- ડાયમંડ ઉદ્યોગપતિ સ્મિત પટેલ દ્વારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ બનાવી
- 60 દિવસની મહેનત સાથે અનુભવી પાંચ રત્નકલાકારે ડાયમંડ તૈયાર કર્યો
- 4.30 કેરેટના લેબગ્રોન ડાયમંડમાં બનાવેલી છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા તૈયારી બતાવી
સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ સ્મિત પટેલ દ્વારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. આજે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લઈ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે ત્યારે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ભારતમાં પણ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ 60 દિવસની મહેનત સાથે સુરતના અનુભવી પાંચ રત્નકલાકારે આ ડાયમંડ તૈયાર કર્યો છે. 4.30 કેરેટના લેબગ્રોન ડાયમંડમાં બનાવેલી છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા ઉદ્યોગપતિએ તૈયારી બતાવી હતી. આ ઉપરાંત ડી કલરમાં આ ડાયમંડ છે, જે તેની શુદ્ધતા અને ચમક માટે જાણીતો છે.
અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પની અનેક પ્રતિકૃતિ અને તસવીરો લોકોએ જોઈ હશે, પરંતુ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ દ્વારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આજે (20 જાન્યુઆરી) ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લઈ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે. ત્યારે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ભારતમાં પણ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 60 દિવસની મહેનત સાથે સુરતના અનુભવી પાંચ રત્નકલાકારે 4.30 કેરેટના લેબગ્રોન ડાયમંડમાં બનાવેલી છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા ઉદ્યોગપતિએ તૈયારી બતાવી છે.
View this post on Instagram
સુરત ડાયમંડ ઉદ્યોગ વિશ્વમાં ડાયમંડના કટિંગ અને પોલિશિંગ માટે પ્રખ્યાત છે અને હાલ લેબગ્રોન ડાયમંડથી સુરતની નવી ઓળખ પણ લોકો જોઈ રહ્યા છે. ત્યારે સુરતની એક કંપની દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિવાળો લેબમાં ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ જોઈને લાગશે કે, આ કોઈ તસવીર છે, પરંતુ તેની ચમક તમારી આંખમાં એવી રીતે વસી જશે કે તમે જોતા જ રહી જશો.
હીરો તૈયાર કરાવનાર ઉદ્યોગપતિ સ્મિત પટેલે જણાવ્યું હતું કે, અમારા સુરતના કારીગરો દ્વારા ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાયમંડ બનાવવામાં આવ્યો છે. નેચરલ ડાયમંડ સામાન્ય રીતે ખાણમાંથી આવે છે અને બાદમાં સુરતમાં કટિંગ-પોલિશિંગ થાય છે. તેનાથી વિપરીત લેબગ્રોન ડાયમંડ લેબની અંદર તૈયાર કરવામાં આવે છે. એની વેલ્યૂ અને ગુણવત્તા રીયલ ડાયમંડની જેમ જ હોય છે. હાઇ પ્રેશરમાં અને લેબની અંદર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ રત્નકલાકારો તેનું કટિંગ અને પોલિશિંગ કરે છે.
પૂર્વ રાષ્ટ્રપતિની પત્નીને ગ્રીન ડાયમંડ અપાયો હતો વધુમાં ઉમેર્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો આ ડાયમંડ બે મહિનામાં તૈયાર કરવામાં આવ્યો છે. અમારા પાંચ રત્નકલાકારો દ્વારા આ ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો ડાયમંડ બનાવવામાં આવ્યો છે, જેને સુરત તરફથી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતની આ જ કંપનીએ તૈયાર કરેલો ગ્રીન ડાયમંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનની પત્નીને ઉપહાર સ્વરૂપ આપ્યો હતો.
હીરાની ખાસિયત અને પ્રોસેસ સહિતની માહિતી:
બારીકાઈ અને પ્લાનિંગ સાથે આ ડાયમંડને આકાર આપવામાં આવ્યો હતો. આ વિશિષ્ટ હીરાને 60 દિવસની મહેનતથી તૈયાર કરાયો છે. ડી કલરમાં આ ડાયમંડ છે, જે તેની શુદ્ધતા અને ચમક માટે જાણીતો છે. સુરતના પાંચ અનુભવી રત્નકલાકારો દ્વારા આ હીરા પર કામ કરવામાં આવ્યું છે. રો મટીરિયલ બનાવવામાં 40 દિવસ લાગ્યા હતા, જ્યારે ગ્રોઇંગ અને પ્રોસેસિંગની તમામ પ્રક્રિયા 60 દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી. 4.30 કેરેટના આ લેબગ્રોન ડાયમંડને હાઈ પ્રેશરના માધ્યમથી લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ આ ડાયમંડમાં મૂકવા માટે એક્સપર્ટ સાથે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, જેથી તેનો પરફેક્ટ આકાર અને ડિઝાઇન તૈયાર થઈ શકે. આ અત્યંત નમૂનાદાર ડાયમંડ સુરતના ડાયમંડ ઉદ્યોગના વિશિષ્ટ આકાર અને કારીગીરીનું પ્રતિબિંબ છે. જોકે, ઉદ્યોગપતિ આની કિંમત કહેવા તૈયાર નથી, પરંતુ સ્પેશિયલ ડિઝાઇનના કારણે કિંમત 20 લાખથી પણ ઉપર હશે. વેપારી આ હીરાની ભેટને ભારત અને અમેરિકાના સંબંધો માટે અનમોલ ગણી રહ્યા છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય