દિવાળીના તહેવારોને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક ઘરમાં સાફ-સફાઈની પણ શરૂઆત થઈ ગઈ હશે. આખા ઘરની સાફ-સફાઈનું કામ આમ તો થોડું અઘરું અને થકાવનારું હોય છે. પરંતુ જો અમુક ટિપ્સ શીખી લેવામાં આવે તો આ કામ અડધું થઈ શકે છે. તેમજ દિવાળીની સફાઈમાં દરેક વસ્તુને ધોઈને સૂકવવાની અને પછી ફરી મૂકવાની હોવાથી ઘરમાં ક્યાંય જગ્યા રહેતી નથી. પરંતુ શું તમે જાણો છો કે તમે અમુક વસ્તુઓને ધોયા વગર પણ ક્લીન કરી શકો છો.

ખૂબ ઓછા લોકો જાણતા હશે કે સ્કૂલ અને ઓફિસ બેગને ધોયા વગર પણ ક્લીન કરી શકાય છે. આ દરમિયાન તમે વિચારતા હશો કે આ કેવી રીતે શક્ય છે. તો તમને જણાવી દઈએ કે આવું કરવામાં તમને મદદ કરશે અમુક ક્લિનિંગ હેક્સ. જેનાથી તમારું કામ પણ સરળ થઈ જશે અને રિઝલ્ટ પણ સારા મળશે. તો ચાલો જાણીએ આ ક્લિનિંગ હેક્સ વિશે.

બ્રશ દ્વારા કરો સાફ

સ્કૂલ કે ઓફિસ બેગ પર જામેલી ધૂળને દૂર કરવા માટે તમારે બેગને ધોવાની જરૂર નથી. તેમજ તમે કપડા ધોવાના બ્રશની મદદથી પણ સાફ કરી શકો છો. બેગ ખાલી કરીને બહાર અને અંદરની તરફ બ્રશ વડે બેગને ઘસીને સાફ કરી લો. તો આ રીતે બેગ પર રહેલી ધૂળ પણ દૂર થઈ જશે અને તમારી મહેનત પણ ઓછી થશે.

સૌથી પ્રથમ બેગને ખાલી કરીને કપડાની મદદથી સારી રીતે બેગને અંદર અને બહાર સાફ કરી લો અને હવે બેગ પર લાગેલા ઇન્કના ડાઘા અને ઓઇલ સ્ટેનને દૂર કરવા માટે તેના પર બેકિંગ સોડા લગાવીને અડધા કલાક માટે રાખી દો. ત્યારપછી ભીના કપડા વડે સાફ કરી લો.

બેગમાંથી આ રીતે દૂર કરો દુર્ગંધ

લાંબા સમય સુધી બેગ સાફ નહીં કરવાના લીધે ઘણીવાર તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેવામાં બેગની અંદર રહેલા બેક્ટેરિયા દૂર કરવા માટે આલ્કોહોલ અથવા સેનિટાઇઝરને સ્પ્રે બોટલમાં ભરીને બેગમાં સ્પ્રે કર્યા બાદ કપડા વડે લૂછી લો. ત્યારબાદ બેગને સ્મેલ ફ્રી રાખવા માટે તમે એક પાઉચમાં બેકિંગ સોડા ભરીને પણ બેગમાં રાખી શકો છો.

આ ઉપરાંત જો તમે ઇચ્છો છો કે તમારી બેગ હંમેશા ક્લીન રહે તો તમારે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ બેગને સપ્તાહમાં 1 વખત ખાલી કરો. આ ઉપરાંત અડધી ચમચી બેકિંગ સોડા અને 2 ચમચી વિનેગર નાંખીને એક મિશ્રણ બનાવી તેને સ્પ્રે બોટલમાં ભરીને આખા બેગમાં સ્પ્રે કરીને કપડા વડે લૂછી લો. ત્યારબાદ ઇન્ક પેન અને લંચ બોક્સને પોલીથીનમાં પેક કરીને જ રાખો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.