સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ સ્પર્ધા અંતર્ગત
જે.જે.કુંડલીયા કોલેજ આયોજીત કુસ્તી સ્પર્ધામાં ૨૦ કોલેજના ૯૭ ભાઈઓએ ભાગ લીધો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પોટર્સ સ્પર્ધા ચાલી રહી છે જેમાં આજે બાલભવન ખાતે જે.જે. કુંડલીયા કોલેજ આયોજીત આંતર કોલેજ ભાઈઓની કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી
જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી ૨૦ કોલેજના લગભગ ૯૭ ભાઈઓ કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
આ સ્પર્ધામાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોષી, ટ્રસ્ટી અલ્પનાબેન ત્રીવેદી, જે.જે. કુંડલીયા કોલેજના પ્રિન્સીપાલ પ્રીતીબેન ગણાત્રા તેમજ કોલેજના પ્રોફેસર ડો. એચ.આર. ભાલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મનસુખભાઈ જોષીએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, કુસ્તી સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને હું અભિનંદન પાઠવું છુ તેમજ ખેલાડીઓ વધુને વધુ પરિશ્રમ કરી ફકત સૌરાષ્ટ્ર કક્ષાએ જ નહી પરંતુ નેશનલ લેવલે પણ કુસ્તી સહિતની સ્પર્ધામાં ભાગ લે અને આગળ વધે.
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદીને ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે આંતર કોલેજ સ્પોટસ સ્પર્ધાઓનું આયોજન કરવામા આવે છે. ખેલાડીઓને વધુ પ્રોત્સાહન મળે અને તેઓ આગળ રાજયકક્ષાએ પણ રમવા જાય તેવી શુભેચ્છા પાઠવું છું.
જે.જે. કુંડલીયા કોલેજના સ્પોટર્સ શિક્ષક ડો. એચ.આર. ભાલિયાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, જે.જે.કુંડલીયાના દ્વારા સતત ત્રીજા વર્ષે કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ વર્ષે સૌરાષ્ટ્રની જુદી જુદી ૨૦ કોલેજના ૯૭ ભાઈઓ ઉત્કૃષ્ટ દેખાવ કરીને સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.
કુસ્તી સ્પર્ધામાં ભાગ લેનાર કાબીલ સીંગ રાજપુતે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, હું કશ્મીરથી અહી અભ્યાસ કરવા જે.જે.કુંડલીયા ખાતે આવ્યો છું છેલ્લા ૨ વર્ષથી હું કુસ્તી સ્પર્ધામાં ભાગ લઉ છું. અને નેશનલ લેવલે પણ કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો છે. આ મારૂ ત્રીજુ વર્ષ છે. અને મને વિશ્ર્વાસ છે કે આ વર્ષે હું ચેમ્પીયન બનીશ.