એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન રાજ્યમાં વપરાશકર્તાઓની સંખ્યા ૨.૭૮૮ કરોડથી ઘટીને ૨.૭૫૫ કરોડે પહોંચી
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ચાલુ વર્ષે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં લગભગ ૩.૩૦ લાખ ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સમાં ઘટાડો થયો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)નો તાજેતરનો પર્ફોર્મન્સ ઈન્ડિકેટર રિપોર્ટ સૂચવે છે કે, ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરથી એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ૨.૭૮૮ કરોડથી ઘટીને ૨.૭૫૫ કરોડ થઈ ગઈ છે. ટેલિકોમ ઓપરેટરોએ જણાવ્યું હતું કે, એપ્રિલ અને મે માસમાં મહામારીની બીજી લહેરને કારણે લાદવામાં પ્રતિબંધોને કારણે ઘણા કનેક્શન્સ એક્સપાયર થઈ ગયા છે અને રિન્યૂ કરી શકાયા નથી.
બીજી બાજુ ગ્રામીણ વિસ્તારના સસ્તા ટેરીફ પ્લાન વધુ પસંદ કરતાં હોય છે ત્યારે ચાલુ વર્ષે મોટાભાગની કંપનીઓએ ટેરીફ પ્લાનના ભાવમાં વધારો કર્યો છે. સબ્સ્ક્રાઇબર્સની કુલ સંખ્યામાં ઘટાડામાં એવા સિમકાર્ડનો સમાવેશ થાય છે કે જે વણવપરાયેલા રહી ગયા હતા અથવા રિન્યૂ ન થયા હતા અને તેમના કનેક્શન્સ ડિસ્કનેક્ટ થઈ ગયા હતા તેવું ટેલિકોમ સેક્ટરના સૂત્રએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બહુવિધ કનેક્શન ધરાવતા ઓછા લોકોએ તેમના ખર્ચ ઘટાડવા માટે વધારાના સિમ કાર્ડ બંધ કરી દીધા છે.
કનેક્શસનમાં ઘટાડો થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમાં પ્રથમ મહામારી દરમિયાન લાદવામાં આવેલા પ્રતિબંધોને લીધે નવા પ્લાન એક્ટિવ કરી શકાયા નથી જેથી સિમકાર્ડ ડિસ્કનેક્ટ થઈ ગયા છે. બીજી બાજુ કોરોના કાળમાં લોકો થોડામાં સંતોષ માણતા શીખ્યા હોવાથી જે લોકો અગાઉ બે કે તેથી વધુ કનેક્શન ધરાવતા હતા તેમણે પણ વધારાના બિનજરૂરી સીમકાર્ડ બંધ કરી દીધા છે.
ઉપરાંત આ ઘટાડા પાછળ વધુ એક કારણ જવાબદાર છે. જે રીતે ચાલુ વર્ષે વોડાફોન-આઈડિયા પર સંકટના વાદળો ઘેરાયા હતા તેના કારણે અનેક વપરાશકર્તાઓએ તેમના સીમકાર્ડ બંધ કરી દીધાના અથવા તો પોર્ટ કરાવી લીધાના અહેવાલો પણ મળ્યા છે.
ટ્રાઈના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિ સમગ્ર દેશમાં સમાન છે. ગ્રામીણ ટેલિફોન ગ્રાહકો માર્ચ ૨૦૨૧ના અંતે ૫૩.૭૪ કરોડથી ઘટીને જૂન ૨૦૨૧ ના અંતે ૫૩.૬૪ કરોડ થઈ ગયા છે. આ સમયગાળામાં ગ્રામીણ ટેલિફોન ઘનતા પણ ૬૦.૨૭% થી ઘટીને ૬૦.૧૦% થઈ ગઈ છે.