૨૦ વર્ષ પહેલા બનાવેલી ટીપી સ્કીમ નં.૧૫ માટે સરકારે મંગાવેલો પરામર્શ આપતી મહાપાલિકા: ડ્રાફટ ટીપી સ્કીમ હવે ટુંકમાં થશે મંજુર

મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સતારૂઢ થયાનાં સાડા ત્રણ વર્ષનાં કાર્યકાળમાં તેઓએ રાજયમાં અનેક શહેરોની આશરે ૨૦૦ જેટલી ટીપી સ્કીમો મંજુર કરી છે. તાજેતરમાં તેઓએ ૮ ટીપી સ્કીમોને મંજુરીની મહોર મારી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૦ વર્ષ પૂર્વે બનાવવામાં આવેલી ટીપી સ્કીમ નંબર ૧૫ જે સામાકાંઠા વિસ્તારમાં મોરબી રોડને લાગુ છે તેને નજીકનાં ભવિષ્યમાં જ મંજુરી મળે તેવા ઉજળા સંજોગો વર્તાય રહ્યા છે. આ ટીપી સ્કીમ માટે તાજેતરમાં રાજય સરકારે મહાપાલિકા પાસે પરામર્શ માંગ્યો હતો જે આપી દેવામાં આવ્યો છે. ડ્રાફટ ટીપી ૧૫ ટુંક સમયમાં પ્રિલીમીનરી કે ફાઈનલ સ્ટેજે મંજુર થાય તેવું હાલ દેખાય રહ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આશરે બે દાયકા પૂર્વે ટીપી સ્કીમ નં.૧૫ (રાજકોટ) બનાવવામાં આવી હતી. આ ડ્રાફટ ટીપી સ્કીમ છેલ્લા બે દાયકાથી રાજય સરકારનાં ટીપીઓ પાસે પેન્ડીંગ છે. આ સમય દરમિયાન મોરબી રોડ પરની અલગ-અલગ ટીપી સ્કીમોને સરકાર દ્વારા બહાલી આપવામાં આવતા મોરબી રોડનો સારો એવો વિકાસ થવા પામ્યો છે. ટીપી સ્કીમ નં.૧૫ મંજુર થશે તો મોરબી રોડનો વિકાસ આકાશને આંબશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ ટીપી સ્કીમ મોરબી રોડનાં ઉતરે ૩૦ મીટર, દક્ષિણે ૨૪ મીટર, પૂર્વે ૩૦ મીટર અને પશ્ર્ચિમે ૩૧ મીટર સુધી વિસ્તરેલી છે. ટીપી સ્કીમનું કુલ ક્ષેત્રફળ ૯,૧૭,૦૪૯ ચો.મી.નું છે જેમાં સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે અલગ-અલગ ૮ અનામત પ્લોટ રાખવામાં આવ્યા છે જેનું ક્ષેત્રફળ ૨૮,૭૫૯ ચો.મી. જેવું થવા પામે છે. જયારે અલગ-અલગ અનામત એવા ૨૫ પ્લોટનું ક્ષેત્રફળ ૧,૬૫,૫૯૯ ચો.મી.નું છે. ટીપીએસ રોડનું ક્ષેત્રફળ ૧,૦૯,૭૩૮ ચો.મી. છે.

ટીપી સ્કીમ નં.૧૫ માટે તાજેતરમાં રાજય સરકાર દ્વારા પરામર્શ માંગવામાં આવ્યો હતો જેમાં એવું પુછવામાં આવ્યું હતું કે, આ ટીપી સ્કીમને મંજુર કરવામાં આવે તો કોર્પોરેશનનું કોઈ હિત જોખમાતું નથી ને ? દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરામર્શ આપી દેવામાં આવ્યું છે અને જો આ ટીપી સ્કીમ મંજુર કરવામાં આવે તો કોર્પોરેશનનું કોઈ હિત જોખમાતું નથી તેવું જણાવવામાં આવ્યું છે. હવે રાજય સરકાર દ્વારા આ માટે ટીપીઓની નિમણુક કરવામાં આવશે ત્યારબાદ ટીપી સ્કીમને પ્રિલીમીનરી કે ફાઈનલ સ્ટેજે લઈ જઈ મંજુરી આપવામાં આવશે. ટુંકમાં છેલ્લા ૨૦ વર્ષથી સરકારમાં પેન્ડીંગ એવી ટીપી સ્કીમ નં.૧૫ને નજીકનાં ભવિષ્યમાં મંજુરીની મહોર લાગે તેવું જણાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.