્કોરને સરભર કરવામાં સફળતા મેળવી હતી. ભારતના કેપ્ટન હરમનપ્રીત સિંઘે આ સાથે જ પેરિસ ઓલિમ્પિક્સમાં સાત ગોલ પોતાના નામે કર્યા છે. ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં મોટાભાગના સમયમાં ગ્રેટ બ્રિટને બોલ પોતાની પાસે રાખીને વર્ચસ્વ જાળવ્યું હતું પરંતુ ભારતે મજબૂત રક્ષણ સાથે ગોલ કરવાની તક આપી નહતી. નિર્ધારિત સમયના અંતે પેનલ્ટી શૂટઆઉટમાં મેચ પરિણમી હતી જેમાં બ્રિટન તરફથી જેમ્સ એલ્બ્રે અને ઝેક વાલેસે પ્રથમ બે પ્રયાસમાં ગોલ નોંધાવ્યા હતા જ્યારે કોનોર વિલિયમ્સન તથા ફિલિપ રોપ્પરના ત્રીજા અને ચોથા પ્રયાસને શ્રીજેશે સફળતાપૂર્વક બ્લોક કરીને ભારતની જીત નિશ્ચિત કરી હતી. ભારત તરફથી પેનલ્ટી શૂટઆઉટમાં કેપ્ટન હરમનપ્રીત સિંઘ, સુખજીત સિંઘ, લલિત ઉપાધ્યાય અને રાજકુમાર પાલે ગોલ ફટકારીને ભારતને સેમિફાઈનલમાં પહોંચાડ્યું હતું. જર્મની અને આર્જેન્ટિના વચ્ચેની બીજી ક્વાર્ટરફાઈનલમાં જે વિજેતા બનશે તેની સામે ભારત મંગળવારે સેમિફાઈનલ રમશે. ભારતની જીતમાં વરિષ્ઠ ગોલકીપર પી આર શ્રીજેશનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. શ્રીજેશે મેચ દરમિયાન બ્રિટનના અનેક ગોલના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા તેમજ પેનલ્ટી કોર્નરને બ્લોક કરી હતી. ત્યારબાદ રોમાંચક પેનલ્ટી શૂટઆઉટમાં પણ શ્રીજેશે ધીરજ અને સંયમનું પ્રદર્શન કરીને ભારતની જીતમાં યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમના સુકાની હરમનપ્રીતે જણાવ્યું કે, અમારી પાસે છેલ્લે સુધી સ્કોર ટાઈ રાખવા સિવાય કોઈ વિકલ્પ નહતો.

લક્ષ્ય સેન ગોલ્ડની રેસમાંથી બહાર: આજે બ્રોન્ઝ માટે રમશે

લક્ષ્ય સેને મેન્સ સિંગલ કેટેગરીની સેમિફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો અને હવે તેની પાસે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ બેડમિન્ટન ખેલાડી બનવાની ગોલ્ડન તક છે. લક્ષ્યનો સોમવારે સાતમા ક્રમાંકિત મલેશિયાના લી જી જિયાનો સામનો થશે. જો તે મલેશિયાના આ ખેલાડીના પડકારને પાર કરવામાં સફળ રહેશે તો તે દેશને પેરિસ ગેમ્સનો ચોથો મેડલ અપાવશે. ભારતને અત્યાર સુધી બેડમિન્ટનમાં મહિલા વર્ગમાં મેડલ મળ્યો છે. લક્ષ્ય પાસે ઓલિમ્પિક મેડલિસ્ટ બનવાની સારી તક છે.

અલકરાઝને ફાઇનલમાં હરાવીને જોકોવિચે પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો

પેરિસ ઓલિમ્પિક 2024માં નોવાક જોકોવિચે મેન્સ ટેનિસ સિંગલ્સમાં કાર્લોસ અલ્કારાઝને ફાઇનલમાં હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. જોકોવિચે અલ્કારાઝને સીધા સેટમાં 7-6 (7-3), 7-6 (7-2)થી હરાવ્યો. તેઓ ટેનિસમાં સૌથી વયોવૃદ્ધ ઓલિમ્પિક ચેમ્પિયન પણ બન્યા. અલ્કારાઝ પાસે ટેનિસમાં સૌથી ઓછી ઉંમરના ઓલિમ્પિક વિજેતા બનવાની તક હતી, પરંતુ તે ચૂકી ગયા. અલ્કારાઝ માટે પ્રારંભિક સેટની શરૂઆત સારી નહોતી. તેમણે પોતાની સર્વિસ જાળવી રાખવા માટે એક બ્રેક પોઇન્ટ બચાવ્યો. જોકોવિચે ત્રણ બ્રેક પોઇન્ટ મેળવ્યા, પરંતુ અલ્કારાઝે સ્કોર 2-2 કરી દીધો. આગામી ગેમમાં, અલ્કારાઝ પાસે જોકોવિચની સર્વિસ તોડવાની તક હતી, પરંતુ જોકોવિચે પોતાની સર્વિસ જાળવી રાખી.જીત સાથે નોવાક જોકોવિચ ચારેય ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર વિશ્વનો પાંચમો ખેલાડી બની ગયો છે અને તેના નામે ઓલિમ્પિક ગોલ્ડ પણ છે. જોકોવિચ પહેલા માત્ર સ્ટેફી ગ્રાફ, આન્દ્રે અગાસી, રાફેલ નડાલ, સેરેના વિલિયમ્સ જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા. હવે આ ચાર ખેલાડીઓની સાથે નોવાકનું નામ પણ કરિયરના ગ્રાન્ડ સ્લેમ વિજેતાઓની યાદીમાં આવી ગયું છે. ચારેય ગ્રાન્ડ સ્લેમ અને ઓલિમ્પિક ગોલ્ડ જીતવાની સિદ્ધિને કરિયર ગોલ્ડન સ્લેમ કહેવામાં આવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.