કેન્દ્રની ટીમે સર્વે હાથ ધર્યો, ચેમ્બર ઓફ કોમર્સ સાથે બેઠક યોજી તમામ વિગતો એકત્ર કરી
પ્રાથમિક તબક્કે માઢીયા નજીક સ્થળની પસંદગી રાજ્યમાં ત્રણ કલેક્શન સેન્ટર ઉભા કરાશે
ભાવનગરમાં દેશના સૌથી મોટા વ્હીકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે તૈયારીઓ ચાલી રહી છે. જેના માટે કેન્દ્ર સરકારની દિલ્હીથી આવેલી ટીમે સ્થળનો સર્વે પણ કર્યો હતો. આ ટીમે અલંગની મુલાકાત લીધી હતી ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ સાથે બેઠક પણ યોજી હતી. સર્વે માટે આવેલી આ ટીમે ઝીણવટભરી માહિતીઓ એકત્ર કરી તેનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જે કેન્દ્રને સુપ્રત કરવામાં આવનાર છે.
શહેરમાં રોલિંગ મિલો અલંગના સ્ક્રેપમાં ચાલી રહી છે પણ આગામી દિવસોમાં બીજા ક્ષેત્ર એટલે કે વ્હીકલ સ્ક્રેપમાંથી ભંગાર મળશે. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સમાં આવેલા કંપનીના ક્ધસલ્ટન્ટ સાથે થયેલી વાટાઘાટો બાદ હવે આગામી દિવસોમાં જમીન અને બાદમાં જોઈતી વ્યવસ્થા હોવાથી દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માઢિયા નજીક બને તેવી શકયતા પ્રબળ બની છે.
ભાવનગરમાં દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની હિલચાલ શરૂ થઈ ગઈ છે. ભાવનગરમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા પાછળનું કારણ પણ મોટું છે. ભાવનગર જિલ્લામાં સિંહોર અને ભાવનગરમાં સૌથી વધુ રોલિંગ મિલો આવેલી છે. સ્ટીલ પ્લાન્ટ પણ ભાવનગરમાં 60થી 65 જેટલા આવેલા છે. સાથે ફરનેશ પ્લાન્ટ પણ છે એટલે વ્હીકલ સ્ક્રેપ યાર્ડથી રોજગારી વધશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટભાઈએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. તેથી કંપનીના 2 ક્ધસલ્ટન્ટે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે પહોંચીને ચર્ચા-વિમર્શ કરી હતી. ભાવનગરમાં જ પ્લાન્ટ બનાવવાનો હોવાથી હાલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માઢિયા ગામ નજીક જગ્યાને સલાહ રૂપે દર્શાવવામાં આવી છે. માઢિયા પાસે જમીન ફાળવાય તો રોલિંગ મિલોને નજીક થાય અને ટ્રાન્સપોર્ટેશન હળવું થવાથી ફાયદો થશે. રોજગારીના સ્ત્રોત પણ વધી શકશે. આગામી દિવસોમાં દેશનો પ્રથમ વ્હીકલ યાર્ડ બને તે માટે ચેમ્બર ઓફ કોમર્સ પણ ઉત્સુક છે.
ભાવનગર સિવાય રાજ્યમાં ત્રણથી ચાર કલેકશન સેન્ટરો ઉભા કરવામાં આવશે. જેના કારણે રાજ્યની આવકમાં વધારો થશે. ઉપરાંત પિપાવાવ પોર્ટ નજીક છે. તે પણ ધમધમી ઉઠશે. આ સાથે ઘોઘા ખાતેની રોપેક્ષમાં સુરત-હજીરા ખાતેથી ટુવ્હીલર અને થ્રી વ્હીલર અહી લાવવામાં સરળતા પડી શકે છે. જમીન માટે જીઆઈડીસી પાસે જમીન માટે ચર્ચા હાથ ધરાશે. આ ઉપરાંત દેશના તમામ રાજ્યોના પ્રિન્સિપાલ સેક્રેટરી સાથે વાતચીત કરીશુ. જમીન, ટેક્સ, ઈન્સેટીવ વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરાશે.
શુ શુ ફાયદા થશે
- અંદાજે 35000 જેટલા લોકોને રોજગારી મળશે
- રોલિંગ મિલોને નજીકમાંથી જ સ્ક્રેપ મળી રહેશે
- રોલિંગ મિલો વધુ કામ મેળવી શકશે અને એક શિફ્ટ વધારી શકશે
- પીપાવાવ પોર્ટ ધમધમી ઉઠશે
- ઘોઘા દહેજ વચ્ચે ટ્રાફિક વધશે
વ્હીકલ સ્ક્રેપ માટે દેશભરમાં 55 કલેક્શન સેન્ટર ઉભા થશે
કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગમાંથી આવેલ ટીમના ક્ધસલ્ટન્ટ સુનેશ સપનજીએ આ વાર્તાલાપનો હેતુ ભાવનગર જીલ્લામાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટેની શક્યતાઓ તપાસવાનો હોવાનું જણાવેલ. વ્હીકલ સ્ક્રેપ માટેની કેન્દ્ર સરકાર દ્વારા પોલીસી તૈયાર થઇ રહેલ છે તે અંગેના પણ સૂચનો મેળવી રીપોર્ટ રજુ કરવાનો છે. હાલમાં જે વાહનો છે તેના ફ્ટિનેસ માટે પોલીસી ઘડવામાં આવી રહી છે જૂની ગાડીઓના કારણે પોલ્યુશન વધે છે. હાલમાં દેશમાં લગભગ 1 કરોડ વાહનો રોડ ઉપર ચલાવવા માટે ફિટ નથી છતાં ચાલી રહેલ છે. એપ્રિલ-2021 માં કેન્દ્રના પરિવહન મંત્રી નીતિન ગડકરીજી આ માટે વેબિનાર કરનાર છે. ગવર્નમેન્ટ વ્હીકલ 15 વર્ષથી વધારે ચલાવી શકાતા નથી. જે લોકો જૂની ગાડીઓ વાપરે છે તેમણે વારંવાર રી-રજીસ્ટ્રેશન ન કરાવવું જોઈએ. વાહન સ્ક્રેપ કરાવનારને ઇન્સેન્ટીવ આપવામાં આવશે. વ્હીકલ સ્ક્રેપ માટે દેશભરમાં 55 સેન્ટર ઉભા કરવામાં આવનાર છે. હાલમાં જે વાહનો સ્ક્રેપ થાય છે તે અનઓર્ગેનાઈઝ અને મેન્યુઅલી થાય છે.