જગતમાં સાત ચિરંજીવીઓમાં (અમર આત્માઓ) જેની ગણતરી થાય છે એવા શ્રી રામભકત હનુમાનનો જન્મ ચૈત્ર સુદ પુનમને દિવસે થયો હતો. હનુમાનજીના જન્મની પૂર્વકથા વિલક્ષણ છે. પુંજિકસ્થલા નામની સ્વર્ગની અપ્સરાને અંગિરાઋષિએ વાનરીદેહ પામીશ અને પૃથ્વી લોકમાં જઈશ એવો શાપ આપ્યો. પુંજિકસ્થલાએ મફી માગી ત્યારે ઋષિએ આશીર્વાદ આપતા કહ્યું, ‘ તારે ત્યાં એક મહાન ભકતનો જન્મ થશે જે ભગવાનની અખંડ સેવામાં રહેશે. આ અપ્સરા વાનરરાજ કુંજરની પુત્રી અંજની તરીકે જન્મી અને સુમેરુ પર્વતના કપિરાજ કેસરી સાથ તેના લગ્ન થયાં. કેસરી અને અંજનીના તપથી, મહાદેવની, પ્રસન્નતાથી, વાયુદેવના આશીર્વાદથી ચૈત્ર સુદ પુનમના દિને અંજનીના કૂખે શ્રી હનુમાનનું પરમ પાવનકારી પ્રાગટય થયું.
નાનપણથી જ હનુમાન ખુબ તેજસ્વી અને ચંચળ હતા. તેમને જનોઈ આપવામાં આવી ત્યારે સૂર્યને ગુરુ માની તેમણે જ્ઞાનપ્રદાન કરવા વિનંતી કરી, સૂર્યદેવે તેમને અનેક શસ્ત્ર અસ્ત્રનુ જ્ઞાન આપ્યું. નાનપણમાં આ જ સૂર્યદેવને પાકેલું ફળ સમજી હનુમાનજીએ તેમને ગળી જવા છલાંગ લગાવી અને ગળી જવા તૈયાર થયા. પરંતુ ઈન્દ્રદેવે પોતાનું વ્રજ મારીને તેમને પાછા વાળ્યા. વ્રજપ્રહારથી બાળમારૂતિની હનુ (દાઢી) ભાંગી ત્યારથી મારૂતિ હનુમાનના નામે પ્રસિદ્ધ થયા. પછી તો તેમણે વરૂણદેવ પાસેથી વરૂણપાશનું બંધન નહીં નડે. યમરાજા પાસેથી અજયોત્વ અને ચિર ઉત્સાહનું બ્રહ્મા પાસેથી યુદ્ધમાં શત્રુને ભય પમાડવાનું, મિત્રોનો ભય દુર કરવાનું, ઈચ્છા પ્રમાણે વિવિધરૂપો ધારણ કરવાનું, શિવજી પાસેથી દીર્ઘ આયુષ્યનું અને સમુદ્ર ઉલ્લંઘન કરવાનું સામર્થ્યનું વરદાન મેળવ્યું, આવી શકિતઓ મળવાથી હનુમાન ખુબ ઉન્મત, અભિમાની બની ગયા અને ઋષિઓને હેરાન કરવા લાગ્યા. એક વખત ધ્યાનમાં લીન થયેલા ઋષિને હનુમાને પજવ્યા તેથી ભૃગુઋષિ અને અંગિરાઋષિએ શાપ આપ્યો કે તમારી શકિતઓનું તમને વિસ્મરણ થઈ જશે અને કોઈ દેવ સમાન વ્યકિત જ તે યાદ કરાવશે અને શકિતનો ઉપયોગ કરાવી શકશે.
હનુમાન પરાક્રમ અને બળની મૂર્તિ છે. ભકિતભાવ અને બ્રહ્મચર્યના તેજથી તેઓ આકાશમાં ઉડી શકતા. અણિમા-લઘિમા જેવી સિદ્ધિ તેમને સહજ હતી. તેથી તેમને યોગી પણ કહેવાયા છે. તેમનામાં ભકિત અને શકિતનો સમન્વય છે. શિવાજીના ગુરુ સમથ રામદાસે બળ ઉપાસના માટે અખાડાઓ અને વ્યાયામ શાળાઓનું સ્થાપન કર્યું હતું પરંતુ કેવળ શકિતથી માણસ પશુ કે રાક્ષસ બને એ વાત ધ્યાનમાં રાખી તેમણે દરેક અખાડામાં મારૂતિ મંદિર કે મારૂતિની મૂર્તિની સ્થાપના કરાવી. વ્યાયામથી મેળવેલ શકિત માત્ર રાવણની જેમ દુષ્કર્મમાં નહીં પરંતુ હનુમાનની જેમ ભગવદ કાર્યમાં વાપરવી એવો એનો હેતુ હતો. પણ આ બધામાં સૌથી વિશેષ છે હનુમાનનો દાસત્વભાવ, ભકિતભાવ, હનુમાને રામ પરથી પ્રેમભકિત ઓછી ન થાય અને રામ સિવાય મનમાં બીજો ભાવ જ ન આવે એટલું જ રામ પાસેથી વરદાનમાં માંગ્યું છે. દાસ મારૂતિ કે વીર મારૂતિ એ બે માંથી શ્રીરામના દાસમારૂતિ તરીકે ઓળખાવાનું જ તેમણે પસંદ કર્યું છે. રામની સેવામાં પ્રાણ પાથરી દેવા તે હંમેશા તત્પર રહેતા. તેથી જ રામના દેવાલયની પૂર્ણતા હનુમાનની મૂર્તિ સિવાય થતી નથી. આવા ભકત વિના તો પ્રભુરામ પણ અધૂરા છે. હનુમાન દાસત્વથી ભરપુર એવા અહંકારશૂન્ય ભકતરાજ છે. તેમની ભકિત જોઈ પ્રભુએ તેમને પુરૂષોતમની પદવી આપી અને પોતાની જોડે સ્થાન આપ્યું. આજે હજારો વર્ષથી જનસમુદાયનાં હૃદયમાં રામ જેટલું જ પૂજનીય સ્થાન હનુમાનનું છે. ભારતમાં નાના-મોટા થઈને સૌથી વધુ મંદિર-દેરીઓ હનુમાનજીની છે. આજે ઠેર-ઠેર રાવણો જાગ્યા છે ત્યારે જ સમાજને ખરા રામ અને હનુમાનની જરૂર છે. આજે રાવણ જેવી વૃત્તિનું દહન કરનાર વીર મારૂતિની જરૂર છે. માત્ર બે-પાંચ રૂપિયાના તેલ, સિંદૂર અને અન આંકડાની માળા ચઢાવવામાં જ લોકો શ્રદ્ધા ફળિભૂત થતી માને છે. શનિવારે તેલ ચઢાવીને સિંદૂરનું ટપકું લમણે કરી લેવામાં ભકિત આવી જતી નથી. હનુમાનની જેમ રામકાર્ય કરવા કટિબદ્ધ થવું પડશે, ઉઠવું-જાગવું પડશે તેવા થવા માટે પ્રયત્ન કરનારને જ હનુમાન જયંતી ઉજવવાનો અધિકાર છે.